690 વિકેટ ઝડપનારા બોલરને ટીમમાં નહીં લેતા ઇંગ્લેન્ડની ટીમ પર સવાલ?
હૈદરાબાદ: ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો આરંભ થઇ ચૂક્યો છે અને હૈદરાબાદ ખાતે રમાયેલી પહેલી મેચ ઇંગ્લૅન્ડે પોતાના નામે કરી લીધી છે. જોકે આ મેચમાં ઇંગ્લૅન્ડે વિજય મેળવ્યો હોવા છતાં તેમની ટીમ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે એવો સવાલ ઊભો થઈ રહ્યો છે કે અત્યાર સુધી ટેસ્ટમાં 690 વિકેટ લઇ ચૂકેલા ઇંગ્લૅન્ડના સૌથી ઘાતક બૉલર જેમ્સ ઉર્ફે જીમ્મી એન્ડરસનને ટીમમાં સામેલ ન કરવાના નિર્ણય વિશે.
જ્યારે હૈદરાબાદની મેચમાં રમનારા ઇંગ્લૅન્ડના 11 ખેલાડીઓના નામ જાહેર થયા ત્યારે તેમાંથી એન્ડરસનનું નામ ગાયબ હોવાથી ઇંગ્લૅન્ડના ચાહકો જ નહીં ભારત ઉપરાંત દુનિયાભરના ક્રિકેટ રસિકોને ભારે આંચકો લાગ્યો હતો. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓ અને ક્રિકેટ એક્સપર્ટ્સે પણ આ નિર્ણય વિશે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈને પણ આ અંગે આશ્ર્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારતીય ઉપખંડમાં જીમ્મી એંડરસનની પ્રતિભા છેલ્લા અમુક વર્ષોમાં અસાધારણ રહી છે. એન્ડરસન જ્યારે ટીમમાં હોય છે ત્યારે તે શાનદાર પ્રદર્શન કરે છે. તે ઇંગ્લૅન્ડના અત્યાર સુધીના સૌથી મહાન બૉલર છે અને તેમણે રમવાની જરૂર છે. નાસિરે એમ પણ કહ્યું કે જો એ હોત તો તે એન્ડરસનને જરૂર રમાડત.
રસપ્રદ વાત એ છે કે એન્ડરસન 700 વિકેટ લેવાના રેકોર્ડની ખૂબ જ નજીક છે અને આ શ્રેણીમાં તે આ રેકોર્ડ બનાવી શકે તેવી પૂરી શક્યતા છે. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે હજી ચાર ટેસ્ટ મેચ રમવાની બાકી છે ત્યારે ઇંગ્લૅન્ડ પાસે આ રેકોર્ડ બનાવવાનો હજી પણ તક છે.