નેશનલ

ભારત જોડો યાત્રામાં મારા બ્લાઉઝમાં કમળ હોવાની વાતો થતી હતી: પૂર્વ કોંગ્રેસ MLAના ગંભીર આરોપો

આસામ: “કોંગ્રેસમાં મહિલાઓને સન્માન નથી. મારા બ્લાઉઝની ડિઝાઇન વિશે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વાતો કરતા હતા. મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે એક સામાન્ય કમળની ડિઝાઇન હોય તેનો આવો અર્થ નીકળી શકે. મને પોતાને અહીં એ વાત કરતા શરમ આવે છે.” આ શબ્દો છે આસામ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બિસ્મિતા ગોગોઇના. રવિવારે આ પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસ તેમજ ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન અને અન્ય નાનામોટા સંગઠનો મળીને 150થી વધુ નેતાઓ ભાજપમાં જોડાયા છે.

ભાજપમાં જોડાયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં બિસ્મિતા ગોગોઇએ એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે આસામમાં જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પસાર થઇ હતી તે સમયે એક એવી ઘટના બની કે જેણે તેમને કોંગ્રેસ છોડી દેવા માટે પ્રેરિત કરી.

“આસામના ખુમતઇમાં યાત્રા ચાલી રહી હતી તે દરમિયાન મેં એક એવી સાડી પહેરી હતી જેના બ્લાઉઝમાં કોઇ કમળાકૃતિ હશે અથવા સામાન્ય પ્રકારની જ ફૂલની ડિઝાઇન હશે, જો કે એ લોકો એવું સમજી બેઠા કે હું ભાજપમાં જવાની યોજના ઘડી રહી છું. હદ તો ત્યારે થઇ જ્યારે રાહુલ ગાંધી ભવનમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મારા બ્લાઉઝ વિશે ચર્ચા કરવા લાગ્યા. આ ઘટનાથી મને ઉંડો આઘાત લાગ્યો, હું રોવા લાગી હતી. પછી મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય લઇ લીધો.” તેવું બિસ્મિતા ગોગોઇએ જણાવ્યું.

તેમણે વધુમાં કહ્યું, “આ મહિલાઓનું અપમાન છે. મારું સન્માન તો એ દિવસે જ ખતમ થઇ ગયું. પાર્ટીમાં મહિલાવિરોધી વાતો થતી રહેશે તો પાર્ટી ક્યાંથી આગળ આવશે. અહીં ડગલેને પગલે મારું માનસિક શોષણ થતું. તેઓ મને મોટી કામગીરીઓમાં સામેલ પણ ન કરતા. મને ચર્ચાઓમાં ભાગ લેવા નહોતા દેતા. કોંગ્રેસમાં મહિલાઓ સુરક્ષિત નથી.”


બિસ્મિતા ગોગોઇ સિવાય અન્ય એક મહિલા નેતા છે, જેમને આ જ પ્રકારનો કડવો અનુભવ થયો છે. આસામ યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અંકિતા દત્તાએ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વીબી શ્રીનિવાસ પર શારીરિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો. આ મામલે તપાસ ચાલી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button