નીતિશ સુશાસન બાબુમાંથી સત્તાલાલસુ બની ગયા
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર ફરી પલટી મારીને ચર્ચામાં આવી ગયા છે. છેલ્લા એક દાયકામાં ચાર વાર પલટી મારનારા નીતિશ કુમાર ગુલાંટબાજીમાં બધાંના બાપ સાબિત થયા છે ને તેના કારણે તેમની ઈજ્જતનો જોરદાર કચરો થઈ ગયો છે. નીતિશ કુમારને પલટુરામ, ગુલાંટબાજ, ગદ્દાર વગેરે વિશેષણોથી નવાજાઈ રહ્યા છે. નીતિશ કુમારની રાજકીય કારકિર્દી પાંચ દાયકા જૂની છે. રાજકીય કારકિર્દીના પાંચ દાયકામાં નીતિશની પોતાની ઈમેજ એકંદરે સારી રહી છે પણ છેલ્લા એક દાયકામાં તેમની અંગત ઈમેજનું ભારે ધોવાણ થયું છે.
એક સમયે બિહારમાં સારો વહીવટ આપીને સુશાસન બાબુની ઈમેજ ઊભી કરનારા નીતિશ સત્તાલાલસુ તરીકે બદનામ થઈ ગયા છે.. એક સમયે સિંધ્ધાંતવાદી ગણાતા નીતિશ ધીરે ધીરે સત્તાલાલચુ તરીકે સ્થાપિત થઈ ગયા છે. નીતિશની ઈમેજના ધોવાણ માટે ધીરે ધીરે ખસી રહેલો રાજકીય અને જનાધાર જવાબદાર છે. નીતિશ પોતાનો જનાધાર ખસી રહ્યો છે એ સમજે છે પણ હવે તેને પાછો મેળવવા માટે કોઈ શસ્ત્ર તેમની પાસે રહ્યાં નથી તેથી તડજોડ કરીને સત્તા ટકાવવાના રવાડે ચડી ગયા છે.
બિહાર અને ઉત્તર પ્રદેશના મોટા ભાગના પ્રાદેશિક નેતાઓની જેમ નીતિશ પણ સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાની સ્કૂલની પેદાશ છે. વિદ્યાર્થી નેતા તરીકે શરૂઆત કરનારા નીતિશ કુમારની રાજકીય કારકિર્દી 1974માં શરૂ થઈ હતી. ઈન્દિરા ગાંધી અને કૉંગ્રેસના ભ્રષ્ટાચાર સામે જયપ્રકાશ નારાયણે આંદોલન છેડ્યું ત્યારે નીતિશ કુમાર જે.પી.ના આંદોલન સાથે જોડાયા હતા. કટોકટી વખતે જેલમાં પણ ગયા અને કટોકટી ઉઠાવી લેવાઈ પછી જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
નીતિશ જનતા પાર્ટીની ટિકિટ 1977માં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા પણ હારી ગયેલા. 1980માં ફરી વિધાનસભાની ચૂંટણી લડ્યા પણ ફરી હાર્યા ત્યારે રાજકારણ છોડવાનો નિર્ણય પણ લઈ લીધો હતો. શરદ યાદવ સહિતના મિત્રોએ સમજાવ્યા એટલે રાજકારણમાં રહ્યા ને 1985માં છેલ્લી વાર ચૂંટણી લડવાનું નક્કી કર્યું. નીતિશના સદનસીબે 1985માં લોકદળની ટિકિટ પર લડેલી ચૂંટણી ફળી અને નીતિશ વિધાન સભ્ય બની ગયા. નીતિશે આ જીત પછી પાછું વળીને જોયું નથી.
વિશ્વનાથ પ્રતાપસિંહે રાજીવ ગાંધી સામે બળવો કરીને જનતા દળની રચના કરી પછી બિહાર અને ઉત્તર પ્રદેશના મોટા ભાગન સમાજવાદી નેતા વી.પી.ની ટે્રનમાં ચડી બેઠેલા. નીતિશ કુમાર પણ તેમાંથી એક હતા. વી.પી. પાસે કોઈ સંગઠન નહોતું તેથી આ નેતાઓ પર જ નિર્ભર હતા એટલે તેમણે યુવા નેતાઓને તક આપી ને તેમાં નીતિશનો નંબર લાગી ગયો. વિશ્વનાથ પ્રતાપસિંહે નીતિશને લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા અને 1989માં નીતિશ પહેલી વાર બિહારની બાઢ લોકસભા બેઠક પરથી લડીને જીત્યા પછી સતત લોકસભાની ચૂંટણી જીતતા રહ્યા.
1991, 1996, 1998, 1999 અને 2004માં પણ લોકસભાની ચૂંટણી જીતનારા નીતિશે વચ્ચેનાં વરસોમાં રાજકીય વિચારધારાની રીતે પણ બદલાઈ ગયા. એક જમાનામાં સમાજવાદની વાતો કરનારા જ્યોર્જ ફર્નાન્ડિઝ સત્તા માટે ભાજપના રંગે રંગાઈ ગયા હતા. નીતિશે તેમને સાથ આપ્યો અને ભાજપની નજીક પહોંચી ગયા. ભાજપ એ વખતે બિહારમાં ચિત્રમાં નહોતો તેથી અટલ બિહારી વાજપેયીના ફર્નાન્ડિઝ સહિતના નેતાઓની જરૂર હતી. ફર્નાન્ડિઝ પાસે પણ નીતિશ કુમાર જ હતા તેથી નીતિશ વાજપેયી સરકારમાં પ્રધાન બની ગયા. નીતિશની રાજકીય કારકિર્દીમાં આ મોટો ટર્નિગ પોઈન્ટ હતો.
બિહારમાં એ વખતે લાલુ પ્રસાદ યાદવનું એકચક્રી શાસન હતું. મુસ્લિમ તુષ્ટિકરણના ચેમ્પિયન લાલુ ભાજપ સાથે કઈ કાળે બેસવાના નહોતા તેથી ભાજપને લાલુને પછાડવા એક હથિયાર જોઈતું હતું. નીતિશ એ હથિયાર બન્યા. ભાજપની મદદથી નીતિશ બિહારના રાજકારણમાં સક્રિય જ ના થયા પણ કાઠું પણ કાઢ્યું. 2000ની બિહાર વિધાનસભા ચૂંટણી વખતે બિહારના ભાગલા નહોતા થયેલા તેથી વિધાનસભાની 324 બેઠકો હતી. આરજેડીને 124 બેઠકો મળેલી તેથી સ્પષ્ટ બહુમતી નહોતી મળી. ભાજપને 67 જ્યારે નીતિશની સમતા પાર્ટીને 34 મળીને 101 બેઠકો થતી હતી. ભાજપ અને નીતિશ પાસે સ્પષ્ટ બહુમતી નહોતી છતાં વાજપેયીએ નીતિશને મુખ્ય પ્રધાન બનાવી દીધેલા. ભાજપને નીતિશના જોરે આરજેડીમાં ભંગાણ પાડીને સરકાર બચાવી લેવાશે એવું લાગતું હતું પણ લાલુ વધારે પાકા ખેલાડી સાબિત થયા તેમાં નીતિશે સાત દિવસ પછી રાજીનામું ધરી દેવું પડેલું.
બિહારમાં 2005માં વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે બિહાર અને ઝારખંડ બે રાજ્યો બની ચૂકેલાં. બિહાર વિધાનસભાની 243 બેઠકો હતી ને તેમાં ભાજપ 37 જ્યારે નીતિશ કુમારની જેડીયુ 55 બેઠકો મળીને 92 બેઠકો જીતેલાં તેથી બહુમતી માટે જરૂરી બેઠકો નહોતી. આરજેડીને 75 બેઠકો મળેલી ને કૉંગ્રેસને 10 બેઠકો મળેલી તેથી તેમની પાસે પણ જરૂરી બેઠકો નહોતી. રામવિલાસ પાસવાન 29 બેઠકો સાથે કિગ મેકર બનેલા પણ તેમને મુખ્ય પ્રધાન બનવાના અભરખા હતા તેથી બંનેમાંથી કોઈને ટેકો ના આપ્યો.
કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર આવી ગયેલી ને લાલુ કૉંગ્રેસ સાથે હતા તેથી નીતિશને ચાન્સ મળવાનો સવાલ નહોતો. ડૉ. મનમોહનસિંહની સરકારે રાષ્ટ્રપતિ શાસન લાદીને લાલુને તોડફોડની તક આપી પણ લાલુ કંઈ ના કરી શકતાં છેવટે ઑક્ટોબરમાં ફરી ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં નીતિશની જેડીયુએ 88 અને ભાજપે 33 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવતાં નીતિશ બીજી વાર મુખ્ય પ્રધાન બન્યા.
નીતિશે આ ઈનિંગમાં જોરદાર દેખાવ કર્યો એ કબૂલવું પડે. એક તરફ તેમણે બિહારમાં સારો વહીવટ આપીને બિહારની ઈમેજ બદલી તો બીજી તરફ અતિ પછાત વર્ગ સહિતનાં લોકો માટે યોજનાઓ પર યોજનાઓ ચાલુ કરીને નવી મતબૅન્ક ઊભી કરી. તેના કારણે જ 2010ની ચૂંટણીમાં જેડીયુ એકલા હાથે 115 બેઠકો જીતી ગયેલો ને સ્પષ્ટ બહુમતીથી સરકાર રચવાથી 8 બેઠકો જ દૂર રહી ગયેલો.
આ જનાધારના કારણે નીતિશે 2013માં પહેલી ભૂલ કરી અને એ ભૂલ તેમને ભારે પડી ગઈ. 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ભાજપે વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા તેનો વિરોધ કરીને નીતિશ ભાજપથી અલગ થઈ ગયા પછી લોકસભાની ચૂંટણીમાં મળેલી કારમી હારના કારણે સત્તા ટકાવવા નીતિશે તડજોડના રાજકારણનો આશરો લેવો પડ્યો. આ રાજકારણનો અંત નથી કેમ કે નીતિશ હવે પહેલાંની જેમ એકલા હાથે જીતી શકે તેમ નથી.