બદલાપુરમાં દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં મિત્ર પર ચોપરથી હુમલો
થાણે: દારૂ પીતી વખતે કોઈક વાતે થયેલા વિવાદમાં મિત્ર પર ચોપરના ઘા ઝીંકવામાં આવ્યા હોવાની બદલાપુરમાં બનેલી ઘટનામાં પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.
બદલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના 24 જાન્યુઆરીની રાતે બદલાપુર પરિસરના એક મંદિર નજીક બની હતી. 45 વર્ષના આરોપી અને અન્ય મિત્રો સાથે ફરિયાદી દારૂ પીવા બેઠો હતો.
ફરિયાદી અને આરોપી વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. પોતાનો મોબાઈલ ફોન નંબર શા માટે બ્લૉક કર્યો, એવું આરોપીએ ફરિયાદીને પૂછ્યું હતું. દારૂના નશામાં ચૂર આરોપીએ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ચોપરથી છાતી, હાથ અને જડબા પર ઘા ઝીંક્યા હતા.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ફરિયાદીને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. જખમીની ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 307, 506(2) અને 504 તેમ જ મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)