નવી મુંબઈની મહિલા, અન્યો સાથે રૂ. 2.97 કરોડની છેતરપિંડી: નવ સામે ગુનો
થાણે: વિવિધ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમોમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે નવી મુંબઈની મહિલા તથા અન્યો સાથે રૂ. 2.97 કરોડની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે નવ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
મહિલા તથા અન્યોના ભંડોળનું આરોપીઓએ શેર્સમાં રોકાણ કર્યું હતું અને છેલ્લાં ત્રણ વર્ષમાં તેમણે સ્થાવર અને જંગમ મિલકતો મેળવી હતી, એમ સાનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
જોકે તેઓ રોકાણકારોને કોઇ લાભ આપવામાં કે તેમણે રોકેલા રૂપિયા પાછા કરવામાં નિષ્ફળ ગયા હતા, એમ અધિકારીએ કહ્યું હતું.
નવી મુંબઈના સીવૂડ વિસ્તારમાં રહેતી મહિલાએ રવિવારે આ પ્રકરણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદને આધારે પોલીસે નવ આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની વિવિધ કલમો, પ્રાઇઝ ચિટ્સ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ્સ (બેનિંગ) એક્ટ, બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ્સ એક્ટ અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ડિપોઝિટર્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)