અક્કી-ટ્વીન્કલની લાડકવાયીને શ્વાને બચકું ભર્યું અને પછી જે થયું એ…
ટ્વીન્કલ ખન્નાએ પોતાની દીકરી નિતારા વિશે ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ક્રિસમસના વેકેશન દરમિયાન પાલતુ શ્વાને બંને હાથ પર કરડી લીધું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર ટ્વીન્કલે પોતાના કઝિન ભાઈના પાળેલા શ્વાન ફ્રેડી અને તેના માટે પોતાની દીકરી નિતારાના પ્રેમ અને અટેચમેન્ટ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે નિતારાએ રેબિઝના ત્રણ ઈંજેક્શન અને ટીટનેસનું એક ઈંજેક્શન લગાવ્યા બાદ પણ પોતાના વ્હાલા શ્વાનનો બચાવ કર્યો હતો અને તેને એક એક્સિડન્ટ ગણાવ્યો હતો.
ટ્વીન્કલ ખન્નાએ યાદ કરતાં જણાવ્યું હતું કે આ ક્રિસમસ પર કોઈએ ભૂલથી બાળકો (આરવ અને નિતારા)ની સામે ચિકનની પ્લેટ રાખી દીધી હતી અને ફ્રેડી તેની આસપાસમાં જ હતો. ફ્રેડી પ્લેટ પર કૂદી પડ્યો હતો અને ચિકનના પીસ ખાવા લાગ્યો હતો. મારી 11 વર્ષની દીકરીને એ વાતની ચિંતા હતી કે તે લાકડાની સીખ પણ ના ગળી લે. તેણે એના મોઢામાંથી એ ખેંચવાનો પ્રયાસ કર્યો અને ફ્રેડીએ તેના બંને હાથ પર બચકું ભરી લીધું હતું.
ફ્રેડી સાથેની આ ઘટના બાદ નિતારાના રિએક્શનને યાદ કરતાં ટ્વીન્કલે લખ્યું હતું કે રેબિઝના ત્રણ ઈંજેક્શન અને ટીટનસના એક શોટ બાદ પણ નિતારાને કોઈ વાતનું દુઃખ કે પસ્તાવો નથી અને આ એક અકસ્માત હતો. તેનો ઈરાદો મને ઈજા પહોંચાડવાનો કે કરડવાનો નહોતો. જ્યાં સુધી ફ્રેડી ઠીક છે ત્યાં સુધી કોઈ ફરક નથી પડતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્વીન્કલ ખન્ના અવારનવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ અક્ષય કુમાર, દીકરી નિતારા અને દીકરા આરવ સાથેના પોતાની એક્સ્ટેન્ડેટ ફેમિલીના ફોટો શેર કરતી રહે છે. નિતારા હાલમાં 11 વર્ષની છે જ્યારે આરવ 21 વર્ષનો છે.