વેપાર

મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતા સોનામાં સલામતી માટેની માગ

સ્થાનિક Goldમાં ₹185 નો અને Silver ₹55 નો સુધારો


(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈ: મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની સાથે આજે લંડન ખાતે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, રોકાણકારોની નજર આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ હોવાથી ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. આમ વૈશ્વિક
પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવમાં ૧૦ ગ્રામદીઠ ₹185 નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોનો નવી લેવાલીમાં નિરુત્સાહ અને ઔદ્યોગિક વપરાશકારોની માગ મર્યાદિત રહેતાં ભાવમાં કિલોદીઠ ₹55 નો સાધારણ સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ ₹55 ના સાધારણ સુધારા સાથે ₹71,354ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્વિક
પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં હાજરમાં ભાવ 10 ગ્રામદીઠ ₹185 વધીને 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ₹62,247 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 62,497 ના મથાળે રહ્યા હતા.

ઉત્તર પૂર્વ જોર્ડનમાં સિરિયાની સરહદ નજીક થયેલા ડ્રોન હુમલામાં અમેરિકી સર્વિસીસનાં ત્રણ સભ્યો માર્યા ગયાના અહેવાલોને ધ્યાનમાં મધ્યપૂર્વના દેશોમાં અસ્થિરતા વધવાની ભીતિ આજે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ આગલા બંધની તુલનામાં 0.4% વધીને અનુક્રમે ઔંસદીઠ $2026.89 અને $2025.80અને ચાંદીના ભાવ 0.5% વધીને ઔંસદીઠ $22.92 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


વધુમાં ચીનની કોર્ટે રિયલ્ટી ક્ષેત્રના અગ્રણી જૂથ એવરગ્રાન્ડેને લિક્વિડીટીનો ઓર્ડર આપ્યો હોવાથી સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળ્યો હતો. તેમ છતાં રોકાણકારોની નજર અમેરિકી ફેડરલ રિઝર્વની આવતીકાલથી શરૂ થયેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પર હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button