કર્ણાટકમાં આ મુદ્દે થઈ ધમાલઃ વિરોધ પક્ષના કાર્યકરોનું પ્રદર્શન, પોલીસે ભર્યું આ પગલું
બેંગલુરુ: કર્ણાટકના માંડ્યા જિલ્લામાં કેરાગોડુ ગામમાં સરકારી અધિકારીઓ દ્વારા ધ્વજ સ્તંભ પરથી ‘હનુમાન ધ્વજ’ ઉતારતા સૌથી મોટો વિવાદ સર્જાયો હતો. આ ઘટનાને કારણે કર્ણાટક સરકાર અને વિરોધી પાર્ટીના કાર્યકરોની વચ્ચે પણ રાજકીય વિવાદ શરૂ થયો છે, જ્યારે ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો.
કર્ણાટકમાં વિરોધી પક્ષના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા અને હિન્દુ કાર્યકરોએ હનુમાન ધ્વજને સરકારી અધિકારીઓ દ્વારા હટાવવામાં આવતા આક્રોશ વ્યક્ત કરતાં રાજ્યમાં સત્તાવાર કોંગ્રેસની સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ભાજપના આ વિરોધ પ્રદર્શનમાં કર્ણાટકના બેંગલુરુ અને મૈસુરમાં આંદોલન થવાની શક્યતા છે. જોકે કેરાગોડુ ગામમાં વિવાદ વધતાં ગામમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.
કેરાગોડુ ગામમાં રવિવારે ભાજપ (ભારતીય જનતા પાર્ટી), જનતા દળ (એસ-સેક્યુલર), બજરંગ દળના કાર્યકરોની ભીડ જમા થઈ હતી, તેથી ગામમાં કોઈ પણ પ્રકારની હિંસા ન સર્જાય તેના માટે પ્રમાણમાં પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યા છે. રવિવારે બનેલી ઘટના પછી લોકોની ભારે ભીડ જમા થઈ હતી, જ્યારે ભીડને વિખેરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ પોલીસ અને પ્રશાસને હનુમાન ધ્વજની જગ્યાએ તિરંગો લગાવ્યો હતો.
કેરાગોડુ અને તેની આસપાસના 12 ગામોના રહેવાસીઓએ રંગમંદિરના વિસ્તારના એક ધ્વજ સ્તંભ પર હનુમાનની તસવીર વાળો ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ ઘટનાને લઈને અમુક લોકોએ વિરોધ કર્તા પ્રશાસનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ ધ્વજને તાલુકા પંચાયતના અધિકારીઓએ ગ્રામ પંચાયતના અધિકારીઓને આ ધ્વજ હટાવવાનો આદેશ આપ્યો હતો, પણ આ ધ્વજને હટાવવામાં આવશે એ વાતને લઈને લોકોએ શનિવાર રાતથી જ વિસ્તારમાં જમા થવાનું શરૂ કર્યું હતું.
ગામમાં લગાવવામાં આવેલા આ ધ્વજને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ઉતારવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ગામમાં વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે તણાવ નિર્માણ થયો હતો. હનુમાન ધ્વજને હટાવવાનો વિવાદ વધતાં પ્રદર્શનકારીઓએ કોંગ્રેસના વિધાનસભ્યોને હોર્ડિંગ્સ અને બૅનરની તોડફોડ કરી કોંગ્રેસની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા તેમ જ જ્યાંથી હનુમાન ધ્વજને હટાવવામાં આવ્યો હતો ત્યાં ભગવો ઝંડા સાથે એક બૅનર પણ લગાવ્યું હતું. આ ઘટનાને લઈને કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને પણ નિવેદન આપ્યું હતું.