ED દિલ્હીમાં હેમંત સોરેનને શોધી રહી છે, સીએમનો અંગત ડ્રાઈવર ઈડીની નજર હેઠળ

ઝારખંડ: ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મની લોન્ડરિંગ કેસમાં 29 જાન્યુઆરીના રોજ સવારે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનના દિલ્હી નિવાસસ્થાને પહોંચી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હેમંત સોરેન છેલ્લા બે દિવસથી દિલ્હીમાં છે. હેમંત સોરેન શનિવારે રાત્રે ઝારખંડથી દિલ્હી આવ્યા હતા. હેમંત સોરેનનું દિલ્હીના શાંતિ નિકેતન વિસ્તારમાં એક ખાનગી રહેઠાણ હોવનું પણ જાણવા મળ્યું હતું.
અગાઉ 20 જાન્યુઆરીએ કેન્દ્રીય એજન્સી EDએ મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય પ્રધાન હેમંત સોરેનનું તેમના નિવાસસ્થાને નિવેદન નોંધ્યું હતું. ત્યરબાદ નવેસરથી સમન્સ જારી કરવામાં આવ્યા હતા કારણ કે તે દિવસે પૂછપરછ થઈ શકી નહોતી. ઈડીએ જણાવ્યું હતું કે આ તપાસ ઝારખંડમાં માફિયાઓ દ્વારા જમીનની માલિકીમાં ગેરકાયદેસર ફેરફાર કરવાના મોટા રેકેટ સાથે સંબંધિત છે. અગાઉ EDએ જમીન સોદા કૌભાંડમાં હેમંત સોરેનની પૂછપરછ માટે 29 થી 31 જાન્યુઆરી વચ્ચે સમય માંગ્યો હતો.
EDએ 22 જાન્યુઆરીએ સમન્સ મોકલીને સીએમ હેમંત સોરેનને 25 જાન્યુઆરી 2024 સુધીમાં એજન્સીને 27 થી 31 જાન્યુઆરી વચ્ચે પૂછપરછ માટે સમય અને સ્થળ નક્કી કરવા જણાવ્યું હતું. પરંતુ બેમંત સોરેને કોઈ જવાબ ના આપ્યો અને સીએમ સોરેન રવિવારે દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. હવે સોમવારે EDની ટીમ તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી છે. પરંતુ હેમંત સોરેન ન મળતા EDની ટીમ તેમના ડ્રાઈવર રવિન્દ્ર સાથે શાંતિ નિકેતન સ્થિત તેમના ખાનગી નિવાસસ્થાને પહોંચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ હેમંત સોરેન દિલ્હીમાં છે, તેથી તેને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ ડ્રાઈવર પર નજર રાખવામાં આવી રહી છે. જો કે ઈડીએ સીએમના અંગત ડ્રાઈવર રવિન્દ્રની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે ગઈકાલે અને તેના આગલા દિવસે બે દિવસની રજા પર હતો. સીએમ હેમંત સોરેન તેમના શાંતિ નિકેતન ખાતેના નિવાસસ્થાન, મોતીલાલ નેહરુના શિબુ સોરેનના નિવાસસ્થાન અને ઝારખંડ ભવનમાં ક્યાંય મળ્યા નહોતા. દિલ્હીમાં ED ટીમની આ કાર્યવાહીથી ઝારખંડમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
EDએ આ કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરી છે, જેમાં 2011 બેચના ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઓફિસર છવી રંજનનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે હવે હેમંત સોરેન આ મામલામાં ધરપકડ થવાની શક્યતાઓ વધી ગઈ છે.