ઇન્ડિયન આર્મીએ બદલ્યા ફિટનેસના નિયમો, જો કોઈ સૈનિક ફિટ નહી હોય તો…..
નવી દિલ્હી: પોલીસ કે ભારતીય સેનામાં જોડાવું હોય ત્યાં સુધી યુવાનો પોતાની ફિટનેસ પ્રત્યે ખૂબજ સભાન હોય છે પરંતુ જેવી જોબ મળી જાય છે કે તરત જ તેમની લાઇફ સ્ટાઈલ બદલાઈ જાય છે અને તેના કારણે તેમના શરીરમાં ઘણી સ્થૂળતા આવી જાય છે અને નવા રોગો ઘર કરી જાય છે. ત્યારે હવે ઇન્ડિયન આર્મી આવા સ્થૂળ અને ખરાબ લાઈફ સ્ટાઈલથી રહેતા સૈનિકો સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. આ માટે સેના એક નવી ફિટનેસ પોલિસી જાહેર કરી છે. જે અંતર્ગત સૈનિકોના હાલના ટેસ્ટ સિવાય કેટલાક વધુ ફિટનેસ ટેસ્ટ પણ કરાવવામાં આવશે. જો કોઈ સૈનિક નવા નિયમો પ્રમાણે ફીટ નહિ હોય તો તેને સુધારવા માટે થોડો સમય આપવામાં આવશે. જો તેમનામાં કોઈ સુધારો નહી જણાય તે તેમની રજાઓમાં કાપ મૂકીને તેમની લાઈફ સ્ટાઈલને સુધારવા માટે કાર્યવાહી કરવામાં આવશે.
નવી ફિટનેસ પોલિસી પ્રમાણે દરેક સૈનિકે પોતાનું આર્મી ફિઝિકલ ફિટનેસ એસેસમેન્ટ કાર્ડ (એપીએસી) જાળવી રાખવું પડશે. આ અંગે તમામ રાજ્યોમાં કે જ્યાં ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ ચાલે છે અને જ્યાં આર્મીના કેમ્પ છે તે દરેક જગ્યાએ નવી પોલિસી અંગેનો પત્ર મોકલી દેવામાં આવ્યો છે.
હાલમાં બેટલ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (BPET) અને સૈનિકોની ફિઝિકલ પ્રોફિશિયન્સી ટેસ્ટ (PPT) દર ત્રણ મહિને લેવામાં આવે છે. જેમાં BPETમાં 5 કિમીની દોડ, 60 મીટરની દોડ, દોરડા ઉપર ચડવું અને આપેલ સમયમાં 9 મીટરનો ખાડો પાર કરવાનો સમાવેશ થાય છે. જ્યારે PPTમાં 2.4 કિમી સ્પ્રિન્ટ, 5 મીટર શટલ, પુશ-અપ્સ, ચિન-અપ્સ, સિટ-અપ્સ અને 100 મીટર સ્પ્રિન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ હોય ત્યાં સ્વિમિંગ ટેસ્ટ પણ લેવામાં આવે છે.
જ્યારે હવે નવી પોલિસી પ્રમાણે BPET અને PPT સિવાય સૈનિકો માટે અન્ય કેટલાક પરીક્ષણો પણ લેવામાં આવશે. પરીક્ષણના પરિણામોના આધારે આર્મી ફિઝિકલ એસેસમેન્ટ કાર્ડ તૈયાર કરવાનું રહેશે અને 24 કલાકની અંદર પરીક્ષણ પરિણામો અપડેટ કરવા જરૂરી છે. નવી સૂચનાઓમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ, બે કર્નલ અને એક મેડિકલ ઓફિસરની એક ટીમ હશે, જે દર ત્રણ મહિને ટેસ્ટ રિપોર્ટનું મૂલ્યાંકન કરશે. સૈનિકોએ કેટલાક વધુ ફિટનેસ ટેસ્ટ પણ કરાવવા પડશે. જેમાં 10 કિમી સ્પીડ માર્ચ, દર 6 મહિને 32 કિમી રૂટ માર્ચ અને 50 મીટર સ્વિમિંગ પ્રોફિશિયન્સી ટેસ્ટનો સમાવેશ થાય છે.
જો કોઈ સૈનિક વધારે વજન વાળો હોય અને નવી પોલિસી પ્રમાણે યોગ્ય નથી તો તેને સુધારવાની તક આપવામાં આવશે. જેમાં તેને 30 દિવસનો સમય મળશે. તેમ છતાં જો કોઈ સુધારો જોવા નહી મળે તો તેમની રજાઓમાં કાપ મૂકીને તેમને યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવસે અને તેમ છતાં જો કોઈ સુધારો નહિ જોવા મળે તો ઇન્ડિયન આર્મી તેમના નિયમો પ્રમાણે તેની સામે કાર્યવાહી કરશે.