મહિલાને ફસાવવા બદલ બે પોલીસ સહિત ચાર વિરુદ્ધ ગુનો
મુંબઈ: અંધેરીમાં એક પરિવારે લિલામીમાં લીધેલો ફ્લેટ પચાવી પાડવા અને પરિવારને લૂંટના કેસમાં ફસાવવાના આરોપસર બે પોલીસ અધિકારી સહિત ચાર જણ સામે એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશને પગલે ચારેય જણ સામે ગુનો દાખલ કરાયો હતો.
અંધેરી પૂર્વમાં કદમવાડી ખાતે આવેલા એપાર્ટમેન્ટમાંનો ફ્લેટ આરોપીઓએ પચાવી પાડ્યો હતો. વાસ્તવમાં ૨૦૧૮માં સારફેસી ધારાની કાર્યવાહી હેઠળ રાષ્ટ્રીયકૃત બેન્ક દ્વારા આ ફ્લેટ લિલામમાં વેચાણમાં કાઢવામાં આવ્યો હતો. મોહિની અરૂણ સાવંત અને તેની પુત્રી સાયલીએ ઉપરોક્ત ફ્લેટ લિલામીમાં વેચાતો લીધો હતો.
બાદમાં ડેવલપર માટે કામ કરતા ફારુકી ઇજાઝ ઉલ-હકે ફ્લેટના કથિત બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને ફ્લેટ અસલી માલિક પાસેથી પોતે ખરીદ્યો છે એવું દર્શાવીને ફરિયાદી અને તેની પુત્રીને ફ્લેટમાંથી હાંકી કાઢ્યા હતા. આથી સાવંત પરિવારને પોતાનો ફ્લેટ હોવા છતાં મોટી રકમ ચૂકવીને ભાડા પર રહેવું પડ્યું હતું.
હકના પુત્ર રેહાને પણ પિતાને મદદ કરી હતી અને બંનેએ ફ્લેટ પચાવી પાડવા માટે પીએસઆઇ ઘાડગે અને પીઆઇ સંતોષ જાધવની મદદ લીધી હતી. આ બંને પોલીસ અધિકારી એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતા.
૮ જાન્યુઆરીએ કોર્ટે એમઆઇડીસી પોલીસને ગુનો દાખલ કરીને તપાસ કરવાન આદેશ આપ્યો હતો. આખરે શનિવારે રેહાન, તેના પિતા હક, ઘાડગે અને જાધવ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એ સિવાય બે પોલીસ અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.