વેસ્ટ ઈન્ડિઝ માટે નવો ઈતિહાસ સર્જનાર નવોદિત બોલર શમર જોસેફનો સંઘર્ષ ખબર છે?
બ્રિસ્બેન: ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ક્રિકેટર યશસ્વી જયસ્વાલના સંઘર્ષની સ્ટોરી સૌકોઈ જાણતા હશે કે કઇ રીતે પોતાના પરિવારને મદદરૂપ થવા માટે એક સમયે પાણીપુરી વેચતો હતો. આવી અનેક સંઘર્ષોની ગાથા ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા જ નહીં, પણ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓની પણ છે. તાજેતરમાં ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ કે 2023ના વન-ડે વર્લ્ડ કપમાં ક્વોલિફાઈ પણ નહીં થનારી કેરેબિયન ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે. આ ટેસ્ટ મેચમાં રાતોરાત સફળતા અપાવવામાં સ્ટાર બોલર શમર જોસેફનું યોગદાન મોટું છે, પરંતુ ગરીબ જોસેફનો સંઘર્ષનો કાળ બહુ મોટો છે.
આજે વેસ્ટ ઇન્ડિઝે ઑસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ મેચમાં આઠ રનથી હરાવીને ઇતિહાસ સર્જ્યો હતો અને આ ઇતિહાસ રચવામાં મુખ્ય ભૂમિકા નવોદિત બોલર શમર જોસેફે ભજવી હતી. લગભગ 21 વર્ષ બાદ વેસ્ટ ઇન્ડિઝે ઑસ્ટ્રેલિયાને ટેસ્ટ મેચમાં હરાવી હતી, જેમાં સાત વિકેટ ઝડપી (બીજી ઈનિંગમાં)ને જોસેફે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
જોકે, ઑસ્ટ્રેલિયામાં પોતાની તોફાની બૉલિંગથી તરખાટ મચાવનારો જોસેફ કાંઇ આસાનીથી આ મુકામે નથી પહોંચ્યો. તેની પાછળ તેની વર્ષોનો સંઘર્ષ અને અથાગ મહેનત છે. માત્ર 24 વર્ષનો આ યુવા બૉલર જોસેફ જે પોતાની ડેબ્યૂ સિરીઝ રમી રહ્યો છે તે અત્યંત ગુયાનાના નાનકડા ગામ બારાકારાના ગરીબ કુટુંબમાં જન્મ્યો હતો.
તેનો પરિવાર એટલો ગરીબ હતો કે રમવા માટે બૉલ ખરીદવા માટે પણ પૈસા નહોતા. જેથી જોસેફ કેળા, જમરૂખ જેવા ફળો અને પ્લાસ્ટિકને પીગાળી તેનો બોલ બનાવીને રમતો તેમ જ પ્રેક્ટિસ કરતો. અત્યંત ધાર્મિક ખ્રિસ્તી કુટુંબનો હોવાથી તેને રવિવારે અને શનિવારે ક્રિકેટ રમવાની પરવાનગી પણ નહોતી મળતી.
કુટુંબ ફર્નિચર બનાવી પોતાનું ગુજરાન ચલાવતો હોઇ શમરે લાકડાં કાપવાનું કામ પણ કર્યું અને પછી તે સિક્યોરિટી ગાર્ડની નોકરી પણ કરતો. જોકે પછીથી ક્રિકેટ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવા તેણે આ નોકરી છોડી હતી, જેમાં તેને પોતાની મંગેતર ટ્રીશનો પુરો સહકાર મળ્યો.
મહેનત અને સારા દેખાવના આધારે તેને ગયા વર્ષે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને કેરેબિયિન પ્રિમિયર લીગ(સીપીએલ) રમવાની તક મળી હતી, જેમાં તેણે શાનદાર દેખાવ કર્યો. ત્યાર બાદ તેને હાલમાં ઑસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો. જોરદાર દેખાવના આધારે તેણે આ મેચની બીજી ઇનિંગમાં સાત વિકેટ લઇને તરખાટ મચાવ્યો અને વર્લ્ડ ક્રિકેટમાંથી હાલ સાવ ફેંકાઇ ગયેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમને વિજય અપાવ્યો હતો.