ધર્મતેજ

દંભ મારો પરમ ભક્ત છે અને પુત્રની કામનાથી તપ કરી રહ્યો છે, હું એને વરદાન આપીને શાંત કરી દઇશ

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
ભગવાન શિવે માતા પાર્વતીને શ્રીરામનું જીવનવૃત્તાંત સંભળાવ્યું અને કહ્યું કે કળિયુગમાં શ્રદ્ધા સાથે કરેલા રામનામના જાપથી જ લોકોને જન્મ-મરણના ફેરાથી મુક્તિ મળશે.

સમસ્ત દેવગણ પોતપોતાના લોકમાં તેમના ગણો સાથે વિરાજમાન હોય છે. ઘણો સમય વીતી જઈ રહ્યો હતો, પણ સામે પૃથ્વીલોકના પુષ્કર ખાતે એક અસુર ઘણાં વર્ષોથી તપમાં લીન હતો. તેના ‘ૐ વિષ્ણવે નમ:’ના જાપ દરેક લોકમાં સંભળાવા લાગ્યા. એના મસ્તકમાંથી એક જાજ્વલ્યમાન તેજ નીકળીને સર્વત્ર વ્યાપ્ત થઈ ગયું. એ તેજ એટલું બધું દુસ્સહ હતું કે એનાથી સંપૂર્ણ દેવતા, મુનિ તથા મનુ સંતપ્ત થઈ ગયા. દેવરાજ ઈન્દ્રને આ જાપ સ્વર્ગલોકમાં સંભળાતા તેઓ ચિંતાતુર થઈ જાય છે.

દેવરાજ ઈન્દ્ર: ‘દેવગણો આ કોણ છે જેનો સ્વર અહીં સ્વર્ગલોક સુધી સંભળાઈ રહ્યો છે, તુરંત મૃત્યુલોક જઈ તેની આરાધના ભંગ કરો.’
તેમની આજ્ઞાથી પવનદેવ અને અગ્નિદેવ પૃથ્વીલોક પહોંચે છે પણ એ આરાધકના મસ્તકનું તેજ એટલું પ્રભાવશાળી હોય છે કે કોઈપણ દેવતા તેની નજદીક થઈ શકતું નથી. થાકીહારી પવનદેવ અને અગ્નિદેવ પરત ફરે છે.

અગ્નિદેવ: ‘દેવરાજ ઇન્દ્ર આ તપસ્વી કોઈ મોટો માયાવી લાગે છે. તેના મસ્તકમાંથી નીક્ળેલું તેજ એટલું તેજોમય છે કે તેની નજદીક કોઈ જઈ શકતું નથી. આપણે બ્રહ્મદેવ સાથે ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે જવું જોઈએ.

અગ્નિદેવની વાત યોગ્ય લાગતાં દેવરાજ ઇન્દ્ર સમસ્ત દેવગણો સાથે બ્રહ્મલોક પહોંચે છે.

દેવરાજ ઇન્દ્ર: ‘પિતામહ તમે જોઈ રહ્યા હશો કે પૃથ્વીલોક પર એક અસુર તપસ્યા કરી રહ્યો છે અને એનો સ્વર અહીં પણ આવી રહ્યો છે, આ માયાવી વરદાન મેળવ્યા બાદ શું કરશે તેની ખબર નથી. આપણે તેને અટકાવવા ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે જવું પડશે.’
બ્રહ્મદેવ: ‘ચાલો…’
બ્રહ્માજી દેવરાજ ઈન્દ્ર સહિત તમામ દેવગણો સાથે વિષ્ણુલોક પહોંચે છે.

વિષ્ણુલોક ખાતે ભગવાન શ્રીહરિ વિષ્ણુ નિદ્રાધીન હોય છે અને માતા લક્ષ્મી તેમની સમક્ષ બેઠા હોય છે. સમસ્ત દેવગણ ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીનો જયજયકાર કરે છે.
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘બોલો બ્રહ્મદેવ, આ દેવગણો સાથે અહીં કેમ પધાર્યા?’

બ્રહ્માજી: ‘હે દેવ! પૃથ્વીલોકના એક તપસ્વીના મસ્તકમાંથી નીકળી રહેલા તેજથી અમે સમસ્ત દેવગણ સંતપ્ત છીએ. આ તપસ્વી શું કરવા જઈ રહ્યા છે તે સમજ પડતી નથી, અમને ખબર નથી કે અહીં કયું કારણ ઉત્પન્ન થયું છે. હે દીનબંધો! આ સમસ્ત દેવગણના રક્ષક આપ જ છો, માટે હે શરણદાતા! હે રમાનાથ! અમ શરણાગતોની રક્ષા કરો, રક્ષા કરો.

બ્રહ્માજીના આ વચન સાંભળી શરણાગતવત્સલ ભગવાન વિષ્ણુ હસવા લાગ્યા અને પ્રેમપૂર્વક બોલ્યા: ‘હે દેવો શાંત રહો ગભરાઈ જશો નહીં, ભયભીત ન થશો, તમે અમર છો! કશું આડું-અવળું થવાનું નથી, કેમ કે હજુ સુધી પ્રલયનો સમય આવ્યો નથી. જેના મસ્તકમાંથી આ તેજ પ્રગટ થઈ રહ્યો છે બ્રહ્માજી આપના પુત્ર મહર્ષિ મરિચીના પુત્ર કશ્યપ અને દક્ષ પુત્રી દનુના પુત્ર વિપ્રચિત્તિના પુત્ર દંભ છે. જે મારો પરમ ભક્ત છે અને પુત્રની કામનાથી તપ કરી રહ્યો છે. હું એને વરદાન આપીને શાંત કરી દઇશ.

આટલું સાંભળતાં જ બ્રહ્માજી સહિત દેવગણની વ્યગ્રતા જતી રહી, એ બધા ધૈર્ય ધારણ કરીને પોતપોતાના ધામ તરફ પ્રયાણ કરવા લાગ્યા તો સામે પક્ષે દંભને વરદાન આપવા ભગવાન શ્રીહરિ વિષ્ણુ પણ પુષ્કર તરફ પ્રયાણ કરવા લાગ્યા જ્યાં દંભ તપ કરી રહ્યો હતો. ત્યાં પહોંચીને શ્રીહરિ વિષ્ણુએ દંભને મધુર વાણીમાં કહ્યું: ‘વરદાન માગો દંભ.’ પોતાના આરાધ્યને પોતાના સમક્ષ ઉપસ્થિત જોઈ દંભ ભક્તિભાવ સાથે ભગવાનના ચરણમાં આળોટી સ્તુતિ કરવા લાગ્યો.

દંભ: ‘હે દેવાધિદેવ! હે કમલનયન આપને શત્ શત્ નમન. જો મારા પર કૃપા હોય તો મને એક મહાબલશાલી, મહાપરાક્રમી પુત્ર આપો જે ત્રિલોકને જીતી લે પણ દેવતા એને પરાજીત ન કરી શકે.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘તથાસ્તુ.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ વરદાન આપી અંતર્ધ્યાન થઈ ગયા. દંભની તપસ્યા સિદ્ધ થઈ એના મનોરથ પૂર્ણ થતાં જ તે પોતાને ઘેર પાછો જતો રહ્યો. થોડા જ સમયમાં તેની પત્ની ગર્ભવતી થઈ અને એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. દંભના રાજ્યમાં ઉત્સવ મનાવવામાં આવ્યો. દંભ દ્વારા રાજ્યના મુનિશ્ર્વરોને બોલાવી વિધિપૂર્વક જાતકર્મ આદિ સંસ્કાર સંપન્ન કર્યા અને તે બાળકનું શંખચૂડ એવું નામકરણ કર્યું. શંખચૂડ ખૂબ પરાક્રમી હતો અને નિત્ય બાલક્રીડા કરી કુટુંબીઓ અને નગરજનોનો લાડકો બની રહ્યો હતો.

શંખચૂડ મોટો થતાં જ તેમના ગુરુ જૈગીષવ્ય મુનિના ઉપદેશથી પિતાની જેમ પુષ્કર જઈ બ્રહ્માજીને પ્રસન્ન કરવા તપસ્યા કરવા લાગ્યો. પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને ગુરુપદિષ્ટ બ્રહ્મવિદ્યાનો જપ કરતો હતો. સમય આવતાં શંખચૂડને વરદાન આપવા બ્રહ્માજી ત્યાં પધાર્યા.

બ્રહ્માજી: ‘જાગો શંખચૂડ, હું પ્રસન્ન છું તમે મનવાંછિત વરદાન માગો.’
બ્રહ્માજીને જોઈ પ્રસન્ન થયેલો શંખચૂડ બ્રહ્માજીની સ્તુતિ કરવી લાગ્યો તત્પશ્ર્ચાત એણે બ્રહ્માજી પાસે વરદાન માગતા કહ્યું, ‘હે ભગવન! હું દેવતાઓને માટે અજેય થઈ જાઉં.’
બ્રહ્માજી: ‘તથાસ્તુ – એવું જ થશે.’
એટલું કહી બ્રહ્માજીએ શંખચૂડને કૃષ્ણકવચ આપી કહ્યું, ‘આ કવચ સંપૂર્ણ જગતનાં મંગલોનું મંગલ છે અને સર્વત્ર વિજય અપાવનારું છે.’

ત્યારબાદ બ્રહ્માજીએ શંખચૂડને આશા આપી કે, ‘તમે બદરીવન જાઓ ત્યાં ધર્મધ્વજની ક્ધયા તુલસી સકામભાવથી તપસ્યા કરી રહી છે, તમે એની સાથે લગ્ન કરી લો.’ આટલું કહી બ્રહ્માજી અંતર્ધ્યાન થઈ ગયા.

વરદાન મેળવી શંખચૂડના મુખ પર પ્રસન્નતા રમી રહી હતી. મળેલા કૃષ્ણકવચને ધારણ કરી બ્રહ્માજીની આજ્ઞા મુજબ બદરીવન તરફ ચાલી નીકળ્યો. શંખચૂડ થોડા જ સમયમાં ધર્મધ્વજની પુત્રી તુલસી જ્યાં તપ કરી રહી હતી ત્યાં પહોંચે છે. ક્ધયા તુલસીનું રૂપ અત્યંત કમનીય અને મનોહર હતું. એ ક્ધયાને જોઈ શંખચૂડ એની પાસે જ ઊભો રહી જાય છે અને મધુર વાણીમાં એને કહે છે:
શંખચૂડ: ‘હે સુંદરી! તમે કોણ છો? કોના પુત્રી છો? તમે અહીં શું કરી રહ્યા છો?’

તુલસી: ‘હું ધર્મધ્વજની ક્ધયા તુલસી છું અહીં બદરીવનમાં તપસ્યા કરી રહી છું, તમે કોણ છો? તમે અહીંથી તમારા મનોવાંછિત સ્થાન પર ચાલ્યા જાઓ, કેમ કે નારિજાતી બ્રહ્મા વિગેરેને પણ મોહમાં નાખી દેનારી હોય છે.’

શંખચૂડ: હે દેવી! તમે જે વાત કહી તે બધી જ મિથ્યા હોઈ શકે એવી વાત નથી એમાં કશુંક સત્ય છે અને કશુંક અસત્ય પણ હોય શકે. હે દેવી! જગતમાં જેટલી પતિવ્રતા સ્ત્રીઓ છે એમાં તમે અગ્રણી છો. હે દેવી! તમે મને જાણતા નહીં હોવ એટલે કહેવા માગું છું કે હું બ્રહ્માજીના પુત્ર કશ્યપ અને દક્ષ પુત્રી દનુનો વંશજ શંખચૂડ છું. બ્રહ્માજીની આજ્ઞાથી ગંધર્વ વિવાહ
વિધિથી તમને ગ્રહણ કરવા તમને શોધતો અહીં આવ્યો છું. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો…