ધર્મતેજ

પરબપરંપરાનો મેરુસ્તંભ સંત દેવીદાસ

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

મહાપંથી સંતપરંપરામાં અન્ય પંથમાંથી ભળેલા પણ ઘણા છે. એમાં દેવીદાસ મને સવિશેષ્ાપણે વિશિષ્ટ જણાયા છે. દેવીદાસ મૂળભૂત રીતે શિષ્ય તો વૈષ્ણવી પરંપરાના લોહલંગરી જીવણદાસના. તેઓએ જયાં આશ્રમ સ્થાપ્યો એ પરબ વાવડી સ્થાનક મૂળ નાથપરંપરાનું. એની શિષ્યપરંપરામાં અમરબાઈ, શાદુળ તો ખરાં જ પણ જીવણ મોઢવાડિયાને કારણે મેરજ્ઞાતિનાં લીરીબાઈ પણ આ જ પરંપરાનાં બહુ મોટાં પ્રભાવી સ્ત્રીસાધુ છે. દેવીદાસનું જીવનવૃત્તાંત પણ પચરંગી ચૂંદડી જેવું છે.

ગીરકાંઠાના શોભા વડલા ગામમાં માલધારી જીવા રબારી રહેતા હતા. ગિરનારની તળેટીમાં બીલખાની નજીક રામનાથને નાકે જયરામગરજી નામના એક સંત રહેતા હતા. એમનો નજીકમાં ગધેસિંહની ગિરિમાળામાં વસતા ફકીર નૂરશાહ સાથે સત્સંગ વધ્યો. નૂરશાહની મદદથી યોગવિદ્યામાં જયરામગરજી આગળ વધ્યા. હિન્દુ-મુસ્લિમ સંતોની એકતા એટલી બધી વિકસી કે જયરામગરજી પછીથી જયરામશાહ તરીકે ઓળખાવા લાગ્યા. એમની આશિષ્ાથી જીવા રબારીને પુત્ર-જન્મ થયો. એમનું નામ દેવો રાખ્યું. દેવો મોટો થયો, એનાં લગ્ન થયાં, બે સંતાનો થયાં પછી ભૂખ્યા-દુખ્યાની ચાકરી કરવા દેવો રબારી ઘર ત્યજીને નીકળી પડેલો. ગિરનારની પરકમ્મા કરે, વૃક્ષ્ાારોપણ કરે, એની સાતમી પરકમ્મા પૂર્ણ કરી ત્યાં વૈષ્ણવી પરંપરાના લોહલંગરી નામના અત્યંત સુખ્યાત સાધુનો એમને ભેટો થયો. કપાળે પારો ઘસ્યો, તિલક ર્ક્યું અને આદેશ દીધો. દેવા-દેવોના દાસ, વાવડી ગામની હદમાં ગુરુ દત્તાત્રેયના ધૂણા પાસે સંત જસા-વોળદાનની સમાધિ છે, ત્યાં જઈને જગ્યા સ્થાપો. જગત જેને પાપિયા ગણીને ત્યજી દે છે એમને સાચવો અને ટુકડો ખવરાવો. ઊંચી ગુરુપરંપરા અને નાથસ્થાનક સાથે સંકળાયેલ દેવીદાસ દ્વારા પછીથી મહાપંથને અનુરૂપ અનુકૂળ વલણવ્યવહાર દ્વારા પ્રગટ થાય એનો વિશેષ્ા મહિમા છે.

ગુરુ આદેશ માથે ચડાવીને દેવામાંથી દેવીદાસ બનેલા સંત દેવીદાસે પરબ વાવડીની જગ્યા સ્થાપી. રક્તપિત્તના રોગીઓની શુશ્રૂષ્ાા શરૂ કરી, ગાયની અને પશુપંખીની પણ. ગુરુ દત્તની આ જગ્યામાં પ્રથમ શિષ્ય તરીકે આહીર સ્ત્રી અમરબાઈ અને પાછળથી કાઠી યુવાન શાદુળ ભગત તથા જીવણ મોઢવાડિયા નામના મેર પણ શિષ્ય તરીકે જોડાયેલા. દત્તાત્રેયનો ધૂણો વધુ ચેતનવંતો બન્યો.
મુસ્લિમ, હરિજન લોકો પાસેથી પણ ટુકડો રોટલો અમરબાઈ માગી આવતાં. રક્તપિત્તિયાની શુશ્રૂષ્ાા ચાલતી. શાદુળની ભક્તિ, અમરબાઈની સેવાની શિષ્ય – પરંપરામાં અમૂલાબાઈ, હીરબાઈ, સાંઈ સેલાની, શાદુળ શિષ્ય કરમણવીર અને દાનો બાવો પણ ભળ્યા. જીવણ મોઢવાડિયો પણ પ્રતાપી શિષ્ય ગણાય છે. દંતકથા એવી પ્રચલિત છે કે રોગીની શુશ્રૂષ્ાા કરતાં કરતાં નિજારી પંથના બીજના ઉત્સવો અને સવરા મંડપના ઉત્સવો પણ અહીં ભળ્યા. મૂળ જગ્યા નાથની, વૈષ્ણવી લોહલંગરીના શિષ્ય દેવીદાસ અને એની શિષ્યપરંપરામાં મહાપંથ પરત્વેનુંં વલણ વિશેષ્ા દૃષ્ટિગોચર થાય છે. દેવીદાસનું ભજન આત્મા ચડો પદ નિર્વાણ મહાપંથમાં ખૂબ જાણીતું છે.

સંત દેવીદાસે સંતસેવાપરંપરામાં રક્તપિત્તથી પીડાતા રોગિષ્ઠ માનવીઓની સેવાને સ્થાન આપ્યું અને એક પંગતે માત્ર અછૂત અને નીચલી જ્ઞાતિના જ નહીં મુસ્લિમને પણ સ્થાન આપ્યું. પોતાના સમાધિસ્થાને કબર, લીલી ધજા અને નામ પાછળ પીર સંબોધનને કારણે અહીં ઈસ્લામનું સંમિલન દૃષ્ટિગોચર થાય છે. દંતકથા એવી પ્રચલિત છે કે અમરબાઈ અને દેવીદાસ બંનેએ સાથે જ સમાધિ લીધેલી અને એમને સમાધિ અપાવવા માટે વડદાદા ગુરુ સમાન સંત જયરામશાહ અને નૂરશાહ પધારેલા. મૂળ નાથપરંપરાના જેસા અને વોળાદન કાઠી સંતો, એની લગોલગ રબારી સંત દેવીદાસ અને આહીર સંત અમરબાઈની કબર-સમાધિ છે. પગથિયે નીચે ભક્ત શિષ્ય શાદુળે સમાધિ લીધેલી. આ ચારેયના દર્શને જાય એ શાદુળ ઉપર પગ મૂકીને જાય. મહાપંથમાં, નાથ-ઈસ્માલનો સમન્વય દૃષ્ટિગોચર થાય છે એના પ્રમાણ રૂપ દેવીદાસનું ચરિત્ર છે, એના જીવનવિષ્ાયક આ બધી દંતકથા રૂપ ચારિત્રત્મક વિગતો આખરે તો મહાપંથની પ્રાચીનતાને અને એમાં ઉમેરાતાં રહેલાં અવનવાં વલણોનો પરિચય કરાવતી હોઈને સંત દેવીદાસ, અમરબાઈની સંતપરંપરામાં આ બધી હકીકતો એક મોટું પ્રકરણ છે. મહાપંથમાં ખૂબ જ પ્રચલિત દેવીદાસનું એક ભજન અત્રે પ્રસ્તુત છે :
આતમા ચડો પદ નિવારણ, બંદા ચડો પદ નિવારણ જી ….ટેક
શબદ પાળો, સાચ વોરો, જુગતીએ નર જાગ્ય;
વણજ સદ્ગુરુ સાથ કીજે, મુગતિયા ફળ માગ્ય… આતમા..૧
એક અંગે નવલ રંગે રાખ્ય હરિ સુ હેત;
અગમ ભોમિ ભગતિ ભાવે, ખેડ અનભે ખેત… આતમા..ર
નિગમ રૂપે વિરાટ નીરખો, સત્ય ધીરે આવ્ય;
કરો કરણી બાંધી ક્યારા, બીજ બીજક વાવ્ય…. આતમા..૩
સંતસેવા સીંચ પાણી, બીજક પ્રોઢું થાય;
જતન વાડો વ્રત છાંયા, કુડ ભંખો કાય… આતમા..૪
બીજક ભોમિ બાર આવ્યું, સંત કરશે સ્હાય;
દયા અંકુર પ્રેમ પાણી, મૂળ પિયાળે જાય… આતમા..પ
દયા પાને સરસ ચાલે સોળે અંગ;
વિસવાસી ઘેર વેલડી, નિત્ય નવલે રંગ઼.. આતમા..૬
વેલ્યમાં ફળફૂલ લાગ્યાં, વેડશે સચિયાર;
સંત સુગરા શબદ શોધે બૂડશે કડિયાર… આતમા..૭
કૂડ પડદા આઠ આડા, સંત છેદી જાય;
સતી સનમુખ એ જ શોભે, ભગન દરશન થાય… આતમા..૮
આડ ટાળો આપ ભાળો ચીનજો સોહમ્;
બ્રહ્મ પામો ભરમ વામો ફરી બેઠો ઠામ઼.. આતમા..૯
તેજના તે જ ભેળા, જાગિયા જુગ ચાર;
જયોત જાગી ભ્રાંત ભાગી, હૂવો જયજયકાર… આતમા..૧૦
નૂર વેળા ભગત ભેળા, જાગશે જુગ ચાર;
જુગતિયે નરનાર જાગ્યા, અમરપદ નિરધાર… આતમા..૧૧
ભગત છે ભગવંત રૂપે, મ જોવો કોઈ જાત્ય;
બીજમાં બીનો નથી, મેલો મનની ભ્રાંત્ય… આતમા..૧ર
એક અભિયાગતને અર્થે શૂરા અરપે શીશ;
વેલનો વિશ્ર્વાસ આવે, સીંધે વિસવા વીસ… આતમા..૧૩
નવમ રસ છે નવલ સંગે, પ્રેમ પૂરે પાય;
દીપો દેવીદાસ દાતા, સંત કરોને સહાય… આતમા..૧૪
અહીં દેવીદાસ સત્યને વહોરવાનું-ખરીદવાનું કહે છે, પણ આ સત્યરૂપી મૂડી ગુરુને સાથે રાખીને મુક્તિના ફળરૂપે માંગવાનું સૂચવાયું છે. હરિ સાથે હેત-સ્નેહ રાખવાનું તથા પછી ખેતીના રૂપકથી ભક્તિની ખેડ કરવાનું પણ સૂચવાયું છે. દેવીદાસને પ્રબોધવો હતો એની આસપાસનો કૃષ્ાિપ્રધાન વ્યવસાયી વર્ગ એટલે અહીં ક્યારા, વાવણી, નીંદામણ અને પછી પ્રાપ્ત ફળની વાત કહી છે. કૃષ્ાિ-પરંપરાની પ્રયોજેલી પરિભાષ્ાા આમ અર્થપૂર્ણ છે. પણ પછી છઠ્ઠી કડીથી સંતસમાગમનો મહિમા ગાઈને કૂડ-કપટીવૃત્તિવાળાની જે અવસ્થિતિ થવાની છે એની વાત કહીને કૂડ-કપટીવાળાથી અંતર રાખવાનું સૂચવે છે. મૂળ મહિમા સત્સંગનો છે અને સંગતનો બહુ મોટો પ્રભાવ છે એટલે દુરિતનો સંગ ન કરવાનું ભારપૂર્વક સૂચવાયું છે.

પછી નવમી કડીથી યોગમાર્ગનું આલેખન છે બ્રહ્મને પામવા માટે સ્થિર થઈને બેસવાથી તેજનો અનુભવ થશે અને એ કારણે ભ્રમણામાંથી-ભ્રાંતિમાંથી મુક્તિ મળશે. આવા સમયે ભક્તોની સંગત થશે અને અમરપદની પ્રાપ્તિ થશે. ભક્તમાં અને ભગવંતમાં કોઈ ભદ નથી એમ દેવીદાસ કહે છે. અતિથિ દેવો ભવની વાત પણ અહીં ભારે બળકટરૂપે કહેવાઈ છે.

દેવીદાસે અહીં ભજનના માધ્યમથી સામાન્ય માનવીને જ્ઞાનીની કક્ષ્ાાએ બેસાડીને પછી એના વ્યવહારમાં તો ભારે સરળ જ રાખ્યા છે. સ્વનો જ નહીં પણ સર્વનો – સમગ્ર સમાજનો મોક્ષ્ા ઝંખતા સંતોએ વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા સત્સંગી-સજજન સદ્ગૃહસ્થોથી સભર સમાજનું નિર્માણ ર્ક્યું. ગુજરાતના સામાજિક, સાંસ્કૃતિક ઈતિહાસનું આ કારણે સંત એક મહત્ત્વનું પ્રકરણ બને છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…