વચગાળાના અંદાજપત્રની તૈયારી પૂરજોશમાં, જોકે રાહતો મળવાની આશા ધૂંધળી
મુંબઈ: સરકાર વચગાળાના અંદાજપત્રની તૈયારી પૂરજોશમાં કરી રહી છે, જોકે તેમાં મધ્યમ વર્ગ કે નોકરિયાત વર્ગને રાહતો મળવાની આશા ધૂંધળી હોવાનું સાધનો જણાવે છે. આનું પહેલું કારણ સાધનો અનુસાર અંદાજપત્ર વચગાળાનું હોવાનું છે, બીજું કારણ ચૂંટણીની આચારસંહિતા છે અને ત્રીજું કારણ સરકાર આચારસંહિતા હોવા છતાં માત્ર ચૂંટણીમાં લાભા અપાવી શકે એવી ધોષણા કરવા જ પ્રેરાશે એવું મનાય છે.
પહેલી ફેબુ્રઆરી નજીક આવી રહી છે, ત્યારે નાણાં મંત્રાલય આગામી નાણાં વર્ષ માટેના બજેટને અંતિમ ઓપ આપી રહ્યું છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને તેમની ટીમ બજેટ દસ્તાવેજોન અંતિમ સ્પર્શ આપી રહ્યા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. વડા પ્રધાનની કચેરી (પીએમઓ) તથા નાણાં મંત્રાલયના અધિકારીઓની ટીમ વચ્ચે સતત સલાહમસલત સાથે બજેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ સાથે શરૂ થયેલી સ્કીમ્સ અથવા યોજનાઓ પર પૂરતું ધ્યાન અપાઈ રહ્યું છે.
મોરારજી દેસાઈ બાદ હાલના નાણાં પ્રધાન નિર્મલા સીતારામન બીજા એવા નાણાં પ્રધાન છે જે સતત છઠ્ઠી વખત બજેટ પ્રસ્તુત કરશે. નાણાં વર્ષ ૨૦૨૪-૨૫નું સંપૂર્ણ બજેટ લોકસભાની ચૂંટણી બાદ રચાનારી નવી સરકાર દ્વારા રજુ કરાશે. ૧લી ફેબુ્રઆરીનું બજેટ વચગાળાનું હશે. વચગાળાના બજેટમાં વર્તમાન સરકાર મોટી નીતિવિષયક જાહેરાતો કરતી નથી હોતી જેને કારણે નવી સરકાર પર નાણાંકીય બોજ આવી જાય. ચૂંટણી પંચની આચારસંહિતા પ્રમાણે, વર્તમાન સરકાર એવી કોઈ લોકપ્રિય સ્કીમ જાહેર કરી ન શકે જેનાથી મતદારો પ્રભાવિત થઈ જાય, એમ પણ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. દરેક સરકારમાં નાણા મંત્રાલય સૌથી મહત્ત્વનું મંત્રાલય માનવામાં આવે છે. જેથી અનુભવી નેતાને જ આ જવાબદારી સોંપવામાં આવે છે. પીએમ મોદીની પ્રથમ વખતની સરકાર સમયે આ જવાબદારી અરુણ જેટલીને સોંપવામાં આવી હતી. પરતું તેમના મૃત્યુ બાદ આ જગ્યા ખાલી પડતા મોદી સરકારે વર્ષ ૨૦૧૯ માં નિર્મલા સીતારમણ પર વિશ્વાસ દર્શાવ્યો.
નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલા પણ ઘણા અનોખા રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે. એવામાં વર્ષ ૨૦૧૯માં તેઓ ભારતના ઈતિહાસના પ્રથમ મહિલા નાણામંત્રી બન્યા હતા. તેમણે ૨૦૧૯માં જ પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું અને પ્રથમ બજેટ સાથે કેટલાક નવા રેકોર્ડ પણ બન્યા હતા. ૧૯૭૦માં ઈન્દિરા ગાંધીએ બજેટ રજૂ કર્યું હતું. ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું કે કોઈ મહિલાએ બજેટ રજૂ કર્યું હોય. ૧૯૭૦માં ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને નાણા મંત્રાલયની જવાબદારી પણ સંભાળતા હતા. તેમણે નાણામંત્રી તરીકે સંપૂર્ણ નાણા મંત્રાલય સંભાળ્યું ન હતું. તે મુજબ નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરનાર બીજા મહિલા બન્યા છે. સીતારામનેે ૨૦૧૯ માં નાણામંત્રી તરીકે જયારે પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે બ્રીફકેસની દાયકાઓ જૂની પ્રથાનો અંત લાવ્યા હતા. નિર્મલા સીતારમણ ખાતાવહીના રૂપમાં બજેટ લાવ્યા. ત્યારથી, બજેટ ફક્ત લાલ કપડાની ખાતાવહીમાં આવે છે, જેના પર રાષ્ટ્રીય પ્રતીક રહે છે.
નિર્મલા સીતારામને મોદી સરકારના તમામ બજેટ રજૂ કરી રહી છે. ૨૦૧૯ પછી, તેમણે ૨૦૨૦, ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩ માં બજેટ રજૂ કર્યું છે. હવે આ વર્ષે તે પોતાનું છઠ્ઠું બજેટ રજૂ કરશે. આ ચૂંટણી વર્ષ હોવાથી, આ વર્ષનું બજેટ વચગાળાનું બજેટ હશે. આ રીતે નિર્મલા સીતારમણ પ્રથમ વખત વચગાળાનું બજેટ રજૂ કરશે. આ સાથે ઈતિહાસ રચાશે કે પહેલીવાર કોઈ મહિલા વચગાળાનું બજેટ રજૂ કરશે.
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં કુલ ૩૮ નાણામંત્રી રહ્યા છે. આઝાદી પછી ઈતિહાસમાં ઘણા ઓછા એવા નાણામંત્રી છે જેમને પાંચ-પાંચ બજેટ રજૂ કરવાની તક મળી હોય. આ યાદીએ નિર્મલા સીતારમણની નામ સામેલ છે. આ ઉપરાંત મનમોહન સિંહ, અરુણ જેટલી, પી ચિદમ્બરમ અને યશવંત સિંહા એકમાત્ર એવા નાણામંત્રી છે જેમણે પાંચ વખત બજેટ રજૂ કર્યું છે. તેમજ છ બજેટ રજૂ કરનાર મંત્રીમાં મોરારજી દેસાઈનું નામ મોખરે હતું. મોરારજી દેસાઈએ પાંચ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ વર્ષે બજેટ રજૂ કરતાની સાથે જ નિર્મલા સીતારમણ મોરારજી દેસાઈની બરાબરી પર આવી જશે. નિર્મલા સીતારમણના નામે બજેટ સંબંધિત કેટલાક રેકોર્ડ પણ નોંધાયેલા છે. ભારતના ઈતિહાસમાં વર્ષ ૨૦૨૦ માં સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ તેમના નામે છે. તે વર્ષે નિર્મલા સીતારમણે ૨ કલાક ૪૨ મિનિટનું બજેટ ભાષણ આપ્યું હતું. આ રીતે તેણે પોતાનો એક વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ૨૦૧૯માં તેમણે ૨ કલાક ૭ મિનિટનું રેકોર્ડ બજેટ ભાષણ આપ્યું હતું.