
પટણાઃ લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે મોરચો માંડનાર કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી મહા ગઠબંધન (I.N.D.I.A.) બનાવવામાં આવ્યા પછી સૌથી પહેલા ફટકો કોંગ્રેસને મળ્યો છે, જેમાં મમતા બેનરજીએ અલગ ચૂંટણી લડવાની જાહેરાત પછી આજે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ સફળ રહ્યું છે. મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા પછી ફરી મુખ્ય પ્રધાન (સીએમ) તરીકે શપથ લીધા છે, પરંતુ આ વખતે ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સાથે ગઠબંધન કર્યું છે પણ આ ગઠબંધન કેટલું ટકશે એના માટે લોકો વિવિધ અટકળ કરી રહ્યા છે.
નીતિશ કુમારે નવમી વખત CM તરીકે શપથ લીધા હતા, જે પહેલા તેમણે રવિવારે સવારે જ રાજીનામું આપી દીધું હતું. શપથગ્રહણ સમારોહ દરમિયાન રાજભવનમાં જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે. હવે તેઓ ફરી એકવાર NDA સાથે બિહારમાં સત્તા પર છે. નીતિશ કુમારના શપથ ગ્રહણ સમારોહમાં જેપી નડ્ડા પણ રાજભવન ખાતે હજાર રહ્યા હતા. ચિરાગ પાસવાન પણ તેમની સાથે છે. આ પહેલા જ અન્ય ધારાસભ્યોના પણ રાજભવન પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી.
આ સાથે સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને બીજેપી નેતા વિજય સિન્હાએ પણ મંત્રી પદના શપથ લીધા. નીતીશની નવી સરકારમાં આ બંને નેતાઓને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.
આ સાથે જ ભાજપના ત્રણ નેતા, જેડીયુના ત્રણ નેતાઓ અને એક HAM અને એક અપક્ષ નેતાનો સમાવેશ થાય છે. સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા છે. જ્યારે ડો.પ્રેમ કુમાર ભાજપ, વિજય કુમાર ચૌધરી જેડીયુ, બિજેન્દ્ર પ્રસાદ યાદવ જેડીયુ, શ્રવણ કુમાર જેડીયુ, સંતોષ કુમાર સુમન હમ, સુમિત કુમાર સિંહ સ્વતંત્ર મંત્રી તરીકે શપથ લેશે.