સ્પોર્ટસ

સાનિયા મિર્ઝાનો દીકરો ઈઝહાન ક્યાનો નાગરિક? ભારતનો કે પાકિસ્તાનનો કે પછી…

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ખેલાડી શોએબ મલિકના લગ્નજીવનમાં ભંગાણ બાદ હવે તેમના પુત્ર ઈઝહાનની નાગરિકતાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક ભારતીય મહિલા અને પાકિસ્તાની પુરુષના આ સંતાનની નાગરિકતા શું હોઈ શકે તેમાં ભાવનાઓ કે સંબંધો કરતા કાયદા-કાનૂન વધારે કામ કરી જાય છે.

શોએબ સાથે ખુલા કર્યા પહેલા સાનિયા પોતાના પુત્ર સાથે એકલી દુબઈમાં રહેતી હતી અને અહીંના ગોલ્ડન વિઝા તેની પાસે છે. આ વિઝા અમુક ખાસ લોકોને જ મળે છે અને તેની અવધિ દસ વર્ષની હોય છે.

સાનિયાની વાત કરીએ તો તેણે પાકિસ્તાની પુરુષને પરણ્યા બાદ પણ ભારતની નાગરિકતા છોડી નથી અને તે દેશ માટે જ રમી છે આથી તેની ભારતીયતા વિશે તો ચર્ચા કરવાનો કોઈ સવાલ જ નથી. આ સાથે ઈઝહાનનો જન્મ ભારતમાં હૈદરાબાદ ખાતે થયો છે.

સાનિયા મિર્ઝાએ લગ્નના 8 વર્ષ બાદ 2018માં તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં તેના પુત્રને જન્મ આપ્યો હતો. આવી સ્થિતિમાં, નિયમો અનુસાર, તેમના બાળકને ભારતીય નાગરિકતા મળી શકે છે. તમને જણાવી દઈએ કે સાનિયા મિર્ઝા તેની પ્રેગ્નન્સીના થોડા દિવસો બાદ હૈદરાબાદમાં તેના મામાના ઘરે આવી હતી અને જ્યાં સુધી તેણે બાળકને જન્મ ન આપ્યો ત્યાં સુધી તે ત્યાં જ રહી હતી.

ભારત સરકારની નાગરિકતાની જોગવાઈઓ અનુસાર, જો કોઈ બાળકનો જન્મ ભારતમાં થયો હોય અને તેના માતા-પિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક હોય, તો માતાપિતા ઈચ્છે તો તે ભારતીય નાગરિકતા મેળવી શકે છે.

જો કે, પુત્રના જન્મના થોડા સમય પહેલા શોએબ મલિકે દાવો કર્યો હતો કે તેમનો પુત્ર ન તો પાકિસ્તાની હશે અને ન તો ભારતીય નાગરિક હશે. શોએબ મલિકે પાકિસ્તાની અખબારને કહ્યું હતું કે તેનો પુત્ર સંભવતઃ અન્ય દેશની નાગરિકતા મેળવી શકે છે. પરંતુ હજુ સુધી એવા કોઈ અહેવાલો નથી મળ્યા કે તેમણે અન્ય કોઈ દેશની નાગરિકતા માટે પ્રયાસો કર્યા હોય. સાનિયા મિર્ઝા લાંબા સમયથી તેના પુત્ર સાથે દુબઈમાં રહે છે.

સાનિયા મિર્ઝાને 3 વર્ષ પહેલા દુબઈનો ગોલ્ડન વિઝા મળ્યો હતો. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને સંજય દત્ત પછી આ સુવિધા મેળવનાર તે ત્રીજી ભારતીય હતી. જો કે, મહત્વની વાત એ છે કે ગોલ્ડન વિઝાનો અર્થ UAEની નાગરિકતા પ્રાપ્ત કરવાનો નથી હોતો.

આથી હવે સાનિયા પુત્રને લઈને ભારત આવી ફરી અહીં વસવાટ કરે છે કે પછી અન્ય કોઈ વિકલ્પ શોધી રહી છે તે મામલે તો સાનિયા જ કહી શકે, પરંતુ મીડિયામાં તેનાં અને ઈઝહાનના ભવિષ્યને લઈને અનેક વાતો વહેતી રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button