‘body double’ના દાવા વચ્ચે Rahulની યાત્રા મમતાના ગઢમાં ફરીથી થશે શરૂ
સિલીગુડીઃ આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમાએ કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી Rahul Gandhi એ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બૉડી ડબલનો ઉપયોગ કરવાનો ચોંકાવનારો દાવો કર્યો છે ત્યારે તેને જાકારો આપતા ગાંધીએ તેમની યાત્રા ફરીથી શરૂ કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે સવારે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. આ યાત્રા બે દિવસના વિરામ બાદ ફરી શરૂ થવા જઈ રહી છે. કોંગ્રેસના પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ સિલીગુડીના બાગડોગરા એરપોર્ટ પર રાહુલનું સ્વાગત કર્યું. સિલીગુડીથી રાહુલ જલપાઈગુડી જશે, જ્યાંથી બપોરે યાત્રા ફરી શરૂ થશે.
ચૌધરીએ કહ્યું કે યાત્રા બસ અને પગપાળા બંને રીતે આગળ વધશે અને સિલીગુડી પાસે રાતરોકાણ કરશે. તેમણે કહ્યું કે સોમવારે તે ઉત્તર દિનાજપુર જિલ્લાના ઈસ્લામપુર તરફ આગળ વધશે, ત્યારબાદ તે બિહારમાં પ્રવેશ કરશે. આ યાત્રા 31 જાન્યુઆરીના રોજ માલદા થઈને પશ્ચિમ બંગાળમાં ફરી પ્રવેશવાની છે અને પછી મુર્શિદાબાદ થઈને 1 ફેબ્રુઆરીએ રાજ્ય છોડશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને પત્ર લખીને રાજ્યમાં કાર્યક્રમોનું આયોજન સુચારૂ રીતે થાય તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.
કોંગ્રેસે અગાઉ આરોપ લગાવ્યો હતો કે જલપાઈગુડીમાં ગાંધીજીના ફોટાવાળા કેટલાક બેનરો તોડી પાડવામાં આવ્યા હતા. ચૌધરીએ રાજ્યની તેમની મુલાકાત દરમિયાન જાહેર સભાઓનું આયોજન કરવાની પરવાનગી મેળવવામાં જે મુશ્કેલીઓ સામનો કરવો પડ્યો હતો તેના પર પણ ચિંતા અને નારાજગી વ્યક્ત કરી હતી.
ગાંધીની યાત્રા દરમિયાન વિપક્ષોનો ઈન્ડિયા ગઠબંધનમાંથી એક પછી એક પક્ષ બહાર નીકળી રહ્યા છે. મમતાએ એકલા લડવાની વાત કરી દીધી છે તો બિહારમાં તો નીતિશ કુમારે ભાજપ સાથે હાથ મિલાવી પાસા પલટી નાખ્યા છે. પંજાબમાં આપે એકવા લડવાની વાત કરી છે. આમ ગઠબંધનની ગાઠો છૂટી પડવ લાગી છે. આવી સ્થિતિમાં રાહુલની યાત્રા ખાસ કઈ રંગ લાવી શકતી નથી. આ યાત્રા કુલ 6,713 કિલોમીટરનું અંતર કાપશે અને 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે. આ યાત્રા 20 કે 21 માર્ચે મુંબઈમાં પૂરી થશે.