રવિવારની સવાર આવી ભયાનક? મકાન બહારથી બંધ અને અંદર પાંચ જણ…
બરેલીઃ રવિવારની સવાર ખુશ્નુમા કે તાજગીવાળી ન હોય તો ચાલે પણ આટલા ભયાનક તો ન જ હોવી જોઈએ. ઉત્તર પ્રદેશના બરેલી શહેરના ફરિદબાદ વિસ્તારના રહેવાસીઓએ સવાર સવારમાં જે દષ્ય જોયા તે તેઓ લાંબા સમય સુધી નહીં ભૂલી શકે. અહીં એક મકાનમાંથી ધૂમાડો નીકળતા પડોશીઓએ પોલીસને ફોન કર્યો અને પોલીસે આવીને જોયું તો મકાનને બહારથી તાળુ હતું, પરંતુ અંદરથી બદબુ આવતી હતી. પોલીસે તાળા તોડીને જોયું ત્યારે અહીં રહેતા પરિવારના પાંચેય સભ્યો બળીને ભડથુ થઈ ગયા હતા. અહીં રહેતા ગુપ્તા પરિવારના અજય ગુપ્તા અને તેમના પત્ની તેમ જ ત્રણ માસૂમ બાળકોની હત્યાની આશંકા સેવાઈ રહી છે.
રવિવારે સવારે બરેલીના આ વિસ્તારના એક મકાનમાંથી ધૂમાડો નીકળતા પોલીસ આવી હતી અને તે બાદ પાંચેયની લાશ મળી હતી. ઘરમાં એક જ ઓરડામાં પાંચ જણ સૂતા હતા અને બહાર તાળું હતું. આ પરિવાર ત્રણેક વર્ષ પહેલા અહીં આવ્યો હતો અને કોઈ સંબંધીમાં મકાનમાં ભાડે રહેતો હતો. ઘરમાં પાંચેયની લાશ બળેલી હાલતમા મળી આવી છે, જેને પોસ્ટમોર્ટ્મ માટે મોકલવામાં આવી છે. આખો ઘર અને સામાન પણ બળીને ખાખ થઈ ગયું છે. કોણે આગ લગાવી, બહાર તાળું દઈને કોણ ગયું અને પરિવારે રોક્કડ કેમ ન કરી, કરી તો પડોશમાં કોઈને ખબર કેમ ન પડી વગેરે ઘણા સવાલો છે.
ઘટના બાદ તમામ પોલીસ અધિકારીઓનો કાફલો આવી ચડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.