Allahabad High Court પત્નીના ભરણ પોષણ માટે આપ્યો મહત્વનો ચુકાદો
લખનઉ: અલહાબાદ હાઈ કોર્ટની બેન્ચે ભરણ પોષણના મુદ્દે એક મહત્વની ટીપ્પણી કરતા કહ્યું હતું કે પતિની નોકરીમાંથી કોઈ આવક ન હોય તો પણ તે તેની પત્નીને ભરણપોષણ આપવા માટે બંધાયેલો છે. અને આજના સમયમાં એક મજૂર તરીકે કામ કરીએ તો પણ દિવસના 300-400 રૂપિયા કમાઈ શકીએ છીએ. તો તમે કોઈપણ કામ કરો અને તમારી પત્નીનું ભરણ પોષણ કરો.
હાઈ કોર્ટની લખનઉ બેંચના જસ્ટિસ રેણુ અગ્રવાલે ફેમિલી કોર્ટના આદેશ સામે એક પુરુષની રિવિઝન પિટિશનને ફગાવી દેતાં આ આદેશ કર્યો હતો. જેમાં તેનાથી અલગ થયેલી પત્નીને ભરણપોષણ તરીકે માસિક રૂ. 2,000 ચૂકવવાનો આદેશ કર્યો હતો. જસ્ટિસ અગ્રવાલે ટ્રાયલ કોર્ટના જજને પત્નીની તરફેણમાં પહેલાથી જ મંજૂર કરેલા ભરણપોષણના આદેશ પ્રમાણે જ પતિ એ તેનાથી અલગ થયેલી પત્નીનું ભરણ પોષણ કરવાનો આદેશ કર્યો હતો.
જો કે ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 125ની જોગવાઈઓ હેઠળ પત્નીને 2000 રૂપિયા ભરણપોષણ આપવાના ફેમિલી કોર્ટના આદેશને પડકારતી પતિએ હાઈ કોર્ટ સમક્ષ રિવિઝન પિટિશન દાખલ કરી હતી.
પતિએ અરજીમાં દલીલ કરી હતી કે ફેમિલી કોર્ટ એ ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહી હતી કે પત્ની ગ્રેજ્યુએટ છે અને ટીચિંગ પ્રોફેશનમાંથી દર મહિને 10,000 રૂપિયા કમાતી હતી.
અરજદારે એમ પણ કહ્યું હતું કે તે ગંભીર રીતે બીમાર છે અને ડૉક્ટર પાસેથી સારવાર લઈ રહ્યો છે. તેણે એવી પણ દલીલ કરી હતી કે તે મજૂર તરીકે કામ કરે છે અને ભાડાના રૂમમાં રહે છે અને તેણે તેના માતા-પિતા અને બહેનોની સંભાળ પણ રાખવી પડે છે.
નોંધનીય છે કે આ બંનેના લગ્ન 2015માં થયા હતા. બાદમાં પત્નીએ તેના પતિ અને સાસરિયાઓ સામે એફઆઈઆર નોંધાવી હતી અને તે 2016થી તેના માતા-પિતા સાથે રહે છે. જો કે હાઈ કોર્ટે આદેશમાં એમ પણ કહ્યું હતું કે પતિ કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યો નથી કે પત્ની ટીચિંગ પ્રોફેશનથી 10,000 રૂપિયા કમાઈ રહી છે. આથી હાઈ કોર્ટે પતિની અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે અરજદાર સ્વસ્થ વ્યક્તિ છે અને પૈસા કમાવવા માટે સક્ષમ છે અને તેની પત્નીના ભરણપોષણની પણ જવાબદારી તેની જ છે.