ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા તેના ભૂતપૂર્વ પાર્ટનર રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સ ટાઇટલ જીતવાથી ખૂબ જ ખુશ છે. રોહનની જીત બાદ સાનિયાએ પણ સોશિયલ મીડિયા પર રોહન સાથે તેનો એક ફોટો શેર કર્યો હતો અને પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે રોહન માટે હું ખુબજ ખુશ છું. રોહને 27 જાન્યુઆરીના રોજ 43 વર્ષની ઉંમરે મેથ્યુ અબેદિન સાથે મળીને આ ખિતાબ જીત્યો હતો. આ જીત સાથે રોહન ટેનિસના ઓપન યુગમાં ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે.
બોપન્ના અને મેથ્યુએ ઈટાલીના સિમોન બોલેલી અને એન્ડ્રીયા વાવાસોરીને 7-6 (7-0), 7-5થી હરાવ્યા હતા. આ જીત સાથે તે મેન્સ ડબલ્સમાં નંબર-1 રેન્કિંગમાં પણ પહોંચી ગયો છે. મેન્સ ડબલ્સમાં નંબર-1 રેન્કિંગ હાંસલ કરનાર સૌથી મોટી ઉંમરના ખેલાડીનો રેકોર્ડ હવે રોહનના નામે થઈ ગયો છે.
રોહનની પાર્ટનર રહેલી સાનિયા મિર્ઝાએ પણ તેની કારકિર્દીની આ મોટી ઉપલબ્ધિઓ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે એક મિત્ર તરીકે તે રોહનની આ સિદ્ધિઓથી ખૂબ ખુશ છે. સોની સ્પોર્ટ્સ નેટવર્ક સાથે વાત કરતા સાનિયાએ કહ્યું હતું કે તેની આ ગેમ ચાલુ થઈ એ પહેલાં જ મે તેની સાથે વાત કરી હતી. જો તે આ ગેમ જીતે છે તો એક ઇતિહાસ રચાશે. અને ખરેખર રોહને એ કરી બતાવ્યું. હું તેની આ સિદ્ધિથી ખુબજ ખુશ છું. એક ભારતીય તરીકે તેમની સિદ્ધિ ખરેખર આપણા માટે ગર્વની વાત છે. એક મિત્ર તરીકે, હું સૌથી વધારે ગર્વ અનુભવું છું. નોંધનીય છે કે સાનિયા અને રોહન લાંબા સમયથી સાથે ટેનિસ રમ્યા છે. બંને દિગ્ગજોએ સાથે ઘણા ડબલ્સ ટાઇટલ જીત્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને