ઉત્સવ

દેશ માટે ગુમનામીમાં શહીદી વહોરી ને આપણે એમને ભૂલી ગયા!

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

નામ એમનું રવિન્દ્ર કૌશિક…
નામ સાંભળીને કોઈ ઉત્તેજના નથી થતી, બરાબરને?

દેશમાં તો આવા હજારો રવિન્દ્ર કૌશિક હશે, પરંતુ અહીં આપણે જે રવિન્દ્ર કૌશિકની વાત કરવી છે એ લાખો નહીં, કરોડોમાં એક છે.

જો કે આ નામ આજે કોઈ ગુમનામીમાં ખોવાઈ ગયેલું નામ છે, પરંતુ દેશ ઉપર એમના સેંકડો ઊપકાર છે. દેશના હજારો જવાનોના જીવ એમણે બચાવ્યા છે.

કઈ રીતે? થોડા ફલેશબેકમાં જઈએ….
ભારતના સૌથી ઉત્તમ જાસૂસ તરીકે ગણાયેલા રવિન્દ્ર કૌશિકનો જન્મ ૧૯૫૨ની ૧૧ એપ્રિલે રાજસ્થાનના શ્રીગંગાનગર શહેરમાં થયો હતો. બીકોમ સુધીનો અભ્યાસ કર્યા પછી અભિનયના શોખને કારણે એમણે નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું. દેખાવમાં એ ફિલ્મસ્ટાર વિનોદ ખન્ના જેવા હેન્ડસમ હતા. એક વખત લખનૌમાં એ સ્ટેજ પર અભિનય કરી રહ્યા હતા ત્યારે ભારતની જાસુસી સંસ્થા ‘રો’ (રિર્સચ એન્ડ એનાલિસિસ વિંગ)ના એક અધિકારીની નજર એમના પર પડી. એ સિનિયર અધિકારીએ ૨૩ વર્ષના રવિન્દ્રને મળવા માટે દિલ્હીની ઓફિસે બોલાવ્યો. પછી એમણે રવિન્દ્રને સીધી જ ઓફર મૂકી કે શું એ દેશ માટે કામ કરવા તૈયાર છે? ‘રો’ની કામગીરી તેમજ કઈ રીતે ‘રો ’માં જાસૂસો તૈયાર કરવામાં આવે છે એ વિશે પણ એમણે રવિન્દ્ર સાથે વાત કરી.

પિતા એરફોર્સમાં હોવાને કારણે રવિન્દ્રમાં પહેલેથી જ દેશદાઝ તો હતી જ. ‘રો’ના જાસૂસ તરીકેના જોખમી કામ માટે પણ એ તરત જ તૈયાર થઈ ગયા. ૧૯૭૫માં એમની ટ્રેનિંગ શરૂ થઈ. અમૃતસર અને પઠાણકોટના વિવિધ સ્થળોએ એમને ટ્રેનિંગ આપવામાં આવી. આ ઉપરાંત ઉર્દૂ અને અરેબિક ભાષા વાંચતા- લખતા તેમજ બોલવાની તાલિમ પણ એમને આપવામાં આવી.

ભવિષ્યમાં જાસૂસી કામ માટે પાકિસ્તાન જવું પડે તો એમને મુસ્લિમ રીત રિવાજ તેમજ કુરાનનું શિક્ષણ પણ આપવામાં આવ્યું. જન્મે પંજાબી હોવાથી પંજાબી ભાષા પર તો એમની પકડ તો હતી જ.
દુનિયાના મોટા ભાગના દેશો પોતાના દુશ્મન દેશની માહિતી એકત્રિત કરવા માટે પોતાના જાસૂસને બીજા દેશમાં મોકલે છે. કેટલાક જાસૂસ ટૂંક સમય માટે બીજા દેશમાં રહે છે, જ્યારે કેટલાક જાસૂસોની કામગીરી લાંબા સમય સુધી જે તે દેશમાં રહીને એ દેશની જરૂરી એવી ખાનગી માહિતી મેળવવાની હોય છે. ૧૯૬૫ અને ૧૯૭૧માં મળેલી કારમી હારને કારણે પાકિસ્તાન ભારત સામે બદલો લેવા આતુર હતું. ભારતના કેટલાક જાસૂસ પાકિસ્તાનમાં હતા, પરંતુ રવિન્દ્ર કૌશિકને છ થી સાત દેશમાં જાસૂસી કરવા મોકલવામાં આવ્યા અને એમણે ત્યાં મેળવેલી સફળતા પછી એવું નક્કી થયું કે લાંબા સમય માટે એમને પાકિસ્તાન પોસ્ટ કરવા…. ‘રો’ના જે સંપર્કો પાકિસ્તામાં કામ કરતા હતા એમના મારફતે રવિન્દ્ર માટે નવા ઓળખપત્રો બનાવવામાં આવ્યા. નવી ઓળખમાં એમનું નામ ‘નબી અહમદ શકીલ’ રાખવામાં આવ્યું. ‘રો’ જેવી જાસૂસી સંસ્થામાં કામ કરતા જાસૂસોને કડક સૂચના હોય છે કે પોતાના નજીકના કુટુંબીઓ સુધ્ધાંને ખબર ન પડવી જોઇએ કે એ જાસૂસ તરીકે કામ કરે છે.

પાકિસ્તાન રવાના થતા પહેલાં રવિન્દ્ર કૌશિકે એમના કુટુંબીઓને કહ્યું કે દુબઈમાં નોકરી મળી હોવાથી એ દુબઈ જઈ રહ્યા છે. કરાંચી જઇને રવિન્દ્રએ ત્યાંની કોલેજમાં વકીલાતની ડિગ્રી લેવા માટે એડિમશન લીધું. એક દિવસ એ સ્થાનિક છાપુ વાચી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના લશ્કરમાં જોડાવા માટેની જાહેરાત એમણે વાંચી. એમણે વિચાર્યું કે જો એ પાકિસ્તાન લશ્કરમાં જોડાઈ શકે તો ઘણી ખાનગી માહિતી મેળવીને ‘રો’ને મદદગાર થઈ શકે. ‘રો’ પાસે પરવાનગી લીધા પછી એ પાકિસ્તાનના લશ્કરમાં જોડાયા અને માત્ર ૨૫ વર્ષની ઉંમરે પોતાની આવડત અને હોંશિયારીને કારણે લશ્કરમાં મેજરના હોદ્દા ઉપર પહોંચી ગયા. ત્યાં પાકિસ્તાન લશ્કરના એક અધિકારીની પુત્રી અમાનતના પ્રેમમાં પડ્યા. અમાનત પણ એમને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ સ્વાભાવિક રીતે જ એ એમની અસલીયત જાણતી નહોતી. રવિન્દ્ર પણ અમાનતને સાચો પ્રેમ કરતા હતા. એમણે વિચાર્યુ કે જો એ નિકાહ કરીને ત્યાં જ સેટલ થઈ જાય તો ઉચ્ચ અધિકારીઓનો વિશ્ર્વાસ પણ જીતી શકે…. રવિન્દ્ર કૌશિક અને અમાનતને એક પુત્ર પણ થયો. ‘રો’ને પણ લાગ્યું કે કૌટુંબિક રીતે સેટલ થવાનો રવિન્દ્રનો નિર્ણય ખૂબ યોગ્ય છે.

પોતાના જાસૂસી કાળ દરિમયાન રવિન્દ્રએ પાકિસ્તાનના એટોમિક ક્ષેત્રના તેમજ લશ્કરનાં ઘણા ખાનગી રહસ્યો ‘રો’ને આપ્યા. ‘રો’ એમની કામગીરીથી એટલું ખુશ હતું કે એમને ‘બ્લેક ટાઇગર’ કોડ નામ આપવામાં આવ્યું.

આ બધા સમય દરિમયાન રવિન્દ્રના કુટુંબીઓને કોઈ જ સાચી વાતની ખબર નહોતી, પણ જ્યારે રવિન્દ્રના નાના ભાઈના લગ્ન નક્કી થયા ત્યારે ‘રો’ની પરવાનગી લઈને સલામતી માટે વાયા દુબઈ થઈને ભારત આવ્યા. ૧૯૮૧માં કુટુંબીઓ સાથેની તેમની આ આખરી મુલાકાત હતી.

હિનાયત મસિહા નામના ભારતના અન્ય એક જાસૂસ મારફતે ‘રો’એ કેટલાક દસ્તાવેજો રવિન્દ્રને પહોંચાડવાના હતા. કમનસીબે હિનાયત મસિહા એ ઓપરેશન વખતે કરાંચીમાં પકડાઈ ગયો. પાકિસ્તાની સુરક્ષા એજન્સીએ એને ખૂબ ટોર્ચર કર્યો. અને છેવટે હિનાયતે બધી કબૂલાત કરી લીધી. હિનાયત સાથે પાકિસ્તાની સુરક્ષા એજન્સીએ એવી ગોઠવણ કરી કે પેલા ડોક્યુમેન્ટ્સ આપવા રવિન્દ્ર ઉર્ફે નબી અહમદ શકીલને જ બોલાવવો. હિનાયતે એ પછી રવિન્દ્રનો સંપર્ક કરીને સવારે ૭.૩૦ વાગ્યે એને એક બગીચામાં મળવા બોલાવ્યો. પાકિસ્તાનના જાસૂસો ત્યા સંતાયેલા જ હતા. રવિન્દ્ર જ્યારે દસ્તાવેજો લેવા પાર્કમાં આવ્યો કે તરત જ રવિન્દ્રને ઝડપી લેવામાં આવ્યા.

એ પછી રવિન્દ્રને ત્રાસ આપવાનો શરૂ થયો. એમને પ્રાઇવેટ પાર્ટમાં કરંટ અપાતા. એમના દસે દસ નખ ઉખેડી નાખવામાં આવ્યા તેમજ બરફ પર નગ્ન કરી મૂઢ માર મારવામાં આવ્યો છતાં પણ રવિન્દ્રએ મોંઢું ખોલ્યું નહીં. ૧૯૬૫માં રવિન્દ્રને ફાંસીની સજા જાહેર કરવામાં આવી. એ દરિમયાન પત્ની અમાનત પણ ફક્ત એક જ વખત રવિન્દ્રને મળી શકી હતી.

રવિન્દ્રને હતું કે એને છોડાવવા માટે ‘રો’ કે ભારત સરકાર કોઈ પ્રયત્ન કરશે. ઘણા દેશ વચ્ચે એવી સમજૂતી થાય છે કે પોતાના જાસૂસને છોડાવવા માટે દુશ્મન દેશના પકડેલા જાસુસને છોડીને સોદો કરે છે. રવિન્દ્ર કૌશિકના કેસમાં આ થયું નહીં. એ વખતની સરકાર અને ‘રો’ એ હાથ ઊંચા કરી દીધા.

જેલમાંથી રવિન્દ્રએ પોતાના ઘરનાને ઉર્દૂમા પત્ર લખેલો, એ લઈને રવિન્દ્રના કુટુંબીઓ ‘રો’ના અધિકારીઓને મળ્યા, પરંતુ રોએ પણ મદદ કરવાનો નન્નો ભણી દીધો. છેવટે રવિન્દ્ર કૌશિક ૨૦૦૧માં ટીબી અને હૃદયની બીમારીને કારણે પાકિસ્તાન કારાવાસમાઅં અવસાન પામ્યા. એમણે છેલ્લા પત્રમાં લખ્યું હતું: ‘હું જો અમેરિકાનો જાસૂસ હોત તો ત્રણ દિવસમાં જ હું જેલની બહાર આવી ગયો હોત….’
દુ:ખની વાત એ છે કે દેશ માટે ગુમનામીમાં જ શહીદ થનારા રવિન્દ્ર કૌશિકની જાસૂસ તરીકેની નીડર કામગીરી વિશે બહુ ઓછાને ખબર છે !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો…