ઉત્સવ

માસ્તરનો જીવ જોખમમાં છે

મહેશ્ર્વરી

‘લવકુશ’ને પ્રેક્ષકોનો અફાટ પ્રેમ મળ્યો

ઉર્દૂ નાટકની શરૂઆત કરવાનો યશ અયોધ્યાના નવાબ વાજીદઅલી શાહને નામે છે. બાદશાહ પોતાના દરબારીઓ સાથે નાટકમાં ભાગ લેતા. એમાં રાધાકનૈયા’ના કિસ્સા હોવાનો ઉલ્લેખ છે. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક, સંગીતકાર અને નાટ્યસંસ્થાના માલિક હરિભાઈ મણિશંકર ભટ્ટ શ્રી પાલીતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપની સાથે સંકળાયા હતા. તેમણે મર્દ મુસ્લિમ યાને ગરીબના પૂજારી’ નાટક લખ્યું હતું. ૧૯૩૮માં ‘અખંડ જ્યોત યાને કીમતી કુરબાની’માં લેખન, સંગીત તથા દિગ્દર્શનની ત્રિવિધ જવાબદારી તેમણે સ્વીકારી. શેઠ મોતીલાલ મારવાડીએ ગંજાવર ખર્ચે શરૂ કરેલી ભવ્ય ઉર્દૂ નાટ્યસંસ્થા એક્સેલસિયર થિયેટરે મુંબઈમાં ભવ્યતાથી રજૂ કરેલું નિષ્ફળ ગયું અને આ સંસ્થા મુંબઈમાં જ બંધ કરવી પડી. પિતાજીની પાલિતાણા નાટક કંપની આગમાં બધી નાટ્ય સામગ્રી બળી જવાથી બંધ પડી. ૧૯૪૧માં જામનગરમાં તેમણે શ્રી પ્રભાત કલા મંડળ શરૂ કરી.૧૯૪૨માં એમના લખેલા ‘લવકુશ’ નાટકના સળંગ ૩૦૦ પ્રયોગ થયા. નાટકની કીર્તિ મુંબઈ સુધી પહોંચી હતી. ‘લવકુશ’ નાટક જોયા પછી ફિલ્મ મેકર વી. શાંતારામે ‘લવકુશ’ ચલચિત્ર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ દિગ્દર્શન પોતે જ કરશે એવા હરિભાઈના આગ્રહને કારણે વાત આગળ વધી શકી નહીં. પ્રેક્ષકોમાં ‘લવકુશ’ની ખ્યાતિ એ હદે પ્રસરી હતી કે ૧૯૪૫માં નાટક ફરીથી રજૂ થયું ત્યારે તેના સળંગ ૧૧૫ પ્રયોગ થયા હતા.

ખાડાના થિયેટરમાંથી બહાર નીકળી મંડપ બાંધેલા થિયેટરનો આનંદ લઈ રહ્યા હતા ત્યાં વરસાદની સીઝન શરૂ થઈ અને કંપની પેટલાદમાં બંધ કરવી પડી. વરસાદ પડે ત્યારે ખેડૂત હરખાય, પણ કંપનીના કલાકાર થોડા દુભાય, કારણ કે નિયમિત આવક બંધ થાય અને બોરિયા બિસ્તરા બાંધી ઘરે પાછા ફરવું પડે. જોકે, નવા માલિક ધીરુભાઇએ અમને આંચકો આપ્યો, પણ એ સુખદ આંચકો હતો. ધ્રુજાવી દેનારો નહીં અને ચહેરા પર સ્મિત લાવી દેનારો હતો. તેમણે એલાન કર્યું કે ‘કોઈ મુંબઈ ન જતા. આપણે વરસાદની મોસમમાં અમદાવાદમાં થિયેટરમાં નાટક કરવાના છીએ.’ જોકે, મારું મન તો પેલી પપ્પાની ચિઠ્ઠીમાં અટવાયું હતું એટલે હું થિયેટરમાં નાટક કરવા વિશે બહુ ઉત્સાહી નહોતી. મેં માસ્તરને કહ્યું કે ‘હું ચલાલા જઈ આવું.’ ચલાલા અમરેલી જિલ્લાનું ગામ છે જ્યાં પપ્પા મમ્મી, બહેન બનેવી અને તેમનું બાળક રહેતા હતા. જોકે, મારી વાત સાંભળી માસ્તરે ધડાકો કર્યો કે ‘આપણે સાથે જઈએ.’ ‘મને મારા કાન પર વિશ્ર્વાસ ન બેઠો એટલે પૂછ્યું’ ‘શું?’ ‘એટલે માસ્તરે બીજો ધડાકો કર્યો ’હા, આપણે સાથે જઈએ. ત્યાં જઈને તું કહેતી નહીં કે આપણે સાથે આવ્યા છીએ. એકલી જ આવી છું એમ કહેજે.’ અને બીજે દિવસે સવારે ૧૧ વાગ્યે ચલાલા સ્ટેશન પર મળવાનું નક્કી થયું. માણસમાં જ્યારે અપરાધની ભાવના હોય ત્યારે મોઢું સંતાડી ફરતો હોય છે. માસ્તર એ જ મનોદશામાંથી પસાર થઈ રહ્યા હતા. લગ્નબાહ્ય સંબંધથી થયેલા પુત્રના ક્ષેમકુશળની ચિંતા સતાવી રહી હતી, પણ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત નહોતી. નક્કી કર્યા મુજબ અમે બંને અને દીકરી ચલાલા પહોંચ્યા. માસ્તર સીધા ગયા ધરમશાળા અને હું મારી દીકરીને લઈ નાટક કંપનીના મુકામ પર પહોંચી. પપ્પાએ ઝાઝી કંઈ વાત ન કરી, પણ તેમના ચહેરા પર ડોકિયાં કરતો ફફડાટ અમંગળના એંધાણ આપતો હતો. બહેન – બનેવીએ મીઠો આવકાર આપ્યો. બહેન પણ હવે બીજી નાટક કંપનીમાં ગોઠવાઈ ગઈ હતી. એનાં લગ્ન પણ થઈ ગયા હતા. અમે બહેનો ઘણા સમય પછી ભેગી થઈ હતી અને એટલે એકબીજાને વાત કરવાની અને જાણવાની તાલાવેલી હતી. આપણા પારિવારિક જીવનમાં અનેક સંબંધો મહત્ત્વ ધરાવે છે જેમાં બહેનોના સંબંધોની લાક્ષણિકતા સમજવા જેવી છે. કુંવારી હોય ત્યારે બહેનો એકબીજાના ચોટલા ખેંચતી હોય, પણ પરણી ગયા પછી લાંબા સમયે મળે ત્યારે ગજબની આત્મીયતા જોવા મળે. બહેનો એકબીજા માટે ખભા જેવી હોય છે જેની ઉપર માથું ઢાળવાથી ગજબની નિરાંતનો અનુભવ થાય છે. એકાંત મળતા અમે બંને બહેન પણ વાતે વળગી. મેં તો તરત મનમાં સળવળતી જૂની વાત તેને પૂછી નાખી કે ‘તું ચુપચાપ જોગેશ્ર્વરી જતી હતી તો મને કેમ ન કહ્યું? તારી મોટી બહેનથી આ વાત કેમ છુપાવી?’ આ સવાલ કર્યો ત્યારે બહેન એકદમ લાગણીવશ થઈ ગઈ અને મારા હાથ પોતાના હાથમાં લઈ બોલવા ગઈ તો એના ગળામાં ડૂમો ભરાઈ ગયો, આંખ ભીની થઈ ગઈ. તરત જાતને સંભાળી લઈ કહ્યું કે ’તારી વાત સોળ આના સાચી. મારે બધું તને કહી દેવું જોઈતું હતું, પણ તારાં લગ્ન થયાં પછી મને ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું. હું જોગેશ્ર્વરી કેમ જતી હતી એ સવાલનો જવાબ પણ તને આપું. મારે એબોર્શન કરાવવું હતું એટલે હું ત્યાં જતી હતી, પણ ન થયું. પછી બધાને ખબર પડી ગઈ અને…’ અને બહેનના મોઢામાંથી શબ્દો સરવાના બંધ થયા અને આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા. હું શૂન્યમનસ્ક થઈ બધું સાંભળતી રહી. બધી વાત જાણ્યા પછી મને બહેન માટે અનુકંપા થઈ. જોકે, વધુ આઘાત આપનારી, હૈયું હચમચાવી નાખનારી વાત તો હજુ બાકી હતી.અલબત્ત આખી વાત સમજવા ભૂતકાળમાં ડોકિયું કરવું જરૂરી છે. બહેન પ્રેગ્નન્ટ હતી પણ નાટક કંપની સાથે જોડાયેલી રહી અને નાટકો કરતી હતી. જે નાટક કંપનીમાં કામ કરતી હતી એના માલિકે એક દિવસ કહ્યું કે તેઓ મારી બહેન સાથે લગ્ન કરી આવનાર બાળકને પોતાનું નામ આપવા તૈયાર છે. પપ્પાએ હા પાડી અને તેમના લગ્ન થઈ ગયા. બહેનના જીવને કેટલી નિરાંત થઈ હશે એ સમજવું મુશ્કેલ નથી. લગ્ન પછી બહેને બાળકને જન્મ આપ્યો. થોડો સમય પસાર થયા પછી આ બહેન – બનેવીના જીવનમાં પણ પુત્રનો જન્મ થયો. છોકરો થયો એટલે જાણે કે બનેવીનો ‘હૃદય પલટો’ થયો. તેઓ ફરી ગયા અને બહેનને રોકડું પરખાવી દીધું કે આ છોકરાને અનાથ આશ્રમમાં આપી દઈશ. આ પુરાણ રજૂ કરી બહેન બોલી કે ’પપ્પાને તો ફાળ પડી કે છોકરાને ક્યાંક વેચી ન નાખે અને એટલે તને તાબડતોબ અહીં બોલાવી છે.’ બહેન વાત કરતી હતી ત્યારે શબ્દો ઓછા અને ડુસકા વધુ સંભળાઈ રહ્યા હતા. અનૌરસ સંતાન તો સમાજે બાંધેલી વ્યાખ્યા છે, મા માટે તો સંતાન એના કાળજાનો કટકો જ હોય છે. એ કટકો કાપી નાખવાની ચેષ્ટા થાય ત્યારે કેવી વેદના થાય એ સમજવા માટે તો મા બનવું પડે.

એક બહેનની પીડા બીજી બહેન કે બહેનપણી સારી રીતે સમજી શકે, પણ એક માને માથે જે વીતી હોય એ એક માનું હૃદય જ અનુભવી શકે. હું કંઈ બોલી નહીં પણ મારા હાથમાં રહેલા બહેનના હાથને સાંત્વનાના ભાવથી દબાવ્યો. જીવનમાં કેટલીક એવી ઘડીઓ આવતી હોય છે જ્યારે શબ્દો નહીં, મૌન બોલતું હોય છે. વધુ એક અક્ષર બોલ્યા વિના અમે બંનેએ એકબીજાને જાણે કે ઘણું કહી દીધું. દિવસનું અજવાળું ઓસરી ગયું અને દીવાબત્તી ટાણું થયું એટલે બનેવી આવ્યા અને ’નાટક જોવા આવજો’ એમ કહેતા ગયા. ‘વીર માંગડાવાળો’, ‘જેસલ તોરલ’ વગેરે નાટકોની ભજવણી એ કંપની કરતી હતી. નાટકનો શો રાતના ૧૦ વાગ્યે હતો અને સાડા આઠની આસપાસ હું તૈયાર થવાનું શરૂ કરું ત્યાં પપ્પા અચાનક દોડતા દોડતા આવ્યા અને હાંફતા અવાજે મને કહેવા લાગ્યા કે ‘તારે નાટક જોવા આવવાની જરૂર નથી. માસ્તરનો જીવ જોખમમાં છે’. પપ્પાની વાત સાંભળી હું સ્તબ્ધ થઈ ગઈ, પણ મને કંઈ ન સમજાયું અને થોડીવારમાં બનેવી પણ આવ્યા. ગુસ્સાથી ભભૂકી ઊઠ્યા અને મારી પર રીતસરના તાડૂક્યા…

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત