ઉત્સવ

શાહજાદાએ ક્રૂર બાપ કરતાં દાના દુશ્મનો પર કર્યો વિશ્ર્વાસ

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૨૯)
શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબર પર હવે ઔરંગઝેબે પૂરેપૂરું ફોક્સ કરવું પડ્યું. કોઈ સંજોગોમાં શાહજાદો રાજસ્થાનની બહાર નીકળી ન શકે અને એની ઘરેથી જ ધરપકડ થઈ જાય એ માટે અબ્બાજાનને મરણિયા થવું પડ્યું.
એક ભાઈને પકડવા માટે બીજાને એટલે કે મુઅજ્જમને લાવલશ્કર સાથે અજમેર ભણી દોડાવ્યો. પરંતુ જાલોર પાસે ઔરંગઝેબ-સેનાનું પાણી મપાઈ ગયું.
રાઠોડ વીરોએ શાહી સૈનિકોના ઊંટ આંચકી લીધા, તો લડાઈમાં શું થયું હશે એના વર્ણનની જરૂર ખરી?
મોગલોનો ઈતિહાસ જુઓ તો કદાચ એમનો સૌથી વધુ સામનો રાજપૂતોએ જ કર્યો હતો. જાલોરમાં શાહજાદા મુઅજ્જમનો ફજેતો થયો, ત્યારે મિર્ઝા મોહમ્મદ અકબરને સાંચોર તરફ લઈ જવાયો. ત્યાંથી આગળ ધપવામાં જોખમ જણાયું તો પાછા વળ્યા.
હવે બાપ-બેટાની લડાઈ તખ્ત માટેનો
જંગ બની રહ્યો હતો. શાહજાદો કોઈ કચાશ
છોડવા માગતો નહોતો. એ અબ્બાજાનની
એક એક હિલચાલ જાણવા તલપાપડ રહેતો
હતો.

બાપ-દીકરા બિલાડા-કૂતરાની જેમ લડવા પર ઊતરી આવ્યા હતા. મિર્ઝા મોહમ્મદ અકબરે ઔરંગઝેબની હિલચાલની જાણકારી મેળવવાની જવાબદારી વાયા દુર્ગાદાસજી, સોંપી પંચાવન દાસને.
આ ભાઈ તાજેતરમાં ધૂણી ધખાવીને બેસી ગયા, ને રજેરજની જાણકારી મોકલતા રહ્યા. વચ્ચે-વચ્ચે બન્ને દળ વચ્ચે અથડામણ થતી રહી ને ઘણાં રાજપૂતવીર લડતા-લડતા માભોમ અને રાજ માટે ખપી ગયા.

જ્યારે રાઠોડો શાહજાદાને લઈને મારવાડના કોટકલોર ગામમાં હતા, ત્યારે મોગલ સેનાએ નવી ચાલ ચાલી. મુઅજ્જમે સમાધાનનો પાસો ફેંક્યો: ભાઈ, તું વાપસ આ જા, ગુજરાત કા સુબા બન જાયેગા. સાથે સાથે દુર્ગાદાસ સહિતના રાઠોડ આગેવાનોને મનસવી આપવાનો ગોળ પણ કોણીએ લગાવ્યો.

આ માત્ર ઠાલાં વચનો નથી. હું અબ્બા પાસેથી આ મતલબના ફરમાન મંગાવી લઉં છું, ત્યાં સુધી યુદ્ધ બંધી અને લૂંટફાટ બંધ રાખીએ.

એટલે મુખ્ય શબ્દ છેલ્લી લાઈનમાં હતો: યુદ્ધ બંધ. રાઠોડોય બધુ સમાજતા હતા. તેમણેય સીધો અને સ્પષ્ટ જવાબ મોકલ્યો કે રોજબરોજના ખર્ચા માટે ફદિયા જ નથી એટલે શાહી વિસ્તારો લૂંટવા સિવાય છૂટકો નથી.

મુઅજ્જમે આ બાબતનો ય ઉપયોગ કર્યો. તેણે બન્ને પક્ષના આગેવાનોના દીકરાઓની અદલાબદલી એટલે કે એકબીજા પાસે
રાખવાની વ્યવસ્થાનું સૂચન કર્યું, ને સાથો સાથ હજાર સોનામહોર મોકલી. સાથે શર્ત તરીકે શાહજાદો મિર્ઝા મોહમ્મદ અકબર એમને મળવા આવે.

ઔરંગઝેબ કે મોગલોએ ભૂતકાળમાં કુરાન પર હાથ રાખીને લીધેલ સૌગંદ પણ પાળ્યા નહોતા એટલે દુર્ગાદાસે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો. આ સાથે યુદ્ધબંધના ફુગ્ગામાંથી પૂરેપૂરી હવા નીકળી ગઈ.
હવે શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબરને મેવાડ લઈ જવાનું નક્કી થયું. ગમે ત્યારે શાહી સેનાના હુમલાનું જોખમ હોવાથી પરિવારને સાથે ન રાખવાનું શાહજાદાએ નક્કી કર્યું. પોતાની
બેગમ, દીકરા અને દીકરી બાડમેરમાં સલામત સ્થળે રહે એવું એવું નક્કી થયું, એ પણ રાઠોડોના રક્ષણમાં.

શાહજાદાએ પોતાના અબ્બાજાન તરફના જોખમથી પરિવારને બચાવવા માટે રાઠોડો પર વિશ્ર્વાસ કર્યો એને શું કહેવું? એમાંય ત્રણેયની સલામતીની જવાબદારી દુર્ગાદાસના ભાઈ ખેમકરણ સહિતના ચાર જણાને સોંપાઈ. અહીં દુર્ગાદાસે જે સારસંભાળની વ્યવસ્થા કરી એ તો ખુદ ઔરંગઝેબ પણ કલ્પી શક્યો નહોતો. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…