કમાઠીપુરામાં લાકડાની વખારમાં લાગેલી આગે એકનો ભોગ લીધો
૧૮ કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ચોર બજાર નજીક લાકડાની વખારમાં ગુરુવાર મધરાત બાદ લાગેલી ભીષણ આગમાં ૫૦ વર્ષની વ્યક્તિનું મૃત્યુ થયું છે. લગભગ ૧૮ કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં ફાયરબ્રિગેડને સફળતા મળી હતી, જોકે કુલિંગ ઓપરેશન શનિવાર મોડી સાંજ સુધી ચાલ્યું હતું. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન પાણીનો સ્ટોક ખતમ થઈ જવાથી લઈને અનેક અડચણો આવતા ફાયરબ્રિગેડને નાકે દમ આવી ગયો હોવાનું કહેવાય છે. એક અંદાજ મુજબ આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું તો અનેક લોકોની રોજગારી પણ ફટકો પડયો હોવાનો અંદાજો છે.
મુંબઈ ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ લગભગ ગ્રાન્ટ રોડમાં ચોર બજાર પરિસરમાં આવેલા જૂના લાકડાના ગોદામમાં ગુરુવારે મધરાતે બે વાગ્યાની આસપાસ આગ લાગી હતી, જે શુક્રવારે રાતના ૮.૦૬ કલાકે બુઝાવવામાં આવી હતી. કુલિંગ ઓપરેશન શનિવાર મોડી રાત મોડે સુધી ચાલ્યું હતું. આ દરમિયાન આગમાં ૫૦ વર્ષના ઘનશ્યામ પ્રજાપતિ નામની વ્યક્તિનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં આગમાં ૪૦થી ૫૦ લાકડાના ગોદામ બળીને ખાખ થઈ ગયા હતા.
ગ્રાન્ટ રોડમાં પટ્ટે બાપુરાવ માર્ગ પર મોટા પ્રમાણમાં જૂના લાકડાના ગોડાઉન છે. આ રોડ પર ૪૦થી ૫૦ લાકડાના ગોડાઉન છે. અહીં જૂની ઈમારતના પુનર્વિકાસમાં ગયેલી જૂની ઈમારતના દરવાજા, બારીઓ સહિત અન્ય લાકડાનો સામન ખરીદી કરીને અહીં ગોદામમાં રાખીને તેનું ફરી વેચાણ કરવાનું કામ મોટા પ્રમાણમાં ચાલે છે. આ રસ્તો જૂનો લાકડા માટે પ્રસિદ્ધ છે. ગુરુવારે મધરાતના બે વાગે આ લાકડાના ગોડાઉનમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી.
ફાયરબ્રિગેડના કહેવા મુજબ ૭,૦૦૦થી ૮,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં રહેલી હોટેલ અને દુકાનો તથા ગાળામાં પણ આગ ફેલાઈ હતી. લાકડાના વખારની નજીક જ ૨૨ માળની બહુમાળીય ઈમારત પણ આવેલી છે, આગ ત્યાં સુધી ફેલાઈ જાય તો જાનમાલનું નુકસાન થવાની શક્યતાને પગલે ઈમારતના રહેવાસીઓને તુરંત બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટના સ્થળે રહેલા ફાયરબ્રિગેડના અન્ય અધિકારીના જણાવ્યા મુજબ અહીં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ છે, તેને કારણે આગ બુઝાવવામાં અડચણ આવી હતી. એમાં પાછું જો આગ આજુબાજુની ગલીમાં ફેલાઈ હોત તો પરિસ્થિતિ નિયંત્રણ બહાર જવાની શક્યતા હતી. એક સદી જૂની પ્રખ્યાત લાકડાની આ બજારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. તેથી અહીં ભીડ પણ ભારે રહેતી હોય છે.
ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ આ ઠેકાણે ગાળાના બાંધકામ બે માળા સુધીના કરવામાં આવ્યા હતા. અહીં રહેલી ઈલેક્ટ્રિક વાયરિંગ, લાકડાના સ્ટોક અને કેમિકલના સ્ટોકને કારણે આગ વધુ માત્રામાં ફેલાઈ હતી. આગ બુઝાવવા માટે નજીક આવેલી બહુમાળીય ઈમારતની ઉપર ચઢીને પણ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અહીં મોટા પ્રમાણમાં ફર્નિચરને કલર કરનારા કેમિકલ, પોલીશ અને લાકડાનો સામાન હોવાને કારણે શુક્રવારે મોડી સાંજે આગ બુઝાઈ ગઈ હોવા છતાં તે ફરી ભભૂકી શકે છે એ ડરે શનિવારે મોડી સાંજ સુધી કુલિંગ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. આગ બુઝાવવા માટે ૧૮ ફાયર એન્જિન, ૧૭ જંબો વોટર ટેન્કર, બે વોટર ટેન્કર, એક ટર્નટેબલ લેડર વગેરેની મદદ લેવામાં આવી હતી.
ઘટના સ્થળે હાજર રહેલા ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ગુરુવારના મોડી રાતના લાગેલી આગ ૧૫,૦૦૦ સ્કવેર ફૂટના વિસ્તારમાં ફેલાયેલી લાકડાની વખારમાં ફેલાઈ હતી. આગ લાગ્યા બાદ ત્યા સિલિન્ડર બ્લાસ્ટ પણ થયા હતા. ઘટના સ્થળેથી ત્રણ બળી ગયેલા કમર્શિયલ સિલિન્ડર મળી આવ્યા હતા.
ફાયરબ્રિગેડના અધિકારીના કહેવા મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ લાકડા બજાર પરિસરથી આગ શરૂ થઈ હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન બજારના બાથરૂમમાંથી ૫૦ વર્ષના વ્યક્તિનો મૃતદેહ હાથ લાગ્યો હતો. તેની ઓળખ ઘનશ્યામ પ્રજાપતિ તરીકે થઈ હતી.
અહીં મોટી સંખ્યામાં ગેરકાયદે બાંધકામ હોવાની લાંબા સમયથી ફરિયાદો થઈ રહી છે અને આગ લાગ્યા બાદ અહીં લગભગ ૪૦૦થી ૫૦૦ નાની મોટી દુકાનોને નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજો છે ત્યારે ‘ડી’ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર શરદ ઉઘાડેના જણાવ્યા મુજબ પાલિકાના આંકડા મુજબ બજારમાં જુદા જુદા દુકાનદારોને ૬૪ લાઈસન્સ આપવામાં આવ્યા હતા. તેઓ ૧૯૬૧થી ૬૨ની સાલથી અહીં વ્યવસાય કરે છે.
પાણી ઘટી પડ્યું
ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે લાકડાની વખારમાં મોટા પ્રમાણમાં રહેલા લાકડાના સ્ટોક, કેમિકલ વગેરેને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, તેને નિયંત્રણમાં લાવવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો હતો અને એક તબક્કે અમારી પાસેનો પાણીનો સ્ટોક ખતમ થઈ ગયો હતો અને નજીક આવેલા રિઝિર્વિયરથી પાણી લાવવું પડ્યું હતું.
જમીન પર ડોળો
દક્ષિણ મુંબઈનો કમાઠીપુરા-ચોર બજારના વિસ્તારમાં જમીનની ભાવ કરોડો રૂપિયામાં બોલાય છે. લાકડાની બજાર પ્રાઈમ લોકેશન પર આવેલી છે. અત્યાર સુધી અનેક ડેવલપરો અહીં જમીનની ઈન્કવાયરી કરી ગયા છે. નજીકમાં જ બહુમાળીય ઈમારત પણ આવેલી છે. ગુરુવારે લાગેલી આગ કોઈએ જાણીજોઈને લગાવી હોવાની શંકા સ્થાનિક રહેવાસીઓની સાથે જ સ્થાનિક વિધાનસભ્યએ વ્યક્ત કરી હતી.