વેપાર

જિંદગીની તેજ રફતારમાં છેદ?

ઓ -પિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

તમાર બધાની તો ખબર નથી પણ મારો અનુભવ કહે છે કે ૨૧મી સદીમાં જિંદગી એટલી ઝડપી અને મશીનલાઇક થઇ ગઇ છે કે જિંદગી જીવવાની ફિલોસોફીજ બદલાઇ ગઇ છે. સ્વાર્થ અને મટીરીયાલીઝમે સેન્સિટિવીટીને જીવનમાંથી બાદ કરી દીધેલ છે. કોઇને કંઇ વિચારવાની ફૂરસદ જ નથી, કોઇ તેની ભૂલ સ્વીકારવા તૈયાર નથી ત્યારે એક વાત યાદ આવે છે કે….
અમેરિકાનું કોલેરાડો રાજ્ય પર્વતીય છે અને ત્યાનાં રસ્તાઓ ઉંચાણ નિચાણવાળા છે. ડેનવેર તેની રાજધાની છે. અમેરિકાના અન્ય રાજ્યોની જેમ કોલેરાડોમાં પણ સુખ સાહબી ખૂબ જ છે. ભલે અશ્ર્વેત બરાક ઓબામાં અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા હોય પરંતુ એ હકીકત છે કે આજે પણ અમેરિકામાં અશ્ર્વેત લોકોનું જીવનધોરણ અને આવકો શ્ર્વેત અમેરિકનોની સરખામણીમાં ઘણી નીચી છે. તેના કેટલાય કારણો છે જેમાં અશ્ર્વેત લોકોની જીવનશૈલી અને તેઓનો કેરલેસ એટીટયૂડ જવાબદાર છે પણ સાથો સાથ તેના તરફનો ભેદભાવ પણ તેટલો જ જવાબદાર છે.
ક્રિસ યંગ: જેમ આપણે ત્યાં દરેક પ્રાંતના કે કોમના લોકો તેમના સમૂહમાં રહેવાનું પસંદ કરે છે તેવી જ રીતે અમેરિકામાં પણ અશ્ર્વેત લોકો (અમેરિકામાં અશ્ર્વેત લોકોને બ્લેક કહીને સંબોધવું તે એક ગુના સમાન છે તેથી તેમને નોન વ્હાઇટ કહેવાય છે). પણ તેઓના ગ્રૂપમાં જ કે લોકોલીટીમાં રહેવાનુ પસંદ કરે છે. આજે અમેરિકામા પણ અશ્ર્વેત લોકો મોટી મોટી પોસ્ટ ઉપર જોવા મળે છે. આ લોકોની સૌથી મહાન કવોલીટી એ છે કે તે લોકો બહુ હિંમતવાન હોય છે અને તેઓમાં નિષ્ફળતા કે નામોશીનો ડર જરા પણ નથી હોતો કારણકે તેઓને ગાડી સાફ કરવાની માંડીને ગાડી મેન્યુફેકચર કરવા સુધીના કોઇ પણ કાણ કરવામાં શરમ નથી હોતી.

આવાજ એક પરિસરમાં ૭ વર્ષીય ક્રિસ યંગ તેની અપંગ વિધવા માની સાથે રહેતો હતો. યંગની મા બેબી સિટિંગ અને અન્ય ઘરગથ્થુ કામ કરીને તેને ભણવાને ઉછેર કરતી હતી, પરંતુ યંગે તેની માને રોજ વ્હિલ ચેરમાં કામે મૂકવા અને લેવા જવું પડતું હતું.

એન્ડરસન: સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીના ગ્રેજયુએટ કોલેરાડોની એક ઇન્વેસ્ટમેન્ટ બૅન્કમાં પ્રેસીડન્ટ હતા. એન્ડરસનનો જન્મ ન્યૂયોર્કના એક અતિધનવાન ગોરા અમેરિકન કુટુંબમાં થયેલો હોય તેને જિંદગીમાં ગરીબી, લાચારી કે વાત્સલય શું છે તેથી સાવ અજાણ હતો. એન્ડરસન સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએટ થયેલ હોય નોકરી શોધવા જવાનો પ્રશ્ર્ન નહોતો. કોલેરાડોની એક પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક પ્રેસિડેન્ટની જોબમાં ઉચ્ચ પગાર અને કિંમતી ૧૨ સીલીડર બ્લેક જગ્વાર એકસકેઇ મોડેલની મોટરકાર પર્ક પેટે આપેલી હતી.

જગ્વારમાં છેદ : એક જ શહેરમાં એક તરફ યંગનું ફેમિલી રહેતું હતું અને બીજી તરફ એન્ડરસનનું. એક મોડી રાત્રે એન્ડરસન તેની બ્લેક જગ્વારમાં ઓફિસેથી ઘરે ફૂલ સ્પીડે જઇ રહ્યો હતો અને જોયું કે એકસપ્રેસ-વેમાં વચ્ચોવચ્ચ એક છોકરો તેને હાથના ઇશારે ગાડી ઊભી રાખવાનો ઇશારો કરી રહ્યો હતો, એન્ડરસનને લાઇફમાં મદદ કોને કહેવાઇ તેની ખબર ના હોય ગાડી પૂરપાટ વેગે ચલાવવા લાગ્યો, યંગે જોયું કે ડ્રાઇવર ગાડી ઊભી રાખે તેમ નથી લાગતું. તેણે હાથમાં એક મોટો પથ્થર લઇ જેવી ગાડી તેના પાસેથી પસાર થઇ ગાડીમાં પથ્થર માર્યો, ગાડી પૂર ઝડપે જઇ રહી હોય પથ્થર બુલેટની જેમ વાગ્યો અને જગ્વારના દરવાજામાં છેદ પડી ગયો.

જગ્વાર સાઇડમાં પાર્ક કરીને એન્ડરસન ગુસ્સાથી લાલચોળ થઇ યંગ પાસે આવ્યોને કહ્યું કે “તને ખબર છે તે મારી ગાડીને કેટલું નુકસાન કર્યું છે? જિંદગીભરની કમાઇમાં પણ આ ગાડી તું ક્યારેય ખરીદી નહીં શકે. યંગની આંખમાં આસું આવી ગયા. તેણે એન્ડરસનને રસ્તાના ઢાળ ઉપર વ્હિલ ચેરમાંથી પડી ગયેલી લોહીલુહાણ મા તરફ આંગળી ચીંધીને જણાવ્યું “સા’બ મારી મા જ મારી જિંદગી છે, કોઇ ગાડીવાળાએ મારી મદદ માટે ગાડી ઊભી ના રાખી ના છૂટકે મારે પથ્થર મારીને તમોને ગાડી ઊભી રાખવા માટે મજબૂર કરવા પડયા, રસ્તો ઢાળવાળો છે અને મારાથી મારી માને વ્હિલ ચેરમાં બેસાડી શકાતી નથી, પ્લીઝ મારી માને વ્હિલ ચેરમાં બેસાડવામાં મદદ કરશો, ભવિષ્યમાં કમાઇને તમારા નુકસાનના પૈસા ચૂકવી દઇશ. એન્ડરસને યંગની માને વ્હિલ ચેરમાં બેસાડવામાં મદદ કરી અને ઢાળ ચડાવી વ્હિલ ચેર યંગને સોંપીને પાર્ક કરેલી તેની ગાડી તરફ ચાલી ગયો.

આ વાતને વર્ષો વિતી ગયાં, યંગ પૈસા ભેગા કરતો ગયો અને જયારે તેને ૨૦,૦૦૦ ડૉલર્સ ભેગા થઇ ગયા ત્યારે એક રવિવારની સવારે એન્ડરસને આપેલા સરનામે તેના ઘેર ગયો, એન્ડરસન યંગને ઓળખી ગયો તેને નાસ્તો કરાવ્યો, જયારે યંગે, ૨૦,૦૦૦ ડૉલર્સ એન્ડરસનના હાથમાં આપ્યા ત્યારે એન્ડરસને પૈસા યંગના ખિસ્સમાં પાછા મુકયા અને કહ્યું કે ચાલ તને જગ્વારમાં રાઉન્ડ પર લઇ જાવું. બન્ને એન્ડરસનના બંગલાના પાર્કિંગ લોટમાં આવ્યા અને યંગને એકદમ આશ્ર્ચર્ય થયું કે જગ્વારનો છેદ તેમનો તેમ જ હતો. “તમે આ છેદ રિપેર કેમ ના કરાવ્યો યંગે પૂછયુ. એન એન્ડરસને જણાવ્યું કે “જયારે તે યંગની માને વ્હિલ ચેરમાં બેસાડીને તેની પાર્ક કરેલી જગ્વાર તરફ આવી રહ્યો હતો ત્યારે તે ડિસટન્ટ તેને હજારો માઇલોનું લાગતું હતુ. મનમાં વિચારતો હતો કે કોઇએ જિંદગીમાં એટલી ઝડપથી આગળ ન ચાલી જવું જોઇએ કે તે કોઇની પરવાહ ના કરે અને કોઇએ પથ્થર મારીને તેનું ધ્યાન દોરવું પડે અને તે આ લેસન જિંદગીભર ના ભૂલે તેના માટે એ છેદ ક્યારેય પુરાવ્યો નથી. આ વાત પછી બન્નેની આંખમાં આંસુ હતા. આપણામાંથી કેટલાક લોકો પણ આ જિંદગીની રેસમાં સફળતાના ગુમાનમાં જીવતા હોયએ છીએ. પછી તે બૌદ્ધિક સફળતા હોય કે નાણાકીય સફળતા હોય તેમાંથી થોડો સમય પણ સ્પેર કરીને કોઇને આપણું જ્ઞાન કે સમજદારીની સેવા તેના રોકાણ કરવાના કે અન્ય કોઇ નિર્ણયોમાં નિસ્વાર્થભાવે આપીશું તો આપણી જીવન નૈયામાંથી છેદ નિવારી શકાશે કે પછી આપણે પણ આપણી ફાસ્ટ જિંદગીની રફતારમાં કોઇ જયારે છેદ પાડશે ત્યારે જ આપણે આત્માનો અવાજ સાંભળીશું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button