મેડિકલ કૉલેજમાં એડ્મિશનને બહાને શિક્ષક સાથે 23 લાખની છેતરપિંડી
થાણે: મુંબઈની પ્રતિષ્ઠિત મેડિકલ કૉલેજમાં પુત્રીને એડ્મિશન અપાવવાને બહાને ભિવંડીના શિક્ષક પાસેથી 23 લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવા પ્રકરણે પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
નારપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ભિવંડીમાં રહેતા અફરોઝ અનવર કુરેશી સાથે ઑગસ્ટ, 2021થી નવેમ્બર, 2022 દરમિયાન કથિત છેતરપિંડી થઈ હતી. કુરેશીની ફરિયાદને આધારે ગુરુવારે પ્રેરણા બનવારીલાલ શર્મા અને કબીર સરકાર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે બન્ને આરોપીએ મુંબઈની મેડિકલ કૉલેજમાં મૅનેજમેન્ટ ક્વોટામાં પુત્રીને એડ્મિશન અપાવવાની ખાતરી કુરેશીને આપી હતી. આરોપીએ એડ્મિશન સંબંધી અમુક બનાવટી દસ્તાવેજો પણ ફરિયાદીને આપ્યા હતા.
જોકે બાદમાં ફરિયાદીની પુત્રીને એમબીબીએસમાં પ્રવેશ ન મળતાં તેણે પૂછપરછ કરી હતી. આ બાબતે કુરેશીએ વારંવાર પૂછતાં આરોપીએ 10 લાખ રૂપિયા પાછા આપ્યા હતા. બાકીની રકમ આપ્યા વિના જ આરોપી કથિત રીતે ગુમ થઈ ગયા હતા. પોતે છેતરાયો હોવાની જાણ થતાં કુરેશીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. (પીટીઆઈ)