સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટમાં નવો અગરવાલ ઊભર્યો, શાસ્ત્રી-સેહવાગના રેકૉર્ડ તોડ્યા અને બે વિશ્વવિક્રમ રચી દીધા

હૈદરાબાદ: એક તરફ હૈદરાબાદમાં ઉપ્પલના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ભારતીય ખેલાડીઓ પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના ખેલાડીઓની ખબર લઈ રહ્યા હતા ત્યાં બીજી તરફ આ જ શહેરમાં નેક્સ્ટજનરેશન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય ક્રિકેટનો નવો અગરવાલ ધમાલ મચાવી રહ્યો હતો.

આપણે બૅન્ગલોરના મયંક અગરવાલથી બહુ સારી રીતે પરિચિત છીએ. 33 વર્ષનો આ બૅટર ભારત વતી 26 ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂક્યો છે. હવે હૈદરાબાદનો 28 વર્ષનો ઓપનિંગ બૅટર તન્મય અગરવાલ ક્રિકેટજગતમાં છવાઈ રહ્યો છે. તેણે હૈદરાબાદમાં રણજી ટ્રોફીની પ્લેટ ગ્રુપની અરુણાચલ પ્રદેશ સામેની મૅચમાં 366 રન બનાવ્યા હતા. શુક્રવારે તે 323 રને નૉટઆઉટ હતો.


આ પહેલાં ક્યારેય કોઈ ભારતીય ક્રિકેટરે એક દિવસમાં 300 રન નહોતા બનાવ્યા. વીરેન્દર સેહવાગે 2009ની સાલમાં શ્રીલંકા સામેની બ્રેબૉર્ન સ્ટેડિયમની ટેસ્ટમાં એક દિવસમાં 284 રન બનાવ્યા હતા અને એ અત્યાર સુધીનો ભારતીય વિક્રમ હતો. તન્મય અગરવાલે શુક્રવારે સેહવાગનો વિક્રમ તોડી નાખ્યો હતો. સેહવાગની એ ઇનિંગ્સ 293 રન પર પૂરી થઈ હતી અને ભારત એક દાવથી જીત્યું હતું.

શુક્રવારે તન્મયે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ટ્રિપલ સેન્ચુરીનો વર્લ્ડ રેકૉર્ડ પણ રચ્યો હતો. માત્ર 147 બૉલમાં 300 રન પૂરા કરીને તેણે સાઉથ આફ્રિકાના માર્કો મારાઇસનો સાત વર્ષ જૂનો વિશ્વવિક્રમ
તોડી નાખ્યો હતો. માર્કોએ 191 બૉલમાં ટ્રિપલ સેન્ચુરી પૂરી કરી હતી.

પ્રથમ કક્ષાની ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો વિશ્વવિક્રમ
ન્યૂ ઝીલૅન્ડના કૉલિન મન્રોના નામે હતો જેણે 2015ની સાલમાં ઑકલૅન્ડ વતી રમીને સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ સામેની મૅચમાં 23 સિક્સર ફટકારી હતી. જોકે તન્મય અગરવાલે એક જ દાવમાં 26 છગ્ગા ફટકારીને મન્રોનો વર્લ્ડ રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે. તેણે અરુણાચલ પ્રદેશ સામેની રણજી ટ્રોફીની પ્લેટ ગ્રુપની મૅચમાં શનિવારના બીજા દિવસે 366 રન બનાવ્યા હતા. શુક્રવારે 147 બૉલમાં 300 રન પૂરા કરીને વિશ્વવિક્રમ રચ્યા બાદ શનિવારે તેની ઇનિંગ્સ તેના 366 રનમા રને પૂરી થઈ હતી. તેણે આ 366 રન 181 બૉલમાં બનાવ્યા હતા જેમાં 26 છગ્ગા ઉપરાંત 34 ફોર પણ હતી.

તન્મય અગરવાલની ટ્રિપલ સેન્ચુરી સમયની દૃષ્ટિએ વિશ્ર્વમાં સેક્ધડ-ફાસ્ટેસ્ટ છે. તેણે 183 મિનિટમાં 300 રન પૂરા કર્યા હતા. વર્લ્ડ રેકૉર્ડ ઇંગ્લૅન્ડના મહાન ક્રિકેટર ડેનિસ કૉમ્પ્ટનના નામે છે જેમણે 1948ની સાલમાં એમસીસી વતી રમીને નૉર્ધર્ન ટ્રાન્સવાલ સામેની મૅચમાં 181 મિનિટ (261 બૉલ)માં ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. તન્મયે 200 રન 119 બૉલમાં પૂરા કર્યા હતા અને બૉમ્બેના રવિ શાસ્ત્રીનો બરોડા સામે 123 બૉલમાં 200 રન બનાવવાનો ભારતીય વિક્રમ તોડી નાખ્યો હતો. વાનખેડેની એ જ મૅચમાં રવિ શાસ્ત્રીએ બરોડાના તિલક રાજની ઓવરના છ બૉલમાં છ સિક્સર ફટકારી હતી.


હૈદરાબાદની રણજી મૅચમાં અરુણાચલ પ્રદેશે પ્રથમ દાવમાં 172 રન બનાવ્યા પછી હૈદરાબાદે તન્મયના 366 રનની મદદથી 615/4ના સ્કોરે દાવ ડિક્લેર કરીને 443 રનની લીડ લીધી હતી. જોકે અરુણાચલ પ્રદેશ પરાજય તરફ જઈ રહ્યું હતું. તન્મય અગરવાલે શુક્રવારે 323 રન બનાવ્યા હતા, પણ બ્રાયન લારાની 1994ની સાલની સિદ્ધિ સુધી નહોતો પહોંચી શક્યો. લારાએ ત્યારે વૉરવિકશર વતી રમીને ડર્હામ સામે એક જ દિવસમાં 390 રન ખડકી દીધા હતા. એ પછી લારા 501 રનના પોતાના સ્કોરે અણનમ રહ્યો હતો અને એક મૅચમાં સૌથી વધુ રન બનાવવાનો વિક્રમ તેના નામે અંકિત થયો હતો.


ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મૅચના એક દિવસમાં કુલ 701 રન બનાવીને હૈદરાબાદ-અરુણાચલ પ્રદેશે રેકૉર્ડ-બુકમાં સ્થાન મેળવ્યું હતું. આ રેકૉર્ડ-બુકમાં 721 રનનો વિશ્વવિક્રમ
છે. 1948માં એસેક્સ અને ઑસ્ટ્રેલિયન્સ વચ્ચેની મૅચમાં એક દિવસમાં 721 રન બન્યા હતા. એક જ ઇનિંગ્સમાં સિક્સર-ફોરમાં સૌથી વધુ રન બનાવવામાં તન્મય હવે લારા પછી બીજા નંબરે છે. તન્મયે હૈદરાબાદની મૅચમાં 366 રનમાંથી 292 રન છગ્ગા-ચોક્કામાં બનાવ્યા હતા. લારાએ 1994માં અણનમ 501 રનવાળી ઇનિંગ્સમાં 308 રન સિક્સર-ફોરમાં બનાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button