ઉજ્જૈનમાં ભાજપના વરિષ્ઠ નેતા અને તેમની પત્નીની તીક્ષ્ણ હથિયારોથી હત્યા….
ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ડબલ મર્ડરની ઘટના બની હતી. ભાજપના નેતા અને તેમની પત્નીની હત્યા કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનના નરવાલ પોલીસ સ્ટેશન વિસ્તાર શનિવારે સવારે જ્યારે પીપલોડા ગામમાં પૂર્વ બીજેપી મંડલ પ્રમુખ રામનિવાસ કુમાવત અને તેમની પત્ની મુન્ની કુમાવતની હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના ગામના લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે પોલીસને ઘટનાની માહિતી મળી ત્યારે ઉચ્ચ અધિકારી અને એક વિશેષ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે બંને હત્યા લૂંટના કારણે થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે.
એસપી સચિન શર્માએ જણાવ્યું હતું કે બીજેપી નેતા રામનિવાસ કુમાવત અને તેમની પત્ની મુન્નીબાઈના મૃતદેહ ઘરના એક રૂમમાંથી મળી આવ્યા હતા. મૃતદેહ લોહીથી ખરડાયેલા હતા અને શરીર પર તિક્ષ્ણ હથિયારના નિશાન હતા. ઘરવખરીનો સામાન પણ વેરવિખેર જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તૂટેલા મળી આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર ગામમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. પોલીસે પણ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી દીધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉજ્જૈન મોકલી દેવામાં આવ્યા છે. તેમજ સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે એક ટીમ પણ બનાવવામાં આવી છે.
એસપીએ એમ પણ જણાવ્યું હતું કે રામનિવાસ તેમની પત્ની સાથે ગામમાં તેના પૈતૃક મકાનમાં રહેતા હતા. જ્યારે તેમનો પુત્ર દેવાસ શહેરમાં રહે છે અને પુત્રીના લગ્ન પણ થઈ ગયા છે. તે દરરોજ મોર્નિંગ વોક માટે જતા હતા પરંતુ આજે તે જોવા ન મળતાં ગામમાં રહેતા એક ઓળખીતા તેમના ઘરે પહોંચી અને મુખ્ય દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. અને રસોડાથી લઈને ઘરના અન્ય રૂમોમાં પણ લોહીના નિશાન દેખાઈ રહ્યા હતા.
રામનિવાસના સાળાએ અંદર જઈને જોયું તો ત્યાં તેની બહેન અને ભાભીના મૃતદેહ પડેલા હતા. તેણે તરત જ પોલીસને જાણ કરી. જ્યારે પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ દરમિયાન આ ઘટના સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે બની હોવાની આશંકા વ્યક્ત કરી હતી.