નેશનલ

એવું તે શું થયું કે કેરળના રાજ્યપાલને રસ્તા પર ધરણા કરવા બેસવું પડ્યું, વડાપ્રધાનને ફોન લગાવ્યો

કેરલમાં એક કાર્યક્રમમાં જતી વખતે રાજ્યપાલ આરિફ મોહમ્મદનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા(SFI)ના સભ્યોએ કાળા ઝંડા બતાવ્યા હતા અને રાજ્યપાલના વિરોધમાં ‘ગો બેક’ ના નારા લગાવ્યા હતા. ત્યાર બાદ નારાજ થયેલા રાજ્યપાલ રસ્તાની બાજુમાં ધરણા પર બેસી ગયા. તેમણે પોલીસ અધિકારીઓને પણ ઠપકો આપ્યો અને પોતાના સાથીદારને કહ્યું કે તેઓ વડાપ્રધાનને ફોન લગાવે અને તેમની સાથે વાત કરાવે.

ઘટનાની જાણકારી મુજબ કોલ્લમના નીલામેલમાં SFIના કાર્યકરોના પ્રદર્શન પછી રાજ્યપાલે તેમની કાર રોકી, કારમાંથી બહાર આવ્યા, નજીકની ચાની દુકાનમાંથી ખુરશી મંગાવી અને રસ્તાની બાજુમાં ધરણા પર બેસી ગયા.
રાજ્યપાલે આરોપ લગાવ્યો કે પોલીસે SFIના કાર્યકરોને કાળા ઝંડા સાથે વિરોધ કરતા રોકવા માટે કાર્યવાહી ન કરી. વીડિયોમાં રાજ્યપાલ તેમના સહયોગી મોહનને કહી રહ્યા છે કે, ‘મોહન,અમિત શાહ સાહેબ સાથે વાત કરાવો, નહીં તો વડાપ્રધાન સાથે વાત કરાવો.’


રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન એક IPS અધિકારીને ઠપકો આપી રહ્યા છે અને અંગ્રેજીમાં કહી રહ્યા છે, ‘ના હું અહીંથી પાછો કેમ જઉં, પોલીસે તેમને (SFI)ને પોલીસ સુરક્ષા આપી. હું અહીંથી નહીં જાઉં, પોલીસ પોતે જ કાયદો તોડશે તો કાયદો કોણ ચલાવશે?”

https://twitter.com/MeghUpdates/status/1751137792934244666?s=20

આ હોબાળ અંગે એક SFI કાર્યકર્તાએ કહ્યું કે, બીજેપી કાર્યાલયમાંથી ભલામણ મળ્યા બાદ સુરેન્દ્રનને કોઈપણ લાયકાત વગર ફરીથી સેનેટમાં ફરી લેવામાં આવ્યા હતા. તેથી, SFI છેલ્લા ઘણા મહિનાઓથી રાજ્યપાલ વિરુદ્ધ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે.

SFI કાર્યકર્તાએ કહ્યું, આજનો વિરોધ તેનો જ એક ભાગ હતો. અમે કોઈપણ સમાધાન માટે તૈયાર નથી. તેઓએ અમને “ગુનેગાર” કહ્યા, તેથી અમે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરીને તેમને અમારા વિરોધની તાકાત બતાવીશું. અમે સંદેશ આપવા માંગીએ છીએ કે SFI કોઈપણ સમાધાન માટે તૈયાર નથી.


ગવર્નર આરિફ મોહમ્મદ ખાનના વિરોધ બાદ હવે પોલીસે SFIના 13 કાર્યકરો વિરુદ્ધ FIR નોંધી છે. તેમની સામે IPCની કલમ 143, 144, 147, 283, 353, 124, 149 હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button