નવી દિલ્હી: કલકત્તા હાઈ કોર્ટના જજ vs જજની ઘટનામાં સુપ્રીમ કોર્ટમાં આજે વિશેષ સુનાવણી કરશે. પશ્ચિમ બંગાળમાં નકલી જાતિ પ્રમાણપત્ર કેસમાં CBI તપાસને લઈને કલકત્તા હાઈ કોર્ટના બે ન્યાયાધીશો વચ્ચે મતભેદ ઉભા થયા હતા. કલકત્તા હાઈ કોર્ટના ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાય દ્વારા અન્ય ન્યાયાધીશ સામે કેટલાક આરોપ લગાવવામાં આવ્યા છે જેના માટે સુપ્રીમ કોર્ટે સુઓમોટો દાખલ કર્યો હતો અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સહિત પાંચ જજોની બેન્ચ સવારે 10.30 ના સમયે કેસની સુનાવણી હાથ ધરશે. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ સિવાય, બેન્ચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝનો સમાવેશ થાય છે.
કલકત્તા હાઈ કોર્ટના જસ્ટિસ અભિજિત ગંગોપાધ્યાયે આદેશ આપ્યો હતો કે બંગાળ પોલીસ નકલી જાતિ પ્રમાણપત્રો દ્વારા મેડિકલ કોલેજોમાં એડમિશન લેવાના મામલાની તપાસ માટે સીબીઆઈને કાગળો કોર્ટમાં જમાં કરાવે પરંતુ હાઈ કોર્ટના બીજા જજ સોમેન સેનની અધ્યક્ષતાવાળી સિંગલ ડિવિઝન બેન્ચે ગંગોપાધ્યાયના આદેશ પર સ્ટે આપ્યો હતો.
આથી જજ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે તૃણમૂલ કોંગ્રેસનું નામ લીધા વગર આરોપ લગાવ્યો છે કે તેમના સહયોગી જજ સોમેન સેન એક રાજકીય પાર્ટી માટે કામ કરી રહ્યા છે. જસ્ટિસ અભિજીતે ડિવિઝન બેંચના સીબીઆઈ તપાસ પર રોક લગાવવાના આદેશ છતાં ફરીથી સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો અને સુપ્રીમ કોર્ટને પણ આ મામલાની તપાસ કરવાની અપીલ કરી હતી. જે બાદ હવે સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરશે.