વડોદરા બોટ કાંડના બે મુખ્ય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા, 9 દિવસના રિમાન્ડ મંજૂર કરતી અદાલત
વડોદરાની ચકચારી ઘટના હરણીકાંડના મુખ્ય આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. બોટ દુર્ઘટનાના મુખ્ય આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શર્મા એમ બંને આરોપીઓના કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
હરણી કાંડના આરોપીઓને પોલીસ પકડની ગંધ આવી જતા તેઓ ઘટના ઘટતાની સાથે જ પોલીસ પકડથી દૂર રહેવા માટે નાસી છૂટ્યા હતા. જેમાં નાસતા ફરતા મુખ્ય આરોપી પરેશ શાહને હાલોલ કાલોલ વચ્ચે એક ચાની લારી પરથી રાત્રે સાડા ત્રણ વાગ્યા આસપાસ પકડી પાડ્યો હતો. જયારે ગોપાલ શાહને છત્તીસગઢનલના રાયપુરની એક રેસ્ટોરન્ટથી ઝડપ્યો હતો.
જો ઘટનાની વાત કરવામાં આવે તો 18 જાન્યુઆરીએ વડોદરાના હરણી તળાવમાં એક બોટ પલ્ટી ગઈ હતી. જેમાં સવાર 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને જવાબદાર લોકો સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બોટિંગ દરમિયાન બેદરકારી બદલ 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી અત્યાર સુધી 9 લોકોની ધરપકડ થઈ છે.
રિમાન્ડ દરમિયાન આરોપીઓ ક્યાં ક્યાં રોકાયા હતા તેમજ ઘટનાને લઈને વિવિધ મુદ્દે પોલીસ તપાસ કરશે અને આ દર્દનાક ઘટનાની કડીઓ જોડશે.