રણબીર કપૂરની રામાયણમાં વિભીષણ બનશે આ કલાકાર! જાણો હનુમાન, કૈકેયી માટે કોની પસંદગી?
બોલીવુડ ડિરેક્ટર નિતેશ તિવારીએ ‘રામાયણ’ બનાવવાની ગત વર્ષે જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે રણબીર કપૂર ‘રામ’ની ભૂમિકા ભજવશે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિની પણ આમાં એન્ટ્રી થઇ શકે છે. તેઓ વિભીષણનું પાત્ર ભજવી શકે છે. જો કે આ મામલે નિતેશ તિવારી અને તેમની ટીમ તરફથી કોઇ કન્ફર્મેશન આવ્યું નથી.
અમુક મીડિયા રિપોર્ટ્સનું સાચું માનીએ તો રણબીર કપૂર ‘રામ’, સાઇ પલ્લ્વી ‘સીતા’, યશ ‘રાવણ’નું પાત્ર ભજવતા જોવા મળશે, આટલુ નક્કી થઇ ગયા બાદ નિતેશ તિવારીએ રાવણના ભાઇ વિભીષણના રોલ માટે વિજય સેતુપતિને એપ્રોચ કર્યો હતો. જો વિજય હા પાડે તો પહેલીવાર યશ અને વિજય સેતુપતિ એકસાથે અભિનય કરતા જોવા મળશે. કાસ્ટિંગ પૂર્ણ થઇ જાય એ પછી તરત જ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ શકે એમ છે.
નિતેશ તિવારી થોડા દિવસો પહેલા જ વિજયને મળ્યા હતા. તેઓ પોતાની સાથે સ્ક્રીપ્ટ પણ લઇને ગયા હતા. નિતેશે જ્યારે આખી વાર્તા સંભળાવી ત્યારે વિજયને વાર્તા ગમી હતી તેવા પણ અહેવાલો મળી રહ્યા છે. જો કે વિજયની ફીને મુદ્દે હજુ પણ વાટાઘાટો ચાલી રહી છે.
નિતેશ તિવારી મોટાપાયે રામાયણ બનાવી રહ્યા છે. તેમણે હનુમાનના રોલ માટે સની દેઓલને અને કૈકેયીના રોલ માટે લારા દત્તાને એપ્રોચ કર્યા છે. તેઓ બોબી દેઓલ પાસે પણ ‘કુંભકરણ’ના રોલ માટે ગયા હતા જો કે બોબીએ એ ભૂમિકા ભજવવાનો ઇનકાર કરી દીધો છે.
‘રામાયણ’ને નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રા પ્રોડ્યુસ કરવાના છે. ફિલ્મ મેકર્સ પ્લાન કરી રહ્યા છે કે વર્ષ 2025ની દિવાળી સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ જાય. ફિલ્મનું પ્રિ-પ્રોડક્શન શરૂ થઇ ચુક્યું છે. કાસ્ટ ફાઇનલ થઇ જાય એ પછી આગળના તબક્કાઓ માટેનું પ્લાનિંગ કરવું શક્ય બનશે.