સ્પોર્ટસ

બે ગુજરાતી ઓલ રાઉન્ડરોએ ઇંગ્લેન્ડની મુશ્કેલી વધારી દીધી

હૈદરાબાદ: રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે કુલ પાંચ વિકેટ લઈને ઇંગ્લેન્ડને પ્રથમ દાવમાં અઢીસો રનની અંદર સીમિત રખાવવામાં મોટું યોગદાન આપ્યું અને શુક્રવારે બૅટિંગમાં પણ પરચો બતાવી 63 રનની અતૂટ ભાગીદારી કરીને ભારતને વિજયની દિશામાં વધુ આગળ મોકલ્યું હતું.
બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે જાડેજા 155 બોલમાં બે સિક્સર અને સાત ફોરની મદદથી બનેલા 81 રને રમી રહ્યો હતો, જ્યારે નવમા નંબર પર રમવા આવેલો અક્ષર 62 બોલમાં એક સિક્સર અને પાંચ ફોરની મદદથી 35 રન બનાવીને નોટ આઉટ હતો. ભારતનો સ્કોર સાત વિકેટે 421 રન હતો એટલે ઇંગ્લેન્ડના 246 રનની સરખામણીમાં ભારતે 175 રનની લીડ લઈ લીધી હતી.

હવે શનિવારના ત્રીજા દિવસે અથવા રવિવારે મેચનું રિઝલ્ટ આવી જશે તો નવાઈ નહીં લાગે.
બીજા દિવસની રમતની શરૂઆતમાં ભારત પ્રવાસી ટીમ થી 127 રન પાછળ હતું અને 175 રનની સરસાઈ સાથે જીતવાની દિશામાં આગળ વધી રહ્યું હતું. જાડેજા અને અક્ષર ટોપ ઓર્ડરના બેટર્સની જેમ રમી રહ્યા હતા.

ઓપનર યશસ્વી જયસ્વાલ (૮૦ રન, ૭૪ બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) ફક્ત ૧૦ રન માટે બીજી ટેસ્ટ સદી અને ચોથા નંબર પર રમેલો કેએલ રાહુલ (૮૬ રન, 123 બૉલ, બે સિક્સર, આઠ ફોર) ૧૪ રન માટે નવમી ટેસ્ટ સેન્ચુરી ચૂકી ગયો હતો.
યશસ્વીને જો રૂટે પોતાના જ બોલમાં કેચઆઉટ કર્યો હતો, જ્યારે રાહુલ નવા સ્પિનર ટોમ હાર્ટલીના બૉલમાં બીજા સ્પિનર રેહાન અહમદના હાથમાં કેચઆઉટ થયો હતો.

શુભમન ગિલે પોતાના 23 રનના સ્કોર પર ફેંકી દીધી હતી, શ્રેયસ ઐયરે 35 અને વિકેટકીપર કેએસ ભરતે ૪૧ રનનું યોગદાન આપ્યું હતું. અશ્વિને રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી.

ટૂંકમાં ભારતે મોટાભાગની વિકેટ અટેકિંગ શોટ મારવાના પ્રયાસમાં ગુમાવી હતી.
ઇંગ્લેન્ડનો સ્પિનર જેક લીચ ફિલ્ડીંગ દરમિયાન ઇજા પામ્યો હતો એટલે તેણે ઓછી બોલિંગ કરી હતી.
ગુરુવારે ઈંગ્લેન્ડની ત્રણ વિકેટ જાડેજાએ, ત્રણ વિકેટ અશ્વિને તેમ જ બે-બે વિકેટ અક્ષર અને બુમરાહે લીધી હતી. શુક્રવારે ઇંગ્લેન્ડના હાર્ટલી તથા રૂટે બે-બે વિકેટ લીધી હતી અને લીચ તથા રેહાને એક-એક ભારતીય પ્લેયરને આઉટ કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button