4 વર્ષની વયે ભરતનાટ્યમ, 13 વર્ષે અભિનય.. હવે પદ્મવિભૂષણનું આ અભિનેત્રીને મળશે સન્માન…
હિન્દી સિનેમાના વિતેલા સમયની જાજરમાન અભિનેત્રી વૈજ્યંતી માલાને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ વિભૂષણ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે ફક્ત 13 વર્ષની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ અભિનેત્રીની સાથે સાથે એક ઉત્કૃષ્ટ નૃત્યાંગના તેમજ ગાયિકા પણ છે.
1936માં ચેન્નઇના એક આયંગર બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા વૈજ્યંતી માલાએ 4 વર્ષની વયથી જ ભરતનાટ્યમ શીખવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે રોમમાં ભરતનાટ્યમનું એક પર્ફોર્મન્સ પણ આપ્યું હતું. તેમના પિતાનું નામ એમ ડી રમન અને માતાનું નામ વસુંધરા દેવી છે. વૈજ્યંતી માલાના માતા વસુંધરા દેવી પણ એક જાણીતા નૃત્યાંગના હતા. વૈજ્યંતી માલાએ કર્ણાટકી સંગીતમાં પણ તેમની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કરી ઘણી નામના મેળવી છે.
તેમણે 13 વર્ષની ઉંમરમાં અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. તેમની પહેલી ફિલ્મ દક્ષિણની હતી જેનું નામ ‘વડકઇ’ હતું. એ પછી તેમણે તમિલ ફિલ્મ ‘જીવિતમ’માં કામ કર્યું હતું. આ બંને ફિલ્મો પછી તેમની પાસે ઘણી ફિલ્મોની ઓફર્સ આવવા લાગી. દક્ષિણમાં સારું એવું કામ કર્યા બાદ તેમણે બોલીવુડમાં વર્ષ 1961માં આવેલી ‘ગંગા-જમના’ ફિલ્મથી પ્રવેશ કર્યો. આ ફિલ્મ બાદ દર્શકોએ તેમને લઇને મિશ્ર પ્રતિભાવો આપ્યા હતા. જો કે ‘સંગમ’ ફિલ્મથી તેઓ લોકપ્રિય થયા હતા. એ પછી બોલીવુડમાં તેમનો કરિયર ગ્રાફ સતત ઉંચે ગયો.
આજે દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 17ને પદ્મભૂષણ અને 100ને પદ્મશ્રીથી નવાજવામાં આવશે. આમાં વૈજ્યંતીમાલા સિવાય, એક્ટર વિજયકાંત, મિથુન ચક્રવર્તી જેવા કલાકારોનો પણ સમાવેશ થાય છે.