Ram mandir: પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું, UNમાં ભારત પર લગાવ્યો ગંભીર આરોપ
ન્યુ યોર્ક: અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, અયોધ્યા ઉપરાંત દેશભરમાં દિવાળી જેમજ ઉજવણી થઇ હતી. હવે રામ મંદિર મુદ્દે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાને યુનાઇટેડ નેશન્સ(UN) ને ભારતમાં ઇસ્લામિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે બુધવારે ન્યૂયોર્કમાં UNના મુખ્યાલયમાં એક બેઠક દરમિયાન આ માંગણી કરી હતી.
આ પહેલા અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને નિંદા કરી હતી. નિવેદનમાં પાકિસ્તાને કહ્યું હતું કે ઉશ્કેરાયેલા ટોળાએ 6 ડિસેમ્બર 1992ના રોજ સદીઓ જૂની મસ્જિદને તોડી પાડી હતી. ભારતની સુપ્રીમ કોર્ટે આ ઘટના માટે જવાબદારોને નિર્દોષ જાહેર કર્યા એ નિંદનીય છે. એ જ જગ્યાએ રામ મંદિરના નિર્માણ માટે પણ મંજૂરી આપવામાં આવી હતી.
પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા અનુસાર મુનીર અકરમે સંયુક્ત રાષ્ટ્ર એલાયન્સ ઓફ સિવિલાઈઝેશનના ઉચ્ચ અધિકારી મિગુએલ એન્જલ મોરાટિનોસને સંબોધીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે ભારતની અયોધ્યામાં તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિરના નિર્માણની પાકિસ્તાન સખત નિંદા કરે છે. ભારત સરકારનું આ વલણ ભારતીય મુસ્લિમોના સામાજિક, આર્થિક અને રાજકીય કલ્યાણ તેમજ પ્રદેશમાં સૌહાર્દ અને શાંતિ માટે ગંભીર ખતરો છે.
યુએનમાં પાકિસ્તાનના રાજદૂતે પત્રમાં જણાવ્યું છે કે ભારતમાં ઇસ્લામ સંબંધિત હેરિટેજ સાઇટ્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની જરૂર છે.
યુએનને લખેલા પત્રમાં મુનીર અકરમે વધુમાં લખ્યું છે કે ભારતમાં મુસ્લિમ ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે તમારા તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવા માટે હું આ પત્ર લખી રહ્યો છું. યુનાઈટેડ નેશન્સે ઈસ્લામ સાથે જોડાયેલા હેરિટેજ સ્થળોનું રક્ષણ કરવા અને ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક લઘુમતીઓના અધિકારોને સુરક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ.
મુનીર અકરમે લખ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ભારતમાં મસ્જિદોને નષ્ટ કરવાના પ્રયાસો અને ધાર્મિક ભેદભાવ દર્શાવે છે. મામલો બાબરી મસ્જિદથી આગળ વધી ગયો છે. ભારતની અન્ય મસ્જિદો પણ આવા જ જોખમોનો સામનો કરી રહી છે.
તમણે લખ્યું કે, દુઃખની વાત છે કે, આ કોઈ અલગ ઘટના નથી. કારણ કે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ સહિત અન્ય મસ્જિદોને પણ વિનાશના જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે.