નેશનલ

પદ્મ પુરસ્કાર જાહેર

નવી દિલ્હી: મુંબઈ સમાચારના માલિક હોરમસજી એન. કામાને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિનના આગલા દિવસે પાંચ પદ્મવિભૂષણ, ૧૭ પદ્મભૂષણ અને ૧૧૦ પદ્મશ્રી અવૉર્ડ્સ વિજેતાઓનાં નામો જાહેર કર્યા હતાં. ભારતનો પ્રથમ સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ વિકસાવનાર યઝદી માણેકશા ઈટાલિયાને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વરિષ્ઠ અભિનેત્રી વૈજયંતીમાલા, સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક સ્વ. બિન્દેશ્ર્વર પાઠક, અભિનેતા કોનિડેલા ચિરંજીવી, ભરત નાટ્યમ નૃત્યકાર પદ્મા સુબ્રમણિયમ સહિત પાંચ જણને પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. મુંબઈ સમાચારના માલિક હોરમસજી એન. કામા, અશ્ર્વિન બાલચંદ મહેતા (મેડિસિન), રામ નાઈક (પબ્લિક અફેર્સ-જાહેર બાબત), તેજસ મધુસૂદન પટેલ (મેડિસિન), કુંદન વ્યાસ (સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ), સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ સ્વ. એમ. ફાતિમા બિવી, અભિનેતા મિથુન ચક્રવર્તી સહિત ૧૭ જણને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

ભારતનો પ્રથમ સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ વિકસાવનાર વિખ્યાત માઈક્રોબાયોલોજિસ્ટ યઝદી માણેકશા ઈટાલિયા, કલ્પના મોરપરિયા (વેપાર અને ઉદ્યોગ), દયાળ માવજીભાઈ પરમાર (મેડિસિન), જગદીશ લાભશંકર ત્રિવેદી (આર્ટ), પ્રથમ મહિલા મહાવત પાર્વતી બરુઆ, પર્યાવરણવાદી ચાર્મી મુર્મૂ, મિઝોરમની સામાજિક કાર્યકર્તા સંગઠાનકિમા, પ્લાસ્ટિક સર્જન પ્રેમા ધનરાજ, આંતરરાષ્ટ્રીય મલખમ કોચ ઉદય વિશ્ર્વનાથ દેશપાંડે, રઘુવીર ચૌધરી (સાહિત્ય અને શિક્ષણ), દક્ષિણ આંદામાનના ઑર્ગેનિક ફાર્મર (સેન્દ્રીય ખેતી) કે. ચેલ્લામસલ, પ્રાચીન મણિપુરી કુંભારકામને જાળવવા પાંચ દાયકા સમર્પિત કરનાર ઉખરુલના લૉન્ગપાઈ પોટર માચિહાન સાસા, પાંચ દાયકામાં ૧૯,૦૦૦ કરતાં પણ વધુ શૉ કરનાર થિયેટર આર્ટિસ્ટ ગાદ્દામ સામૈઆ, ભીલવાડાના બહુરૂપી કલાકાર જાનકીલાલ, ત્રીજી પેઢીના બૂર્રા વીણાવાદક નારાયણપેટ દાસારી કોન્ડાપ્પા, બ્રાસ મરોરી ક્રાફટ્સપર્સન બાબુરામ યાદવ અને ચાઉ માસ્ક મેકર નેપાળચંદ્રા સૂત્રધાર સહિત ૧૧૦ જણને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button