વિકાસકાર્યો જ ચૂંટણીનું બ્યૂગલ બનશે: મોદી
બુલંદશહેર: લોકસભાની ચૂંટણી અગાઉ શ્રેણીબદ્ધ પ્રોજેક્ટ લૉન્ચ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે હું માત્ર વિકાસનું જ બ્યૂલગ વગાડું છું અને દેશના લોકો જ મારા માટે ચૂંટણીનું બ્યૂગલ વગાડશે.
રૂ. ૧૯,૧૦૦ કરોડના વિકાસના પ્રોજેક્ટની શિલારોપણ વિધિ અને ઉદ્ઘાટન કર્યા બાદ બુલંદશહેરમાં એક સભાને સંબોધન કરતાં
મોદીએ કહ્યું હતું કે જ્યારે સરકાર પોતાની યોજનાના તમામ લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડે છે ત્યારે ભેદભાવ કે ભ્રષ્ટાચારનો કોઈ અવકાશ નથી રહેતો.
આ જ સાચી સાંપ્રદાયિકતા અને સામાજિક ન્યાય છે, એમ તેમણે કહ્યું હતું. મોદી પ્રામાણિકતાપૂર્વક તમારી સેવા કરી રહ્યા હોવાને કારણે જ અમારી સરકારના શાસન અંતર્ગત પચીસ કરોડ કરતા પણ વધુ લોકો ગરીબીની રેખાથી ઊપર આવી ગયા છે અને જે બાકી રહી ગયા છે એ લોકોને પણ આશા છે કે જલદી જ તેઓ ગરીબીની રેખાની ઊપર આવી જશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે તમે જ મારો પરિવાર છો, તમારું સપનું જ મારો સંકલ્પ છે અને એટલે જ જ્યારે તમારા જેવો સામાન્ય પરિવાર મજબૂત બને છે ત્યારે એ જ મારી સાચી મૂડી બની રહે છે.
‘મોદી કી ગૅરેન્ટી’ અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે અમારી સરકાર જે કહે છે તે કરે છે. સરકારી યોજનાઓનો લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચે એ જ અમારો આશય છે.
જ્યારે સરકારી યોજનાઓનો લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચે છે ત્યારે ભેદભાવ કે ભ્રષ્ટાચારનો કોઈ અવકાશ નથી રહેતો, એમ તેમણે કહ્યું હતું.
દેખીતી રીતે જ કૉંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે દેશ આઝાદ થયા બાદ કોઈએ લાંબા સમય સુધી ‘ગરીબી હટાવો’નું સૂત્ર આપ્યું હતું અને કોઈ સામાજિક ન્યાય અંગે જૂઠું બોલતું હતું પરંતુ, દેશના ગરીબ લોકોએ જોયું કે અમુક પરિવારો જ માલદાર થયા અને તેમનું રાજકારણ ચાલતું રહ્યું.
આ પ્રોજેક્ટના લૉન્ચિંગ સાથે હું ચૂંટણીનું બ્યૂગલ ફૂંકીશ એવો અમુક ચેનલોએ દાવો કર્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
મોદી બુલંદશહેરથી ચૂંટણીનું રણશિંગું ફૂંકશે એવા પ્રસારમાધ્યમના અહેવાલ અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે મોદી વિકાસનું બ્યૂગલ વગાડે છે. લાઈનમાં ઊભા રહેલા છેલ્લા માણસના કલ્યાણ માટે મોદી બ્યૂગલ વગાડે છે. મોદીને અગાઉ પણ ચૂંટણીનું બ્યૂગલ વગાડવાની જરૂર નહોતી પડી ને ભવિષ્યમાં પણ નહીં પડે. દેશના લોકો જ મારા માટે ચૂંટણીનું બ્યુગલ વગાડશે, એમ તેમણે કહ્યું હતું.
અન્ય લોકોને પોતાના માટે બ્યૂગલ વગાડવાની જરૂર પડે છે. મોદી એ બધા માટે સમય વેડફતા નથી. (એજન્સી)