ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ડૉલર ઈન્ડેક્સ સામે રૂપિયામાં જોવા મળેલી નરમાઈ સામે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. વધુમાં આજે મોડી સાંજે અમેરિકાનાં જીડીપીના ડેટાની જાહેરાત અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પર ટ્રેડરોની નજર હોવાથી ટ્રેડરોએ સાવચેતીનો અભિગમ અપનાવતા ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને અંતે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૧૧ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૨ના બંધ સામે ૮૩.૧૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૪ અને ઉપરમાં ૮૩.૦૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે એક પૈસાના સુધારા સાથે ૮૩.૧૧ના મથાળે બંધ રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેકસ ગઈકાલના બંધ સામે ૦.૦૬ ટકા ઘટીને ૧૦૩.૧૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૩૨ ટકાના ઉછાળા સાથે બેરલદીઠ ૮૧.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ૩૫૯.૬૪ પૉઈન્ટ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ઘટીને ૧૦૧.૩૫ પૉઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. વધુમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૬૯૩૪.૯૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો સીમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.