આમચી મુંબઈ

પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રજાસત્તાક દિનને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ગુરુવાર રાતથી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે પોલીસ વિભાગના હજારો કર્મચારી-અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. તો વાહનવ્યવહારના નિયમન માટે ટ્રાફિક પોલીસ પણ તહેનાત રહેશે. બીજી તરફ મહત્ત્વનાં સ્થળો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે, જ્યારે ઠેરઠેર નાકાબંધી અને
કોમ્બિંગ ઓપરેશન પણ હાથ ધરાશે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોઇ સ્થાનિક પોલીસની સાથે આર્મ્સ ફોર્સ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, સ્પેશિયલ બ્રાન્ચ, ક્રાઇમ બ્રાન્ચ તેમ જ હોમગાર્ડ પણ તહેનાત રહેશે.

શહેરના મહત્ત્વનાં સ્થળો, મૉલ્સ વિગેરે ખાતે સીસીટીવી કેમેરા ઉપરાંત સાદાવેશમાં પોલીસકર્મીઓ દ્વારા નજર રાખવામાં આવશે. એ જ પ્રમાણે ગિરદીના સ્થળો પર બીડીડીએસ (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ)ના જવાનો નજર રાખશે. શહેરની દરેક હોટેલ, લોજ, ગેસ્ટ હાઉસમાં પણ તપાસ કરવામાં આવશે. દરમિયાન દારૂ પીને વાહન હંકારનારા અને પુરપાટ વેગે વાહન ચલાવનારા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાનું અને સાવધાન રહેવાનું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે.

પરેડ માટે દાદરમાં ટ્રાફિકમાં ફેરફાર
મુંબઈ ટ્રાફિક પોલીસે શુક્રવારે શિવાજી પાર્ક મેદાનમાં યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડ માટે દાદરની આસપાસના રસ્તા પર પ્રતિબંધો જારી કર્યા છે. આ નિયંત્રણો સવારે છ વાગ્યાથી બપોર સુધી અમલમાં રહેશે.

રસ્તાઓ બંધ અને વાહનો માટે વન-વે:
૧) એનસી કેલકર રોડ અને કેલુસ્કર
રોડ ગડકરી જંકશનથી દક્ષિણ અને ઉત્તર જંકશન સુધી બંધ રહેશે.

૨) કેલુસ્કર રોડ (દક્ષિણ) પૂર્વ-બાજુના વાહનોના ટ્રાફિક માટે વન-વે રહેશે એટલે કે વીર સાવરકર રોડથી આવતા ટ્રાફિકને આ રસ્તેથી આવવા દેવામાં આવશે નહીં.
૩) મીનાતાઈ ઠાકરે પ્રતિમાથી જમણો વળાંક લઇ કેલુસ્કર રોડ (ઉત્તર) પર પશ્ર્ચિમ તરફ આગળ વધતા ટ્રાફિક માટે વન-વે રહેશે.

૪) એસકે બોલે રોડ સિદ્ધિવિનાયક જંકશનથી પોર્ટુગીઝ ચર્ચ જંકશન સુધીનો વન-વે રહેશે.

૫) વીર સાવરકર રોડ સિદ્ધિવિનાયક જંકશનથી યસ બૅન્ક સુધી ટ્રાફિક માટે બંધ રહેશે.

૬) સિદ્ધિવિનાયક જંક્શનથી વીર સાવરકર રોડ થઈને આગળ વધતો ટ્રાફિક એસકે બોલે રોડ પર જમણો વળાંક લેશે- ડાબે વળાંક પોર્ટુગીઝ ચર્ચ- ગોખલે રોડ– ગડકરી જંક્શન– એલજે રોડ– રાજા બડે ચોકથી પશ્ર્ચિમ ઉપનગરો તરફ આગળ વધશે.

૭) યસ બેંક જંકશનથી સિદ્ધિવિનાયક જંકશન સુધી વાહનો માટે પ્રવેશ પ્રતિબંધિત છે. વાહનચાલકોએ યસ બેંક જંક્શન પર ડાબો વળાંક લઇ -શિવાજી પાર્ક રોડ નંબર ૫-પાંડુરંગ નાઈક રોડથી -રાજા બડે ચોક પર જમણે વળાંક લઈને-એલજે રોડ-ગડકરી જંક્શન પર આગળ વધીને પછી ગોખલે રોડ થઈને દક્ષિણ મુંબઈ તરફ આગળ વધવું

  • પાર્કિંગ નહીં:
    ૧) કેલુસ્કર રોડ (મુખ્ય, દક્ષિણ અને ઉત્તર તરફ)
    ૨) લેફ્ટનન્ટ દિલીપ ગુપ્તે રોડ કેલુસ્કર રોડ (ઉત્તર) થી પાંડુરંગ નાઈક રોડ.
    ૩) પાંડુરંગ નાઈક રોડ, (રોડ નંબર ૫).
    ૪) એનસી કેલકર રોડ ગડકરી ચોકથી કોટવાલ ગાર્ડન સુધી.
    ૫) સંત જ્ઞાનેશ્વર રોડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button