મેટિની

આઇકોનિક ફિલ્મ ડિરેક્ટર મહબૂબ ખાનનીક્યારેય ન સાંભળી હોય તેવી વાતો

ફોકસ – કૈલાશ સિંહ

મહેબૂબ ખાનને હંમેશાં ‘મધર ઈન્ડિયા’ના ડિરેક્ટર તરીકે યાદ કરવામાં આવશે, જે શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ કેટેગરીમાં એકેડેમી એવોર્ડ (ઓસ્કાર) માટે નામાંકિત થનારી પ્રથમ ભારતીય ફિલ્મ હતી. ફિલ્મ અને તેના ડિરેક્ટર હંમેશાં સિનેમા પ્રેમીઓ માટે આઇકોનિક રહ્યા છે. કારણ કે આ ફિલ્મમાં વર્ગ સંઘર્ષને નેહરુના સમાજવાદના સ્વાદ સાથે રજૂ કરવામાં આવ્યો હતો અને આ ફિલ્મે ભારતીય સિનેમાને વિશ્ર્વના નકશા પર મજબૂત રીતે સ્થાપિત કર્યું હતું. ભારતીય સિનેમાનો ઈતિહાસ કાલાતીત ક્લાસિક ‘મધર ઈન્ડિયા’ વિના અધૂરો છે અને આ ફિલ્મ વિશ્ર્વમાં ભારતીય સિનેમાને વ્યાખ્યાયિત કરે છે, એમ ફિલ્મ વિવેચક રાજીવ મસંદ અને ગીતકાર જાવેદ અખ્તર કહે છે. આ ફિલ્મ માત્ર એક વોટથી એકેડેમી એવોર્ડ હારી ગઈ હતી પરંતુ ૫ ફિલ્મફેર એવોર્ડ્સ અને બે નેશનલ એવોર્ડ જીત્યા હતા.

પરંતુ મહેબૂબ ખાનનો વારસો એટલો વિશાળ છે કે તેને માત્ર એક ફિલ્મ સુધી સીમિત ન રાખી શકાય, જે તેની અગાઉની એક ફિલ્મની રિમેક હતી. તેમણે લગભગ ૨૦ ફિલ્મો બનાવી, જેમાંથી મોટાભાગની ફિલ્મો વિવિધ કારણોસર સીમાચિહ્નરૂપ છે, જેમ કે ‘ઔરત’ (૧૯૪૦), જેને ‘મધર ઈન્ડિયા’ તરીકે ફરીથી બનાવવામાં આવી હતી જે મહિલા કેન્દ્રિય ભારતની પ્રથમ ફિલ્મ હતી.

‘અંદાજ’ (૧૯૪૦) જેણે ભારતીય ફિલ્મોમાં પ્રણય ત્રિકોણનો પાયો નાખ્યો અને જેમાં દિલીપ કુમાર અને રાજ કપૂરે પહેલી અને છેલ્લી વખત સાથે કામ કર્યું, ‘આન’ (૧૯૫૨) જે ભારતની પ્રથમ સંપૂર્ણ રંગીન ફિલ્મ હતી અને ‘અમર’ (૧૯૫૪) જેમાં દિલીપ કુમારનું પાત્ર એક શિક્ષિત અને સંસ્કારી વકીલ હોવા છતાં અને એક સ્ત્રીને પ્રેમ કરતો હોવા છતાં વરસાદમાં પલળેલી ગામડાની મહિલા (નિમ્મી) ની જુવાની જોઈને પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકતો નથી અને તેના પર બળાત્કાર કર્યા પછી જીવનભર પસ્તાવો રહે છે.

હીરોમાં આવી માનવીય નબળાઇઓ બતાવવાની હિંમત તો ડિરેક્ટર અને એક્ટરો ૨૧મી સદીમાં પણ કરી શકતા નથી. મહેબૂબ ખાન ‘અમર’ને પોતાની શ્રેષ્ઠ ફિલ્મ માનતા હતા. રમઝાન ખાન તરીકે મહેબૂબ ખાનનો જન્મ ૯ સપ્ટેમ્બર ૧૯૦૭ના રોજ બરોડા નજીકના એક નાનકડા ગામ બિલીમોરમાં પોલીસ કોન્સ્ટેબલના પરિવારમાં થયો હતો. મહેબૂબ ખાનનો પરિચય ટૂરિંગ સિનેમા દ્વારા સિનેમાની દુનિયામાં થયો હતો.

જ્યારે તેણે નજીકના શહેરોમાં એક-બે ફિલ્મ જોવા જવાનું શરૂ કર્યું ત્યારે તેને ખાતરી થઈ ગઈ કે તેનો જન્મ હીરો બનવા માટે થયો છે. તેથી ૧૬ વર્ષની ઉંમરે તે ઘરેથી ભાગી ગયા અને બોમ્બે (હવે મુંબઈ) પહોંચ્યા, પરંતુ તેમના પોલીસકર્મી પિતાએ તેમને શોધી કાઢ્યા અને તેમને પાછા લઈ ગયા. તેમના પિતાએ તેમને બળજબરીથી બાળલગ્ન કરાવ્યા જેથી તેઓ ફરીથી બોમ્બે ભાગી જવાનો પ્રયાસ ના કરે. આ લગ્નથી તેમને ત્રણ પુત્રો થયા.

પરંતુ ૨૩ વર્ષની ઉંમરે મહેબૂબ ખાન ફરી એકવાર પોતાનાં સપનાં પૂરાં કરવા માટે બોમ્બે ભાગી ગયા અને તે સમયે તેમના ખિસ્સામાં માત્ર ૩ રૂપિયા હતા. શરૂઆતમાં તેમણે ઈમ્પિરિયલ ફિલ્મ કંપનીમાં કેટલીક ભૂમિકાઓ નિભાવી હતી. ૧૯૩૧માં દિગ્દર્શક અર્દેશિર ઈરાનીએ તેમને ભારતની પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમ આરા’માં હીરો તરીકે કાસ્ટ કરવા સંમતિ આપી, પરંતુ તેઓ માસ્ટર વિઠ્ઠલ સામે હારી ગયા. ૧૯૩૧ અને ૧૯૩૫ ની વચ્ચે મહેબૂબ ખાને સાગર મૂવીટોન પ્રોડક્શન્સની ફિલ્મોમાં હીરો બનવાનો પ્રયાસ કર્યો પરંતુ સહાયક અભિનેતાની ભૂમિકાઓથી સંતોષ માનવો પડ્યો. જો કે, ૧૯૩૫માં તેમને તેમનો પહેલો મોટો બ્રેક મળ્યો એક હીરો તરીકે નહીં પરંતુ એક ડિરેક્ટર તરીકે અને આ ફિલ્મ હતી ‘અલ હિલાલ’ અથવા ‘ધ જજમેન્ટ ઓફ અલ્લાહ’, જે રોમન-અરબ સંઘર્ષ પર આધારિત એક્શન ફિલ્મ છે. આ ફિલ્મને એપિક બનાવવા માટે મહેબૂબ ખાન ડેમિલ્લા ઓફ ઇન્ડિયન સિનેમા’ તરીકે પણ જાણીતા થયા. મહેબૂબ ખાને બાદમાં દેવદાસ પર આધારિત ‘મનમોહન’ (૧૯૩૬), ‘જાગીરદાર’ (૧૯૩૭) અને ‘એક હી રાસ્તા’ (૧૯૩૯)નું નિર્દેશન કર્યું હતું.

આ રીતે તેઓ એક એવી ફિલ્મો બનાવવા માટે જાણીતા થયા કે જે સામાજિક માન્યતાઓ અને તેમની ‘મિટ્ટી કી સંતાન’ને પ્રદર્શિત કરતી હતી. સાથે જ વ્યવસાયિક રીતે આ ફિલ્મો સફળ પણ રહેતી હતી. મહેબૂબ ખાને તેમની શરૂઆતની કારકિર્દીમાં બનાવેલી સૌથી મહત્ત્વપૂર્ણ ફિલ્મ ‘ઔરત’ (૧૯૪૦) હતી, જેમાં એક ખેડૂતનો તેની જમીન પ્રત્યેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં સરદાર અખ્તર મુખ્ય ભૂમિકામાં હતી, જેની સાથે મહેબૂબ ખાને બે વર્ષ પછી લગ્ન કર્યા અને એક પુત્ર સાજીદ ખાન (જેનું તાજેતરમાં અવસાન થયું)ને દત્તક લીધો હતો.
૧૯૪૨ માં જ તેમણે મહેબૂબ પ્રોડક્શનની સ્થાપના ‘હસીયા-હથૌડી’ના લોગો સાથે કરી હતી. તેથી તેમની ફિલ્મ ‘રોટી’ (૧૯૪૨)એ કામદારો અને નાણાં ધીરનાર વચ્ચેની અસમાનતા પર કેન્દ્રિત હતી. તેના ૧૨ વર્ષ પછી એટલે કે ૧૯૫૪માં તેમણે પોતાના પ્રખ્યાત મહેબૂબ સ્ટુડિયોની સ્થાપના કરી હતી.

મહેબૂબ ખાન પંડિત જવાહરલાલ નેહરુ અને તેમના સમાજવાદને ખૂબ પસંદ કરતા હતા. આ પ્રેમ કેટલે અંશે હતો? આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે તેમણે ૨૭ મે ૧૯૬૪ના રોજ રેડિયો પર નેહરુના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો અને બીજા દિવસે એટલે કે ૨૮ મે ૧૯૬૪ના રોજ તેમની આંખો કાયમ માટે બંધ થઈ ગઈ. તેમને મુંબઈના મરીન લાઈન્સના બડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button