શીર્ષક ગાથા: નામ મેં ક્યા રખા હે?
શીર્ષક અને ફિલ્મ્સના વિષયની વિરોધી જુગલબંધીના જાણવા જેવા પ્રયોગ
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
(ભાગ – ૨)
ફિલ્મ્સનાં શીર્ષક કંઈક સૂચવે અને ફિલ્મની કથાવસ્તુ કંઈક બીજી જ હોય તેવી અમુક ભારતીય એક્શન ફિલ્મ્સના કિસ્સાઓની આપણે ગયા સપ્તાહે વાત કરી, પણ ફિલ્મમેકર્સના આવા પ્રયોગોના કિસ્સાઓ તો ઘણા છે.
અમેરિકન ફિલ્મ્સ અને અન્ય જોનરમાં પણ ફિલ્મનાં શીર્ષક વાર્તાથી કંઈક અલગ અને રમતિયાળ અપાયાના અનેક ઉદાહરણ છે.
‘ધ અકાઉન્ટન્ટ’ ૨૦૧૬માં રિલીઝ થયેલી આ ફિલ્મના નામ પરથી શું લાગે છે? ફિલ્મ કોઈ અકાઉન્ટન્ટની વ્યવસાયિક જિંદગી પર કે ફાયનાન્સની વાત પર હશે એવું લાગે, પણ ના, ફિલ્મ છે હાડોહાડ એક્શન થ્રિલર. ગુનાઓ અને આતંકવાદની દુનિયા પરની આ ફિલ્મમાં ઓટિઝમની બીમારીથી ઝૂઝતો એકાઉન્ટન્ટ ક્રિશ્ર્ચન અમુક ખતરનાક ગુનેગારોને પૈસા આપે છે અને પછી ફસાય છે. ગેવિન ઓકોનર દિગ્દર્શિત આ ફિલ્મની એક્શન ખૂબ જ વખણાઈ છે. બેન એફલેક ફિલ્મમાં નાયકનું પાત્ર ભજવે છે. મતલબ અમેરિકામાં પણ મેઇનસ્ટ્રીમ ફિલ્મ્સમાં શીર્ષક સાથે પ્રયોગો થયા છે.
હજુ એક આવું જ રસપ્રદ ઉદાહરણ એટલે ફિલ્મ ‘સોલ્ટ’ (૨૦૧૦). હા, સોલ્ટ એટલે મીઠું એ આપણને સૌને ખબર છે.
હવે આવા નામવાળી ફિલ્મનું પોસ્ટર કે ટ્રેલર-પ્રોમો જોયા વિના જો કોઈને પૂછવામાં આવે કે આ નામ શું દર્શાવે છે તો આપણને એમ જ થાય કે હશે મીઠાના મહત્ત્વ કે ગેરફાયદાઓની વાત… પણ ના, આ ફિલ્મ પણ એક સ્પાય એજન્ટ એક્શન ફિલ્મ છે. ફિલિપ નોયસ દિગ્દર્શિત ફિલ્મ ‘સોલ્ટ’માં એન્જેલિના જોલીનું પાત્ર એવલીન સોલ્ટ અમેરિકી સંસ્થા ‘સીઆઈ’એ માટે કામ કરે છે. બસ, એની અટક સોલ્ટ હોવાથી ફિલ્મનું શીર્ષક ‘સોલ્ટ’ રાખવામાં આવ્યું હતું. દર્શકો આવી ચીજ પર ધ્યાન આપે અને એમ વિચારે કે શીર્ષક આવું હશે તો ફિલ્મ કેવી હશે અને જોવા આવે એ હેતુથી આવા પ્રયોગો થતા હોય છે.
તમને ‘બેબી ડ્રાઇવર’ (૨૦૧૭) ફિલ્મ વિશે જાણ છે? ન હોય તો વહેલામાં વહેલી તકે જોઈ લેવી. બહુ જ મનોરંજક ફિલ્મ છે ‘બેબી ડ્રાઇવર’… પણ એ છે શાના પર?
હોલીવૂડમાં ‘બેબીઝ ડે આઉટ’, ‘થ્રિ મેન એન્ડ અ બેબી’, ‘હોમ અલોન’ જેવી બાળકોને લઈને કોમેડી ફિલ્મ્સ આવી છે. બેબી ડ્રાઇવર’ પણ એ જ વર્ગનું નામ હશે એમ દર્શકોને લાગે, પણ શીર્ષકની આ
રમતમાં આપણે ફરી ખોટા પડીએ છીએ, કેમ કે આ ફિલ્મ પણ એક્શન ફિલ્મ જ છે. ફિલ્મમાં બેન્ક લૂંટ કરતી એક ટોળીને એક હોશિયાર કિશોર કારમાં ભગાડવામાં મદદ કરે અને એમાં જ એ સૌ અંદરોઅંદર બાખડી પડે એવી વાર્તા છે. જાણીતા દિગ્દર્શક એડગર રાઈટની આ ફિલ્મમાં લૂંટારુ ટોળી કિશોર માઇલ્સને ‘બેબી’ તરીકે સંબોધે છે, જે એક અફલાતૂન ડ્રાઇવર છે, પણ આપણને ફિલ્મમાં શું છે એ જોયા વિના જરા સરખો પણ અંદાજ ન આવે કે આવા શીર્ષકવાળી ફિલ્મ એક જોરદાર એક્શન ફિલ્મ હશે.
ચાલો, હવે પાછા ફરીએ ભારતીય ફિલ્મ્સના કિસ્સાઓ પર. વિક્રમાદિત્ય મોટવાણે દિગ્દર્શિત ‘લૂંટેરા’ (૨૦૧૩) ફિલ્મ પણ આ યાદીમાં સામેલ કરી શકાય, પણ અહીં શીર્ષકની આપણે જે વાત કરી રહ્યા હતા એમાં જોનરની ઊલટસૂલટ થાય છે.
દર્શકોને શીર્ષક પરથી ફિલ્મ લૂંટફાટ કે મારામારી પર હશે એવું લાગે, પણ ફિલ્મ એક રોમેન્ટિક પિરિયડ ડ્રામા છે. હા, ફિલ્મમાં એક પાત્ર ચોરીનું કામ કરે છે, પણ ફિલ્મ જે મુખ્ય વાત કહેવા માગે છે એ પ્રેમને લગતી છે.
આ જ રીતે અમિત માસૂરકર દિગ્દર્શિત ‘ન્યૂટન’ (૨૦૧૭ ) સાથે પણ શીર્ષકની અસમંજસનો આ અખતરો કરવામાં આવેલો છે.
ફિલ્મનું શીર્ષક સાંભળીએ ત્યારે આપણને થાય કે ચોક્કસ જ ફિલ્મ વિજ્ઞની સર આઇઝેક ન્યૂટન વિશે હશે. પછી આપણે ફિલ્મનું પોસ્ટર કે ટ્રેલર જોઈએ ત્યારે ખબર પડે કે ફિલ્મ તો ભારતીય ચૂંટણી પદ્ધતિ પર છે. એ પછી પણ આપણા મનમાં સવાલ રહી જાય કે તો પછી ફિલ્મનું નામ ‘ન્યૂટન’ કેમ રાખવામાં આવ્યું હશે. હકીકતે ફિલ્મના મુખ્ય પાત્રનું નામ છે નૂતન, પણ એને સૌ ન્યૂટન કહીને બોલાવે છે. આ કારણથી શીર્ષકમાં પણ એ જ શબ્દ છે.
૨૦૧૨માં આવેલી અનુરાગ બાસુ દિગ્દર્શિત ‘બરફી’ ફિલ્મ પણ ‘ન્યૂટન’ જેવી જ શીર્ષક ગાથા ધરાવે છે. બરફી એટલે તો મીઠાઈનું નામ પણ ફિલ્મમાં એવું કશું છે નહીં. ફિલ્મ તો એક રોમેન્ટિક કોમેડી છે, પણ જેમણે ફિલ્મ જોઈ હશે એમને ખ્યાલ જ હશે કે અહીં પણ ‘ન્યૂટન’ જેવો જ કિસ્સો છે. ‘બરફી’માં પણ મુખ્ય પાત્રના નામમાં ફેરફારની વાત જ આવે છે. હકીકતમાં રણબીર કપૂરના પાત્રનું આ નામ છે મર્ફી, પણ એ સરખું બોલી ન શકતો હોઈને બરફી’ બોલે છે અને એમાંથી જ સર્જાયું આ શીર્ષક…
શીર્ષક કંઈક અને ફિલ્મનો વિષય કંઈક એવાં આ ઉદાહરણો ઉપરાંત એવાં પણ શીર્ષકના ઉદાહરણો છે કે જેના પરથી તમે નક્કી જ ન કરી શકો કે ફિલ્મમાં હશે શું… જેમકે ૨૦૧૫માં રિલીઝ થયેલી શૂજિત સરકારની ફિલ્મ ‘પીકુ’. નામ પરથી આપણે કશું જ તારણ ન કાઢી શકીએ કે ફિલ્મનો વિષય શું હશે. જયારે પોસ્ટર અને ટ્રેલર જોઈએ ત્યારે સમજાય કે બાપ- દીકરીના સંબંધ પરની આ ફિલ્મમાં દીકરીનું નામ છે પીકુ. આ જ રીતે ૨૦૧૪માં આવેલી રાજકુમાર હીરાનીની આવા જ નામવાળી ફિલ્મ ‘પીકે’ને પણ આ પ્રકારમાં યાદ કરી શકાય. ફિલ્મ લગભગ સૌએ જોઈ હશે ને એમને ખબર જ હશે કે ફિલ્મમાં કઈ રીતે શીર્ષક સાથે સંધાન કરવામાં આવે છે. રાજકુમાર હીરાનીએ આ પ્રયોગ એકથી વધુ વખત કર્યો છે. એમની જ ફિલ્મ ‘૩ ઈડિયટ્સ’ (૨૦૦૯ ) પણ અહીં સામેલ કરવી પડે. ફિલ્મ શીર્ષક પરથી ૩ મિત્રોની કોમેડી ફિલ્મ લાગે. હા, એ અહીં છે પણ ખરી. જો કે એ સાથે જે મુખ્ય ગંભીર વિષય પર ફિલ્મ વાત કરે છે તેનો શીર્ષકમાં પડછાયો પણ નથી.
દિબાકર બેનર્જીની ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર’ (૨૦૨૧)માં આ શીર્ષક ગાથા અલગ પ્રકારે છે. અહીં શીર્ષકમાં અપાયેલાં નામમાં દર્શકો માટે કોયડો છે. શીર્ષકમાં જેમ લાગે છે એ પ્રકારે પાત્રોના નામ છે નહીં ફિલ્મમાં… તો છે શું?
આ મસ્ત ફિલ્મ જાતે જોઈને તપાસ કરવા જેવી છે. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ અભિનિત અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં પણ આ જ વાત છે. શીર્ષક સ્વાભાવિક રીતે જ ૧૯૯૮ ની ડેવિડ ધવનની અમિતાભ અને ગોવિંદાની કોમેડી ફિલ્મનું વાપરવામાં આવ્યું છે એટલે દર્શકોને એમ થાય કે આ ફિલ્મ પણ કોમેડી ફિલ્મ જ હશે… પણ ના, આ ફિલ્મ એક એક્શન ફિલ્મ છે.
જો કે દર્શકો શીર્ષકના આવા અખતરાઓથી પ્રભાવિત પણ થઈ શકે છે અને તેનાથી દૂર પણ ભાગી શકે છે, છતાં દિગ્દર્શકો પોતાના પર વિશ્ર્વાસ રાખીને આવા પ્રયોગો કરતા રહે છે.
લાસ્ટ શોટ
‘લૂંટેરા’ જાણીતા લેખક ઓ હેન્રીની ટૂંકી વાર્તા ‘ધ લાસ્ટ લીફ’ પરથી બનાવવામાં આવી છે.