પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રજાસત્તાક દિનને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ગુરુવાર રાતથી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે પોલીસ વિભાગના હજારો કર્મચારી-અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. તો વાહનવ્યવહારના નિયમન માટે ટ્રાફિક પોલીસ પણ તહેનાત રહેશે. બીજી તરફ મહત્ત્વનાં સ્થળો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે, જ્યારે ઠેરઠેર નાકાબંધી અને કોમ્બિંગ ઓપરેશન પણ હાથ ધરાશે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોઇ સ્થાનિક પોલીસની સાથે આર્મ્સ ફોર્સ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, સ્પેશિયલ બ્રાન્ચ, ક્રાઇમ બ્રાન્ચ તેમ જ હોમગાર્ડ પણ તહેનાત રહેશે.
શહેરના મહત્ત્વનાં સ્થળો, મૉલ્સ વિગેરે ખાતે સીસીટીવી કેમેરા ઉપરાંત સાદાવેશમાં પોલીસકર્મીઓ દ્વારા નજર રાખવામાં આવશે. એ જ પ્રમાણે ગિરદીના સ્થળો પર બીડીડીએસ (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ)ના જવાનો નજર રાખશે. શહેરની દરેક હોટેલ, લોજ, ગેસ્ટ હાઉસમાં પણ તપાસ કરવામાં આવશે. દરમિયાન દારૂ પીને વાહન હંકારનારા અને પુરપાટ વેગે વાહન ચલાવનારા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાનું અને સાવધાન રહેવાનું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે.