સ્પિન-ત્રિપુટી પછી યશસ્વીએ બ્રિટિશરોની ખબર લઈ નાખી
હૈદરાબાદ: બેન સ્ટૉક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડના ખેલાડીઓ ‘બૅઝબૉલ’ તરીકે ઓળખાતા અપ્રોચને ધ્યાનમાં રાખીને ભારતમાં પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમવા આવ્યા છે, પરંતુ તેમને પહેલા જ દિવસે પહેલાં ભારતીય સ્પિનરોએ અને પછી ઓપનર યશસ્વી જયસ્વાલે તેમના જ અપ્રોચથી રમીને વળતો પરચો બતાવી દીધો હતો.
ઇંગ્લૅન્ડને 246 રનમાં ઑલઆઉટ કરાવવામાં ભારતીય સ્પિન-ત્રિપુટી રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્ર્વિન અને અક્ષર પટેલે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે ભેગા મળીને આઠ વિકેટ લીધી હતી. ત્યાર બાદ રમતના અંત સુધીમાં ભારતે એક વિકેટે જે 119 રન બનાવ્યા એમાં યશસ્વી જયસ્વાલ (76 નૉટઆઉટ, 70 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર)નો સૌથી મોટો ફાળો હતો. તેની અને કૅપ્ટન રોહિત શર્મા (27 બૉલમાં 24 રન) વચ્ચે 80 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. યશસ્વીની સાથે શુભમન ગિલ 14 રને રમી રહ્યો હતો.
રોહિતની વિકેટ બ્રિટિશ સ્પિનર જૅક લીચે લીધી હતી. બીજા ત્રણ બોલરમાં નવોદિત ટૉમ હાર્ટલીને તેમ જ માર્ક વૂડને અને રેહાન અહમદને વિકેટ નહોતી મળી.
‘બૅઝબૉલ’ અપ્રોચમાં પ્લેયર (ખાસ કરીને બૅટર) આક્રમક અભિગમ સાથે રમે છે અને ઇંગ્લૅન્ડના પ્લેયરો થોડા મહિના પહેલાં પાકિસ્તાનમાં આવા અભિગમ સાથે રમીને 3-0થી સિરીઝ જીત્યા હતા. જોકે મોહમ્મદ સિરાજે બે દિવસ પહેલાં બ્રિટિશરોને અણસાર આપી દીધો હતો કે જો તેઓ ‘બૅઝબૉલ’ના અપ્રોચથી રમવા જશે તો બની શકે કે અમે ટેસ્ટને દોઢ દિવસમાં પૂરી કરી નાખીશું.
યશસ્વીએ પ્રથમ બૉલમાં બાઉન્ડરી ફટકારીને ઇનિંગ્સની શરૂઆત કરી હતી, નવા બ્રિટિશ બોલર ટૉમ હાર્ટલીનું સિક્સરથી વેલકમ કર્યું હતું અને ભારતીયોમાં સિરીઝની પ્રથમ હાફ સેન્ચુરી તેણે ફટકારી હતી.