કલ્યાણમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી શખસની હત્યા
થાણે: કલ્યાણમાં અજાણી વ્યક્તિ સાથે થયેલા વિવાદ પછી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 41 વર્ષના શખસની કથિત હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની હતી.
માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ અબ્દુલ હલીમ તરીકે થઈ હતી. આદિવલી પરિસરના પેટ્રોલ પમ્પ પાછળ મંગળવારની રાતે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અબ્દુલની હત્યા કરવામાં આવી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર અબ્દુલે મંગળવારે જ મિત્રની મદદથી ફૂડ સ્ટોલ શરૂ કરવાની વાત પુત્રને કરી હતી. ત્યાર બાદ રાતે અબ્દુલના મોબાઈલ પરથી પુત્રને ફોન આવ્યો હતો. કૉલ કરનારી વ્યક્તિએ અબ્દુલનું અકસ્માત થયું હોવાથી તેને હૉસ્પિટલમાં લઈ જવાયો હોવાની જાણ કરી હતી.
હૉસ્પિટલમાં દાખલ કરાયેલા અબ્દુલનું સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ થયું હતું. તેના પુત્રએ પોલીસને જણાવ્યું હતું કે અમુક સપ્તાહ પહેલાં અબ્દુલનો એક વ્યક્તિ સાથે વિવાદ થયો હતો. તે સમયે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને એનસી નોંધવામાં આવી હતી. એ વ્યક્તિએ હત્યા કરી હોવાની શંકા પુત્રએ વ્યક્ત કરી હતી. ફરિયાદને આધારે માનપાડા પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)