વેસ્ટ ઇન્ડિઝના બે બૅટરે ઑસ્ટ્રેલિયાના બોલરોને તંગ કરી નાખ્યા, કૅમેરન ગ્રીનને મેદાન પર અલગ ઊભો રખાયો
બ્રિસ્બેન: અહીંના ગૅબાના જગવિખ્યાત મેદાન પર ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બહુ સસ્તામાં ઑલઆઉટ કરી દેવાની મનોમન તૈયારી કરી હતી અને પચીસ ઓવરમાં કૅરિબિયનોની અડધી ટીમ પૅવિલિયન ભેગી થઈ ગઈ હતી, પણ કેવમ હૉજ (194 બૉલમાં 71 રન) અને વિકેટકીપર જોશુઆ ડાસિલ્વા (157 બૉલમાં 79 રન) વચ્ચેની છઠ્ઠી વિકેટ માટેની 149 રનની ભાગીદારીએ ઑસ્ટ્રેલિયનોને તંગ કરી નાખ્યા હતા. ઑસ્ટ્રેલિયા સામેની 11 ડે ઍન્ડ નાઇટ ટેસ્ટમાં આ સૌથી મોટી ભાગીદારી હતી.
જોશુઆની છઠ્ઠી વિકેટ પડી ત્યારે વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 213 રન પર પહોંચી ગયો હતો. ત્યાર બાદ બીજા પચાસ રનમાં બે વિકેટ પડી હતી અને રમતને અંતે ટીમનો કુલ સ્કોર 8 વિકેટે 266 રન હતો. પેસ બોલર અલ્ઝારી જોસેફે 32 રન બનાવ્યા હતા, પરંતુ બીજો કોઈ બૅટર પચીસ રન પણ નહોતો બનાવી શક્યો.
ઑસ્ટ્રેલિયાના આઠ બોલરોએ કૅરિબિયન ટીમ પર આક્રમણ કર્યું હતું અને એમાં મિચલ સ્ટાર્ક ચાર વિકેટ સાથે સૌથી સફળ થયો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં 350 કે વધુ વિકેટ લેનારો પાંચમો ઑસ્ટ્રેલિયન બોલર બન્યો હતો. જૉશ હૅઝલવૂડે બે અને પૅટ કમિન્સ તથા નૅથન લાયને એક-એક વિકેટ લીધી હતી. મિચલ માર્શ, કૅમેરન ગ્રીન, માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડને વિકેટ નહોતી મળી.
કૅમેરન ગ્રીન કોવિડ-19ના પૉઝિટિવ રિપોર્ટ છતાં (પ્રૉટોકૉલ હેઠળ) રમી શક્યો છે. રાષ્ટ્રગીત દરમ્યાન તેમ જ વિકેટના સેલિબ્રેશન દરમ્યાન તેણે સાથી ખેલાડીઓથી દૂર ઊભા રહેવું પડ્યું હતું. ગ્રીનને આખા સેશન દરમ્યાન ગલીના સ્થાને ઊભો રખાયો હતો. તેને સાત ઓવર અપાઈ હતી જેમાં બે ઓવર મેઇડન હતી. જોકે તેને 12 રનમાં વિકેટ નહોતી મળી.