ઇન્ટરનેશનલ

આવું તો પાકિસ્તાનમાં જ થાય, ચૂંટણી રેલીમાં સિંહ અને વાઘ લઇને પહોંચી ગયો સમર્થક અને..

ભારતની જેમ પાકિસ્તાનમાં પણ આ જ વર્ષે સામાન્ય ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ ચૂંટણીમાં પાકિસ્તાનના મોટાભાગના રાજકીય પક્ષો ભાગ લઇ રહ્યા છે. જો કે નવાઝ શરીફની પાર્ટી PML(N)ની ચૂંટણી રેલીમાં એક નવતર પ્રયોગ જોવા મળ્યો હતો. પક્ષના અમુક સમર્થકો સિંહ તથા વાઘ લઇને ચૂંટણી રેલીમાં પહોંચ્યા હતા, સ્વાભાવિક છે કે તે પાંજરામાં પુરાયેલા જ હતા, જો કે આ પ્રયોગ નવાઝને ગમ્યો નહિ અને તેમના આદેશ મુજબ તાત્કાલિક બંને પ્રાણીઓ જ્યાંથી લવાયા હતા ત્યાં તેમને પરત મોકલી દેવાયા. આ રેલીમાં નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝ પણ ઉપસ્થિત હતાં.

લાહોરમાં નેશનલ એસેમ્બલી 130 પર નવાઝ શરીફની પાર્ટીએ એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં પાર્ટીના ‘અતિ ઉત્સાહી’ સમર્થકો રેલીના સ્થળ પર પાંજરે પુરાયેલા સિંહ અને વાઘ બંને લઇને પહોંચ્યા હતા. નવાઝ શરીફની પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ‘સિંહ’ છે, એટલે નવાઝ શરીફને ખુશ કરવાની ઘેલછામાં કાર્યકરો સિંહને લાવ્યા હતા. તો અન્ય એક સમર્થક વાઘને પાંજરે પુરીને લાવ્યો હતો. જો કે નવાઝની નારાજગીએ તેમના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડી દીધું હતું. ઉપસ્થિત લોકોએ પણ કાર્યકરોના આ પગલાની ઘણી ટીકા કરી હતી. આ પહેલા પણ નવાઝની ચૂંટણી રેલીમાં અમુક સમર્થકો સિંહ લાવી ચુક્યા છે.

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાઇ રહી છે. પ્રચાર દરમિયાન જનતાને સંબોધન કરતા નવાઝ શરીફ દાવો કરી રહ્યા છે કે તેમના ગયા બાદ પાકિસ્તાનના લોકોની મુશ્કેલીઓ વધી. પાકિસ્તાનને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પોતે સત્તામાં પરત ફરે તો દેશમાં સકારાત્મક ફેરફારો થશે તેવું નવાઝ શરીફે નિવેદન આપ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button