આમચી મુંબઈ

છેતરપિંડીના કેસમાં બિલ્ડર ટેકચંદાનીના નિવાસ, ઓફિસ સહિત અન્ય સ્થળે મુંબઈ પોલીસની સર્ચ

મુંબઈ: છેતરપિંડીના કેસનો સામનો કરી રહેલા બિલ્ડર લલિત ટેકચંદાનીના નિવાસસ્થાન, ઓફિસ તથા અન્ય બે સ્થળે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા ગુરુવારે સર્ચ હાથ ધરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ગયા સપ્તાહે ટેકચંદાની, તેની પત્ની, તેની કંપની સુપ્રીમ ક્ધસ્ટ્રકશન્સના ડિરેક્ટરો અને અન્યો વિરુદ્ધ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


આ કેસના ફરિયાદીએ નવી મુંબઈના તળોજામાં ટેકચંદાનીના ક્ધસ્ટ્રકશન પ્રોજેક્ટમાં રૂ. 36 લાખનું રોકાણ કર્યું હતું. કંપનીએ ફરિયાદીને બાંયધરી આપી હતી કે પ્રોજેક્ટ 2017માં પૂરો થઇ જશે. જોકે 2016માં અચાનક તેનું બાંધકામ બંધ થઇ ગયું હતું.


હજારો ફ્લેટ ખરીદદારોએ ટેકચંદાનીના પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું, પણ તેમને ફ્લેટનો તાબો મળ્યો નહોતો અને પૈસા પણ પાછા મળ્યા નહોતા, એમ ફરિયાદમાં જણાવાયું હતું.


આ ફરિયાદને આધારે ટેકચંદાની તથા અન્યો વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એફઆઇઆર દાખલ થયા બાદ આ કેસની તપાસ આર્થિક ગુના દ્વારા હાથ ધરવામાં આવી હતી.


ગયા સપ્તાહે ટેકચંદાની તથા અન્યો વિરુદ્ધ તળોજા પોલીસ સ્ટેશનમાં વધુ એક એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદ અનુસાર નવી મુંબઈના ખારઘરમાં આરોપીએ તેની કંપનીના હાઉસિંગ પ્રોજેક્ટમાં 160 લોકો સાથે રૂ. 44 કરોડની છેતરપિંડી આચરી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button