પીટરસનની બકવાસ આગાહીને રેકૉર્ડ બ્રેકર જાડેજા-અશ્વિનની જોડીએ ત્રણ જ કલાકમાં ખોટી પાડી
હૈદરાબાદ: અહીં ઉપ્પલમાં રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમની પિચ પર રનનો ઢગલો થશે અને ઇંગ્લૅન્ડ 450/9ના સ્કોર પર પહેલો દાવ ડિક્લેર કરી નાખશે, એવી આગાહી કરવાની ઉતાવળ ઇંગ્લૅન્ડના જ ભૂતપૂર્વ બૅટર કેવિન પીટરસનને ભારે પડી હતી. તે ત્રણ જ કલાકમાં ખોટો પડી ગયો હતો. બેન સ્ટૉક્સની ટીમ ફક્ત 246 રનમાં ઑલઆઉટ થઈ જતાં પીટરસનનું માથું શરમથી ઝૂકી ગયું હતું અને તેણે સોશિયલ મીડિયામાં આગાહીમાં ફેરફાર કરીને એમાં સુધારો કરતા લખ્યું, ‘ઓહ નો! મને લાગે છે કે આ ટેસ્ટ બે જ દિવસમાં પૂરી થઈ જશે.’
ભારતની પિચ પર ઇંગ્લૅન્ડની ટીમ એક દાવમાં 450 રન બહુ ઓછી વખત બનાવી શકી છે. ભારતમાં છેલ્લા 12 વર્ષમાં તેઓ જે 27 ઇનિંગ્સ રમ્યા છે એમાં ફક્ત ચાર વખત દાવમાં 450 રનનો આંક પાર કરી શક્યા છે. ભારતની પિચો બોલર-ફ્રેન્ડ્લી અને ખાસ કરીને સ્પિનર-ફ્રેન્ડ્લી રહી છે જેને કારણે છેલ્લા એક દાયકામાં અહીંની પિચો પર વિદેશી ટીમો ભાગ્યે જ દાવમાં 450થી વધુ રન બનાવી શક્યા છે.
જાડેજા અને અશ્વિન ભલભલી બૅટિંગ લાઇન-અપને તોડી પાડવા માટે જગવિખ્યાત છે. ગુરુવારે તેમણે બેન સ્ટૉક્સને બાદ કરતા તેના બાકીના બૅટર્સને વહેલા પૅવિલિયન ભેગા કરવામાં જાણે વિકેટો લેવાની હરીફાઈ કરી હતી.
રવીન્દ્ર જાડેજાએ 88 રનમાં ત્રણ અને અશ્વિનને 68 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. ભારતીય બોલરોની સૌથી સફળ જોડીઓમાં હવે જાડેજા-અશ્વિનએ સંયુક્ત રીતે લીધેલી 504 વિકેટ સૌથી વધુ છે. તેમણે આ વિકેટ 50 ટેસ્ટમાં લીધી છે. તેમણે અનિલ કુંબલે અને હરભજન સિંહનો 501 વિકેટનો ભારતીય વિક્રમ તોડ્યો છે. કુંબલે-ભજ્જીએ જોડીમાં 501 વિકેટ 54 ટેસ્ટમાં લીધી હતી. ગુરુવારે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટના પ્રથમ દિવસે અક્ષર પટેલે પણ પરચો બતાડ્યો હતો. તેણે માત્ર 33 રનમાં બે વિકેટ અને જસપ્રીત બુમરાહે 28 રનમાં બે વિકેટ લીધી હતી.