બિહારમાં Nitish VS Lalu?: પરિવારવાદવાળી નીતિશકુમારની ટિપ્પણીનો લાલુ પ્રસાદની પુત્રીએ આપ્યો આ જવાબ
પટણાઃ બિહાર(bihar)માં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલો વચ્ચે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ ગુરૂવારે સોશિયલ મીડિયા સાઇટ X પર એક પછી એક 3 પોસ્ટ મુકી. તેમણે પોતાની પોસ્ટમાં કોઇનું નામ લીધા વગર જ જાણે રાજકીય ખેંચતાણ અંગે પોતાની પ્રતિક્રિયા આપી દીધી હતી. હવે તેમની આ પોસ્ટના રાજકીય અર્થઘટન કાઢવામાં આવી રહ્યા છે, જો કે RJD-JDU બંનેએ શીત યુદ્ધ મામલે ચુપકીદી જાળવી રાખી છે.
લાલુપુત્રી રોહિણી આચાર્ય અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના વિચારો રજૂ કરતી હોય છે. RJDના રાજકારણમાં પણ તે ઉંડો રસ ધરાવે છે. રોહિણીએ હાલમાં મુકેલી તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે “જેમની વિચારધારા હવાની લહેરખી માફક બદલાયા કરે છે, તેઓ સમાજવાદી હોવાના દાવા કરી રહ્યા છે, જ્યારે પોતાની ખોટ જોઇ ન શકો ત્યારે અન્ય પર કીચડ ઉછાળવો જોઇએ નહીં.”
ટૂંકમાં, રોહિણીની પોસ્ટ પરથી એવું લાગી રહ્યું છે જાણે તેઓ આડકતરી રીતે સીએમ નીતિશકુમારની પાર્ટી JDUને પર નિશાન સાધી રહી છે. અમુક સૂત્રોનું સાચું માનીએ તો રોહિણીની આ પોસ્ટ અંગે સીએમ નીતિશકુમારે પણ ખુલાસો માગ્યો છે.
હાલમાં બિહારમાં RJD અને JDUની ગઠબંધન સરકાર ચાલી રહી છે, જો કે બંને પક્ષના નેતાઓ વચ્ચે સતત તણખા ઝર્યા કરે છે, જાહેર કાર્યક્રમોમાં જ્યારે મુખ્યપ્રધાન નીતિશકુમાર અને ઉપ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ એકસાથે મંચ પર હોય ત્યારે બંનેનું વર્તન શીતયુદ્ધની ચાડી ખાતું હોય છે.
તાજેતરમાં જ સરકારે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન કર્પુરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી ત્યારે નીતિશકુમારે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જનનાયક કર્પુરી ઠાકુરે ક્યારેય તેમના રાજકારણમાં વંશવાદને ચલાવ્યો નથી. તેમણે તેમના પરિવારના કોઇ સભ્યને રાજકારણમાં સક્રિય થવા દીધા નહી, તેમના નિધન બાદ JDUએ તેમના પુત્ર રામનાથ ઠાકુરને રાજ્યસભામાં મોકલ્યા હતા.
નીતિશકુમારે કહ્યું હતું કે તેઓ પોતે કર્પુરી ઠાકુરના અનુયાયી છે. તેમણે પણ તેમના પરિવારને રાજકારણમાં પ્રવેશવા દીધો નહી. નીતિશકુમારે થોડા સમય પહેલા કેબીનેટમાં પણ ફેરફારો કર્યા હતા જેમાં લાલુની પાર્ટી RJDના એક સિનિયર નેતા પાસેથી શિક્ષણનું ખાતું લઇ લીધું હતું અને અન્ય સામાન્ય વિભાગનો હવાલો સોંપી દીધો હતો.